આણંદના દંપત્તિએ વૃદ્ધાશ્રમમાં એકલવાયુ જીવન જીવતા 90 વર્ષીય વુદ્ધાને પોતાના ઘરે આશરો આપી 12 દિવસ સેવા કરી, વૃદ્ધાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા

કેટલાક માણસોને બીજા માટે ઘસાઈ છૂટવામાં સંતોષ મળે છે. ઘસાઈને ઉજળા રહીએ ની ભારતીય સંસ્કાર પરંપરા છે. આવા માયાળુ માનવી સુપેરે નિભાવતા હોય છે. જ્યારે કેટલાક ઘરમાં માના આંસુ નહી લૂછનારો વૃદ્ધાશ્રમ જઇ વૃદ્ધોની સેવા કરતા ફોટા વાઈરલ કરતો હોય છે. આણંદના રાજુભાઈ બારોટ અને તેમના પત્નીએ વૃદ્ધાશ્રમમાં એકલવાયુ જીવન વ્યતીત કરતા 90 વર્ષના વૃદ્ધાને પોતાના ઘરે આશરો આપી સ્નેહનું સંગમ તીર્થ રચ્યું છે.

આણંદના લાંભવેલ ખાતે આવેલા પ્રસિદ્ધ હનુમાનજી મદિરે પુત્ર સાથે દર્શનાર્થે ગયેલા દંપતિ પરિક્રમા કરી બેઠા હતા જે દરમ્યાન તેમનો દોઢ વર્ષનો પુત્ર પાપા પગલી કરતો રમતો રમતો મંદિરે દર્શન કરી બેઠેલ એક વૃદ્ધા પાસે જઈ અટક્યો બાળકની નિર્દોષ અને સ્નેહસભર આંખો જોઈ 90 વર્ષીય વૃદ્ધાએ મમતાભરી લાગણીએ બાળકને ઊંચકી ખોળામાં રમાડવા લીધો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ દરમિયાન બાળક પણ પોતાના બા હોય તેમ વૃદ્ધા સાથે વ્હાલ કરતો હતો. આ સઘળું બાળકના માતા પિતા જોઈ જ રહ્યા હતા. સમય થોડો વધારે થયો એટલે દંપતિ બાળકને લેવા વૃદ્ધા પાસે પહોંચ્યા હતા. જોકે, બાળક અને વૃદ્ધા એકબીજા સાથે ઓતપ્રોત થઈ ગયા હોય તેમ જણાતું હતું.

દંપતિને બાળક પરત કરતા વૃદ્ધાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને એ રડી પડ્યા હતા. આ જોઈ દંપતિનું હૈયું પણ ઉભરાઈ ગયું હતું. માતાની ઉંમરના વૃદ્ધાને રડતા જોઈ સાંત્વના આપતા દંપતિએ વૃદ્ધાને શાંત કરી તેમનો પરિચય અને સરનામું પૂછતાં જ ફરી વૃદ્ધાની આંખો ભરાઈ આવી હતી. વૃદ્ધાની જીવન કથની અને હાલ પરિવાર વિના અનુભવાતો એકલતાનો વલોપાત સાંભળી દંપતિએ એકબીજા સામે જોયું અને પત્નિએ હકારમાં ઈશારો કરતા જ પતિએ અજાણ્યા વૃદ્ધાને પૂછ્યું કે “તમને વાંધો ન હોય તો થોડા દિવસ મારી ઘરે રહો અને તમારી ઈચ્છા થાય ત્યારે તમે કહેશો ત્યાં મૂકી આવીશ”. પરિવારથી વિખુટા પડેલ વૃદ્ધાને પરિવારનો આશરો મળતા તે તૈયાર થઈ ગયા.

મહત્વનું છે કે, દંપતિ વૃદ્ધાને લઈ વૃદ્ધાશ્રમના મેનેજરને મળી સઘળી વિગત જણાવી હતી. વૃદ્ધા ઈચ્છે તેટલા દિવસ પોતાને ઘરે રાખી તેઓને પરત મૂકી જવા અંગે સંમતિ લીધી હતી. હવે એક નિર્દોષ બાળકનો વ્હાલ અને અજાણ્યા દંપતિનો સ્નેહ સભર આવકારને લઈ અજાણ્યા વૃદ્ધા અજાણ્યા દંપતિને ઘરે આવી પહોંચ્યા જ્યાં એક દંપતિ પોતાની 85 વર્ષીય માતા અને દોઢ વર્ષના પુત્ર સાથે રહેતું હતું. અહીં પતિ કામે જાય એટલે પત્ની બાળક અને માતાની સેવા સરભરામાં લાગી જતી હતી. ત્યાં વળી આ અજાણ્યા વૃદ્ધા પણ હવે પરિવારમાં સામેલ થતા પત્નીના માથે એક વધુ જવાબદારી માથે લીધી હતી.

