કેરળના યુવકે તેની માતાના બીજા લગ્ન કરાવીને કહ્યું ‘મેં મારું કર્તવ્ય પૂરું કર્યું’

આધુનિક જમાના સાથે આપણે પણ આધુનિક થઈ ગયા છીએ તે વાત ઘણા કેસમાં દેખાતી જ નથી. આજે પણ આપણા દેશમાં બીજાં લગ્નને સ્વીકારવા ઘણા લોકો તૈયાર નથી. કેરળના યુવકે તેની માતાના બીજા લગ્ન પર કરેલી પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ગોકુલ શ્રીધરે વાપરેલા શબ્દોએ હજારોનાં દિલ જીતી લીધાં છે. મંગળવારે ગોકુલે ફેસબુક પર મલયાલમ ભાષામાં તેની માતાને બીજાં લગ્ન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ગોકુલની માતાને તેનો પહેલો પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.

ભાવુક પોસ્ટ

ગોકુલે પોસ્ટમાં લખ્યું છે કે, એક મહિલાએ માત્ર મારા માટે તેની જીંદગીનું બલિદાન આપી દીધું. તેણે પોતાના લગ્નજીવનમાં ઘણું બધું સહન કર્યું છે અને જોયું છે. તેને અપાતી શારીરિક પીડાનો હું સાક્ષી છું. મારા પિતાના મારને લીધે એક વખત તેના માથામાંથી લોહી વહેતું પણ મેં જોયું છે. ચૂપચાપ સહન કરતી મારી માતા હંમેશાં મને કહેતી કે, આ બધું હું તારા માટે જ કરું છું. તેણે ક્યારેય પોતાના વિશે વિચાર્યું જ નથી. તેનું મારા પરનું ઋણ તો હું ક્યારેય નહીં ચૂકવી શકું, પણ તેને જીવનમાં ખુશ કરવા મારાથી થતાં દરેક પ્રયત્નો કરીશ. માતાએ ઘણાં સપનાં જોયાં છે, જેને પૂરાં કરવાનો સમય આવી ગયો છે. મારી પાસે મા વિશે લખતાં શબ્દો ખૂટી ગયા છે. મને લાગે છે કે, મારે તેમના બીજાં લગ્નને લોકોથી છુપાવવાની કોઈ જરૂર નથી. બીજાં લગ્ન કરાવીને મેં મારું કર્તવ્ય પૂરું કર્યું છે. હેપ્પી મેરિડ લાઈફ.

નર્વસ

ગોકુલે જણાવ્યું કે, આ પોસ્ટ લખતાં પહેલાં હું થોડો નર્વસ હતો. મને ડર હતો કે, સમાજને મારા વિચાર અને મારી માતાના બીજાં લગ્ન ગમશે કે કેમ! પછી મને લાગ્યું કે, મારે આ દુનિયાથી કોઈ વાતને છુપાવવાની જરૂર નથી. મારી માતા મુક્ત રીતે તેમના બીજા પતિ સાથે હરીફરી અને રહી શકે છે.

રિસ્પોન્સ

ગોકુલની પોસ્ટને ફેસબુકમાં અત્યાર સુધી 37 હજાર લાઈક મળી ચૂકી છે. આ સિવાય 4 હજાર લોકોએ તેની ભાવુક પોસ્ટને શેર કરી છે. યુઝર્સ કમેન્ટમાં તેના વખાણ કરી રહ્યા છે…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો