સુરતઃ પાલમાં નવનિર્મિત કેબલ સ્ટેઈડ બ્રિજનાં ઉદ્દઘાટનનાં થોડા સમયમાં જ લોકોએ પાન-માવાની પિચકારીથી ખરડાયેલો બ્રિજ સાફ કરી શહેરનાં એક જાગૃત નાગરિકે શરૂ કરેલી પહેલ હવે ઝુંબેશમાં પરિણમી ગઇ છે. આ સફાઇ ઝુંબેશનાં ભાગરૂપે વર્ષોથી પાન-માવા ખાઈને રોડની સાઈડમાં પિચકારી મારી ગંદકી ફેલાવા ટેવાયેલી વરાછાની જનતામાં જાગૃતિ આવે એ માટે વરાછાના રાષ્ટ્રવાદી પ્રખર સંગઠનનાં 50 જેટલા સેવાભાવી યુવાનોએ મહાનગરપાલિકાનાં સહયોગથી વરાછાનાં સૌથી મોટો ઓવરબ્રિજની સફાઈ હાથ ધરવા સાથે બ્રિજ પરથી પસાર થતા વરાછાવાસીઓને શહેરની ખરડાયેલી છબી સુધારવા સંદેશો આપ્યો હતો.
રસ્તાઓ પર હોય છે પાનની પીચકારી
એક અંદાજ મુજબ વરાછામાં લગભગ 70થી 80 ટકા યુવાનો વ્યસનમાં બરાબાદ થઇ રહ્યા છે. આ યુવાનોમાં મોટાભાગે પાન-માવાનું વ્યસન જોવા મળે છે. પાન-માવા ખાઈને રોડની સાઈડ પર, દિવાલો પર કે રોડના ડીવાઇડરો પર પિચકારી મારવા આદત પડી ગઈ છે. જેને પરિણામે વરાછાનાં મોટાભાગનાં રોડ, બ્રિજ પરનાં ડિવાઈડર અને સાઈડ વોલ પાન-માવાની પિચકારીથી ખરડાયેલી ગંદી ગોબરી સ્થિતિમાં જોવા મળે છે.
સફાઈ ઝુંબેશથી સર્જાયું કુતુહલ
વર્ષોથી પાન-માવા ખાઈને જ્યાં-ત્યાં થૂંકવાની માનસિકતાનો ભોગ બનેલી વરાછાની જનતાને આ કુટેવમાંથી બહાર લાવવા વરાછાનાં સેવાભાવી યુવાનો આગળ આવ્યાં છે. સ્વચ્છ-સુથરા કપડા પહેરી લોકોની ગંદકી સાફ કરતાં યુવાનોને જોઈને બ્રિજ પરથી પસાર થતાં રાહદારીઓમાં પણ ભારે કૂતુહલ સર્જાયું હતું. જોકે, કોઈ સારી કામગીરીની સારાહના કરવાને બદલે લોકો પણ ફોટો સેશન હોવાનું કહી આગળ નીકળી ગયાં હતાં. પાન-માવા ખાઈને ગમે-ત્યાં પિચકારી મારી ગંદકી ફેલાવનારાઓમાં શરમ અનુભવવાને બદલે ટીકા કરવાની માનસિકતા શરમજનક બાબત છે.
સંગઠન દ્વારા શહેરમાં દર સપ્તાહે એક બ્રિજની સફાઈ હાથ ધરાશે
રાષ્ટ્રવાદી પ્રખર સંગઠનનાં પ્રમુખ હિમંત કાનાણીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને જાહેર બાંધકામોની જાળવણી રાખવી આપણી નૈતિક ફરજ છે. પરંતુ, પાન-માવાનાં વ્યસનને કારણે ગમે-ત્યાં થૂંકવાની માનસિકતા બંધાઈ ગઈ છે. પરંતુ, હવે આ માનસિકતા બદલાવી જોઈએ. શહેરનાં એક જાગૃત નાગરિકે શરૂ કરેલી ઝૂંબેશ હવે વરાછાનાં એક-એક વ્યક્તિ સુધી ન પહોંચે ત્યાં સુધી શરૂ રહેશે. દર સપ્તાહે વરાછાનાં કોઈ પણ એક બ્રિજની સફાઈ હાથ ધરવામાં આવશે.