કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. અમદાવાદમાં પણ લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ગરીબો અને રોજનું કમાવીને રોજ ખાતા મજૂરોની પરિસ્થિતિ ઘણી વિકટ બની ગઈ છે. જોકે, અમદાવાદમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ અને લોકો છે જેઓ આ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. પરંતુ તેમાં પણ સેવાવૃત્તિનો જશ ખાટવા અને બધાને પોતાની સેવાવૃત્તિ દેખાડવા માટે લોકો મદદ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે અને લેનાર વ્યક્તિ જાણે ગરીબ, નિસહાય અને લાચાર હોય તેવું લાગે છે. ત્યારે ઓઢવમાં કેટલાક યુવાનોએ એક અનોખી પહેલ કરી છે જેઓ કોઈ પણ જાતની પ્રસિદ્ધિ મેળવવાથી દૂર રહીને કામ કરી રહ્યા છે.
ઓઢવ તથા તેની આસપાસના વિસ્તારના ખેતલાબાપા ગ્રૂપ, જય અંબે ગ્રૂપ અને માનવ વિકાસ ફેડરેશનના યુવાનોએ એક અનોખી પહેલ શરૂ કરી છે. દોઢસોથી વધુ યુવાનો અને વડીલો સાથે મળીને બપોર અને સાંજે પાંચ હજાર લોકો માટે ખીચડી બનાવે છે. આ ખીચડી તેઓ રામોલ, ઓઢવ, વસ્ત્રાલ અને નિકોલના જરૂરિયાત મંદોના ઘરે પહોંચાડે છે. જે પરિવારમાં નાના બાળકો હોય તો તેમના માટે દૂધની વ્યવસ્થા પણ કરી છે.
જોકે, તેમની સેવાવૃત્તિની ખાસીયત એ છે કે તેઓ જરૂરિયાતમંદોના ઘરે જઈને તેમને ખીચડી અને દૂધ આપે ત્યારે તેઓ ઘરના કોઈ પણ સભ્ય સાથે ખીચડી કે દૂધ આપતા ફોટા પડાવતા નથી. તેથી સોશિયલ મીડિયા પર તેને અપલોડ કરવાનું રહેતું નથી. આ ગ્રૂપના યુવાનોએ જણાવ્યું હતું કે લોકડાઉનના કરાણે રોજીરોટી બંધ થઈ જવાથી ઘણા પરિવારો મુશ્કેલીમાં મૂકાયા હતા. તેથી અમે તેમની મદદ કરવાનો વિચાર કર્યો. જોકે, મોટા પ્રમાણમાં રસોડુ શરૂ કરવાનું હોવાથી જગ્યાની મોટી મુશ્કેલી હતી. પરંતુ ઓઢવ રિંગ રોડ ખાતે જીજે-5 ઢોંસા પોઈન્ટ દ્વારા સેવાકાર્ય માટે જગ્યા ફાળવી હતી.
સ્થાનિક વિસ્તારમાં કેટરિંગનું કામ કરતા ગ્રૂપ દ્વારા ચાર માણસો ફાળવવામાં આવ્યા અને તે બંને સમય ખીચડી તૈયાર કરે છે. ખીચડી બનાવવાના બદલામાં તેઓ એક રૂપિયો પણ લેતા નથી. પહેલા થોડા દિવસ થોડી ખીચડી બનાવી હતી અને લોકો સુધી પહોંચાડી હતી. આ દરમિયાન અમે ફક્ત ફોટા પડાવવા ઈચ્છતા હોય તેવા સ્થાનિક અગ્રણીઓ અને રાજકિય અગ્રણીઓને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે સ્થાનિક લોકોએ આ સેવાકાર્યમાં મદદ કરવાનું શરૂ કર્યું.
આ યુવાનોનું કહેવું છે કે જે સેવાકીય પ્રવૃત્તિ કરતા મિત્ર મંડળ અને સંસ્થાઓ કોઈ પણ વસ્તુના વિતરણ વખતે ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર મૂકવાનું બંધ કરે તો ખરેખર સ્વીકારનાર વ્યક્તિ માનભેર તે વસ્તુનો સ્વીકાર કરી શકે છે. યુવાનોની આવી સેવા પ્રવૃત્તિને જોઈને સ્થાનિકો પણ મદદ માટે આગળ આવ્યા છે અને તેવામાં હાલમાં તેમની પાસે ચોખા અને દાળની 100 બોરીનો સ્કોટ થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..