હિતેષ ડાંગી. 23 વર્ષનો આ યુવાન નાનપણમાં ચાલતાં શીખ્યો જ, ત્યાં ખોટી રીતે અપાઈ ગયેલા રસીના ઈન્જેક્શનના કારણે તેનો ડાબો પગ છીનવાઈ ગયો. જીવનભરની ખોડ રહી ગઈ. બે કાંખઘોડીના સહારે ચાલવું પડે તેવી સ્થિતિ આવી. ઈશ્વરે હિતેષનો પગ છીનવી લીધો પણ હૈયામાં હામ ભરપૂર આપ્યું. તેની બે કાંખઘોડીને જ સફળતાની સીડી બનાવી નાખી.
ઓફિસમાં બેઠાં બેઠાં કામ કરનારા કર્મચારીને પગના અંગૂઠામાં વાગી ગયું હોય તો પણ બોસને ફોન કરીને કહી દે કે, હું બે-ત્રણ દિવસ વર્ક ફ્રોમ હોમ કરીશ. જયારે હિતેષને તો એક પગ જ નથી છતાં એ આખા અમદાવાદમાં ફરીને ફૂડ પાર્સલ ડિલિવરી કરવાનું કામ સ્વીકાર્યું. હિતેષ ડાંગી ઝોમેટોમાં ફૂડ ડિલિવરી બોય છે. શા માટે આ કામ સ્વીકાર્યું? આ કામ કરવામાં કેવી તકલીફ પડે છે? જાણીએ હિતેષની જિંદગીની અનોખી સફર…
હિતેષ ડાંગીનું વતન દાહોદનું પીપલેટ ગામ. ગામડાંમાં કામ તો મળે નહીં એટલે કામની શોધમાં ડાંગી પરિવાર અમદાવાદ આવ્યો. પિતા કલશીંગભાઇ અને હિતેષના બે નાનાં ભાઈઓ મજૂરી કરે. હિતેષે કોલ સેન્ટરમાં કામ લીધું. બે મહિના કામ કર્યું પણ ફાવ્યું નહીં. પછી એવું નક્કી કર્યું કે અમદાવાદ છોડીને પોતાના ગામ પીપલેટ જવું. ગામડે પહોંચીને હિતેષે કરિયાણાની નાનકડી દુકાન કરી. દુકાન થોડા દિવસ ચલાવી ત્યાં કોરોના આવ્યો અને લોકડાઉન પણ આવ્યું. દુકાન બંધ કરવી પડી.
પીપલેટ ગામમાં શરુ કરેલી દુકાન બંધ કરવી પડી. દોઢ વર્ષ ખરાબ ગયું. પૈસા ખતમ થઇ ગયા. હવે? પછી હિતેષ, તેના પિતા અને ભાઈઓએ પણ નક્કી કર્યું કે આપણે બધા અમદાવાદ જતાં રહીએ. કાંઇને કાંઇ કામ મળી રહેશે.ડાંગી પરિવાર કામની શોધમાં અમદાવાદ આવી પહોંચ્યો. પિતા અને ભાઈઓને કન્સ્ટ્કશન સાઈટ પર મજૂરી કામ મળી ગયું, હિતેષ માટે સમસ્યા ઊભી થઇ. કામ શું કરવું? હિતેષ કામની શોધમાં નીકળી પડ્યો.
રામાયણનો એક પ્રસંગ ખુબ જાણીતો છે. હનુમાનજીને દરિયો કૂદીને લંકા જવું હતું પણ જામવંતે હનુમાનજીની સુષુપ્ત શક્તિઓ જાગૃત કરી અને હનુમાનજીને પોતાની શક્તિનું જ્ઞાન થયું. એ દરિયો ઓળંગી ગયા. હિતેષમાં અદમ્ય સાહસ હતું પણ આ સાહસની હાજરીનો ખ્યાલ તેને નહોતો. કામની શોધમાં અમદાવાદમાં તે ભટકી રહ્યો હતો. એક ચાની કીટલીએ તે બેઠો હતો ત્યારે ત્યાં ઝોમેટોનો ડિલિવરી બોય ચા પીતો હતો. તેમણે હિતેષને કહ્યું, તું મારી જેમ ઝોમેટોમાં ફૂડ ડિલિવરી ચાલુ કરી શકે છે. મહેનત મુજબ રૂપિયા પણ મળશે. હિતેષે કહ્યું, હું તો હેન્ડીકેપ્ડ છું. હું આ કામ કરી શકું? પેલા ડિલિવરી બોયે કહ્યું, તારામાં સાહસ હોય તો ચોક્કસ કરી શકે. સ્કુટર હોવું જોઈએ. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને કામ શરુ કરી શકે છે. આ સાંભળીને હિતેષમાં પડેલું સુષુપ્ત સાહસ જાગી ઊઠ્યું.
ઝોમેટોના ડિલિવરી બોયનું કામ કરવું એ હિતેષે નક્કી કરી લીધું. હિતેષ કહે છે, આ કામ કરવાના બે કારણો હતા. એક તો બધું કામ ઓનલાઇન થાય. એટલે મને સહેલું પડે. બીજું, હેન્ડીકેપ્ડ તરીકે ચલેન્જ હતી. જો હું કરીશ તો બીજા હેન્ડીકેપ્ડ લોકોને પ્રેરણા મળશે. હું તો માનું છું કે જેને જે કહેવું હોય તે કહે. આપણે કર્મ કરવાનું. ફળ ઉપરવાળો આપી દેશે.
ઝોમેટોના નિયમો જાણ્યા પછી હિતેષે પહેલું કામ સ્કુટર ખરીદવાનું કર્યું. સેકન્ડ હેન્ડ એક્ટિવા ખરીદ્યા પછી તેને થ્રિ-વ્હીલ કરાવવું, તેમાં કાંખઘોડીનું સ્ટેન્ડ કરવું, આ બધું થઈને 40 હજારનો ખર્ચ થતો હતો. હિતેષ પાસે પોતાની બચતના 20 હજાર રૂપિયા હતા. દિવ્યાંગ તરીકે તેને સમાજ કલ્યાણ વિભાગમાંથી 20 હજારની સહાય મળી. આમ, 40 હજારના ખર્ચે થ્રિ-વ્હીલ સ્કુટરની વ્યવસ્થા કરી.
લોકોને ઘરે ઘરે ભોજન પહોંચાડતો હિતેષ બે ઓર્ડર હાથમાંથી જતા ના રહે તે માટે પોતે ઘરે જમવા જતો નથી! રોજ સવારે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળી જાય. ઘાટલોડિયાથી બોડકદેવ પહોંચે. ત્યાં ઓનલાઇન થાય એટલે ધડાધડ ઓર્ડર આવવા લાગે. હિતેષ કહે છે, પહેલાં તો મોબાઈલ ફૂલ ચાર્જ કરીને નીકળતો. મોબાઈલની બેટરી ચાલે ત્યાં સુધી કામ કરવાનું. હવે મેં પાવર બેંક ખરીદી છે. રાત્રે સાડા નવ વાગ્યા સુધી કામ કરું, પછી લોગ આઉટ થાઉં. રાત્રે ઘરે જઈને 10 વાગ્યે જમું.
રોજના 600 રૂપિયા મળે, પેટ્રોલના ભાવના કારણે બચત ઘટી છે
ઝોમેટોમાં ફૂડ પાર્સલ ડિલિવરી બોયને કામના કલાક મુજબ પેમેન્ટ મળે. સવારથી રાત 20 જેટલા ઓર્ડર ડિલિવર કરે ત્યારે હાથમાં 600 રૂપિયા આવે. તેમાંથી 250 રૂપિયા પેટ્રોલના ખર્ચાઈ જાય. એ હિસાબે મહિને 12 થી 13 હજાર રૂપિયા બચે. તેમાંથી મહિનાનો ખર્ચ કાઢવાનો. હિતેષ કહે છે, પેટ્રોલના ભાવ વધી ગયા એટલે બચત ઓછી થાય છે. પહેલાં વધારે બચત થતી તો ટેકો રહેતો.દાહોદનો આ આદિવાસી પરિવાર ઘાટલોડિયામાં એક રૂમમાં રહે છે. રૂમનું ભાડું પણ 3 હજાર ચૂકવે છે.
ડિલિવરી કરવામાં કઈ-કઈ સમસ્યા નડે છે?
રોજ સવારે ઘરેથી નીકળવાનું. ઓર્ડર આવે એટલે હોટેલ પર પહોંચવાનું. સ્ટેન્ડમાંથી કાંખઘોડી લેવાની. પાર્સલ લેવા હોટેલમાં જવાનું. જો હોટેલમાં સીડી ચડીને જવાનું હોય તો ઘોડીના સહારે હિતેષ સીડી ચડે અને પાર્સલ લે. પાર્સલ લીધા પછી મોબાઈલમાં ડિલિવરી લોકેશન આવે. ત્યાં સુધી ખબર ના પડે કે પાર્સલ લઈને ક્યા વિસ્તારમાં જવાનું છે! પાર્સલ લઈને હિતેષ સ્કૂટરમાં આગળ પડેલી લાલ બેગમાં પાર્સલ મૂકે. પછી સ્કૂટરના સ્ટેન્ડમાં ઘોડી રાખે. સ્કૂટરમાં બેસીને સેલ્ફ લગાવે અને ટ્રાફિક ચીરતાં ચીરતાં ડિલિવરી સ્થળ પર પહોંચે. અમદાવાદમાં નિયમ એવો છે કે એપાર્ટમેન્ટમાં ફૂડ ડિલિવરી બોયનું વ્હીકલ જવા નથી દેતા. હિતેષને પણ આવી સમસ્યા નડે છે. ઘણી જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ અંદર જવા દે છે પણ ઘણી જગ્યાએ નથી જવા દેતા, તો હિતેષ સ્કુટર બહાર પાર્ક કરીને ઘોડીના સહારે પાર્સલ પહોંચાડે છે.
અમુક બિલ્ડિંગમાં લિફ્ટ નથી હોતી, તો કેવી રીતે જાવ છો? જવાબમાં હિતેષ ડાંગી કહે છે, હું કસ્ટમરને ફોન કરું કે, હું હેન્ડીકેપ્ડ છું. તમે નીચે આવીને પાર્સલ લઇ જશો? મોટાભાગના કસ્ટમર નીચે આવીને લઇ જાય છે. એકવાર એવું થયું કે ચોથા માળ ઉપર પાર્સલની ડિલિવરી કરવાની હતી. એ બિલ્ડિંગમાં લિફ્ટ નહોતી. મેં નીચેથી ફોન કર્યો. જે કસ્ટમરે પાર્સલ મગાવ્યું હતું તેમણે કહ્યું, હું નીચે નહીં આવી શકું. મારા બંને પગમાં ફેક્ચર છે. પછી હું ચાર માળ ચડીને ડિલિવરી કરી આવ્યો. એ ભાઈ પણ મજબૂર હતા. હિતેષ ઝોમેટોમાં ચાર મહિનાથી કામ કરે છે. નવરાત્રીના દિવસોમાં એવું થયું હતું કે સરખેજ પાસે સ્કુટર બંધ પડી ગયું. પછી ઓટોમાં પાછળ બાંધીને ઘરે લઇ ગયો. સમસ્યાઓનો સામનો કરતાં કરતાં પણ એ કામ કર્યા કરે છે.
12મુ ધોરણ પાસ કર્યા પછી હિતેષ ડાંગીએ આઈટીઆઈમાં અભ્યાસ કર્યો. તેમના પત્ની નયનાબેન પણ હેન્ડીકેપ્ડ છે. તેને દોઢ વર્ષની દીકરી પ્રાંજલ છે. હિતેષના બે ભાઈઓ અને પિતા અમદાવાદ છે. માતા મગુડીબેન દાહોદના પીપલેટ ગામે નાનકડી દુકાન સંભાળે છે. હિતેષની ઉંમર દોઢ વર્ષની હતી ત્યારે તેને કોઈ રસીનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. તેની આડઅસરના કારણે ડાબો પગ પોલિયોગ્રસ્ત થઇ ગયો. જમણો પગ કામ કરે છે પણ બે કાંખઘોડીના સહારે જ રહેવું પડે છે.
હિતેષ ડાંગી માને છે કે, આપણામાં સાહસ હોય. ધગશ હોય તો કાંઈ અશક્ય નથી. હું મારા કામને પ્રેમ કરું છું. બધા મને સપોર્ટ કરે છે. તે કહે છે, માણસનું સૌથી મોટું હથિયાર આત્મવિશ્વાસ છે. એ હોય તો બીજું કામ આપોઆપ થવા લાગશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..