પોતાના ઘરે અજાણ્યા વૃદ્ધાનાની દંપતિ માતૃવત સેવા કરતા હતા. વૃદ્ધા પણ થોડા દિવસ પોતે આ ઘરના સભ્ય નથી તે સત્ય જ વિસરી ગયા હોઈ તેવી પરિસ્થિતિ હતી. સપ્તાહથી વધુ દિવસનો સમય વ્યતીત થયો હોઈ જ્યાં એક દિવસ સવારે વૃદ્ધાએ દંપતિને બેસાડી પોતે કોઈ જ રીતે કુટુંબ ઉપર ભારરૂપ બનવા માંગતી નથી. જે પ્રેમ ,સ્નેહ ,આવકાર અને સન્માન અહીં પરિવારમાં મળ્યું છે, જે અંગે ધન્યવાદ કહી પરત પોતાના ઠેકાણે જવા માંગણી કરતા જ દંપતિએ થોડા દિવસ વધુ રોકાવવા આગ્રહ કર્યો અને બાળક તેમના ખોળામાં મૂકી અમારા માટે તમે કોઈ જ રીતે ભારરૂપ નથી તેમ વિશ્વાસ આપ્યો. મનમાં કોઈ જ ઓછપ ન લાવવા અને ઉપકારભાવ પણ ન લાવવા વિનંતી કરી હતી. જોકે, વૃદ્ધાએ હકારમાં માથું હલાવી તેઓ કાયમી ન જ રહી શકે પરંતુ થોડા દિવસ અહીં રહેશે અને તે દરમિયાન કોઈ વધુ સારો વૃદ્ધાશ્રમ હોય તો મેળવી આપવા દંપતિને સમજાવ્યું હતું.

આ બાબતને લઈ દંપતિ દ્વારા આણંદ ખેડા જિલ્લાના કેટલાક વૃદ્ધાશ્રમમાં પણ વૃદ્ધાને લઈ તપાસ કરવા પહોંચ્યા હતા પરંતુ વૃદ્ધાને અંતે લાંભવેલ આનંદ આશ્રમ વૃદ્ધાશ્રમ જ યોગ્ય લાગતા દંપતિ 12 દિવસના અંતે દંપતિ પુત્ર સાથે લઈ આ 90 વર્ષીય વૃદ્ધાને પરત લાંભવેલ વૃદ્ધાશ્રમે પરત મૂકી ગયા હતા. આ સમયે દંપતિ અને વૃદ્ધા સહિત આશ્રમવાસીઓની આંખો પણ આ દંપતિના આદર ,સત્કાર અને સતકાર્યપૂર્ણ વ્યવહારને લઈ ભીંજાઈ ગઈ હતી.

આ ઘટના અને વૃધ્ધાની જીવન કથની વિશે રાજુભાઇ બારોટનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, લાંભવેલ હનુમાનજી મંદિરમાં ભેટો થયેલ દર્શનાર્થી વૃદ્ધાને ઘરમાં રાખવા અંગે પત્નિએ હકાર કર્યો તે મને ગમ્યું હતું. કેમકે હું કામ અર્થે જાઉં બાદ મારી 85 વર્ષીય વૃદ્ધ માતા અને દોઢ વર્ષના બાળકની દેખભાળમાં તેનો સમય વધુ જતો હતો, જ્યાં આ 90 વર્ષીય વૃધ્ધાને ઘરસભ્ય બનાવીએ તો સેવા સરભરા પત્નિએ જ કરવાની હતી એટલે આ પુણ્યકાર્ય તેના સહયોગ વિના અધૂરું હતું.

આ વૃદ્ધાની વાત કરીએ તો વૃદ્ધા મુળ જુનાગઢના નાગર બ્રાહ્મણ જ્ઞાતિના છે. તેમનું નામ કમલાબેન બ્રહ્માનંદ ત્રીવેદી છે. જેઓ વર્ષોથી મુંબઇ રહેતા હતા અને તેમના પતિ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સેટ બનાવાનું કામ કરતા હતા. તેઓને એક પરણિત પુત્ર હતો પરંતુ કાળક્રમે જે બન્નેનું સમયાંતરે પુત્રના મૃત્યુ થયું હતું. જે બાદ તેમની વહુ અને પૌત્રીએ તેમને ઘરે રાખવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. વૃદ્ધાના પતિએ મહેનત કરીને એક ફ્લેટ વસાવ્યો હતો જે એકનો એક પુત્ર હોઈ દસ્તાવેજ પુત્રના નામે જ કરાવ્યો હતો.

પતિના અવસાન બાદ તેમની વહુએ 8 વર્ષ અગાઉ તે ફ્લેટ 90 લાખમાં વેચી દીધો હતો અને વૃદ્ધાને એક રુપિયો આપવા નકાર ભણ્યો હતો. જોકે. વૃદ્ધાએ એક એનજીઓની મદદ લીધી હતી પોતાની રીતે વૃદ્ધાશ્રમમાં રહેવા જતા રહ્યા હતા. જે બાદ અલગ અલગ વૃદ્ધાશ્રમમાં રહી તેઓ હાલ લાંભવેલ વૃદ્ધાશ્રમમાં રહે છે. જેમને પરિવાર તરફથી કોઈ સહાય આપવામાં આવી ન હતી કે કોઈ મળવા પણ આવતું નથી. આ 90 વર્ષીય વૃદ્ધા કમલાબેન બ્રહ્માનંદ ત્રીવેદી પોતે લેખીકા છે અને તેમણે 10 પુસ્તકો લખ્યા હોવાનું અને તે મુબંઈ છોડતા પહેલા તેમણે આ પુસ્તક મુબંઈની એસએનબીપી કોલેજમાં દાનમાં આપ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો