બનાસકાંઠાના મુડેઠા ગામના જોશીપુરામાં ખેડૂત પરિવારમાં જન્મેલા દશરથભાઈ જોશીએ દિવ્યાગ હોવા છતાં રંગબેરંગી ખાટલા ભરીને ગમે તેવા કપરા સંજોગોમાં પણ હિંમત ન હારવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાટલા ભરવાની સાથે સાથે એમાં નામ લખવા તેમજ અલગ-અલગ ડિઝાઇન બનાવવાની કળા જોઈને અનેક લોકો તેમની પાસેથી ખાટલા ખરીદી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આજથી 35 વર્ષ અગાઉ મુડેઠા ગામે રહેતા જોશી પરિવારમાં પુત્ર રત્નનો જન્મ થતાં પરિવારમાં ખુશી છવાઈ હતી. જોકે પુત્રની આંખોમાં થોડી તકલીફ હોવાનું પરિવારને જાણવા મળતાં પરિવારમાં થોડી નિરાશા છવાઈ હતી, પરંતુ પરિવારે તેની આંખોની સારવાર પણ કરાવી હતી, જેથી તે વખતે દશરથભાઈને માત્ર દસ ટકા જેટલું દેખાઈ શકતું હતું. સમય જતાં તેઓ સ્કૂલમાં અભ્યાસ માટે ગયેલા અને ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા, પરંતુ આંખોની રોશની ના હોવાના કારણે માત્ર 7 ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. આગળ જતાં તેમના લગ્ન થયેલા, જેમાં હાલમાં તેમના પરિવારમાં ત્રણ બાળકો પણ છે, પરંતુ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી તેમને બિલકુલ દેખાવાનું બંધ થઈ ગયું હતું.
તેમને સો ટકા દેખાવાનું બંધ થઈ જતાં તેમનાં પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી છવાઈ હતી, પરંતુ દશરથભાઈએ હાર ન માનતાં પોતાનાં માતા-પિતા સહિત પોતાના પરિવારને હિંમત આપી તેમનાં બાળકો તેમજ પત્ની સાથેના પરિવારની રોજી-રોટી મેળવવા એક નવો રસ્તો અપનાવ્યો હતો. બાળપણમાં દશરથભાઈને ગાવાનો તેમજ ખાટલા ભરવાનો શોખ હતો, આથી તેમણે તેમના નાના ભાઈ જોડે યુ-ટ્યૂબમાં ઓનલાઈન ખાટલા ભરવાની પદ્ધતિ જાણી અને મોબાઈલમાં માત્ર અવાજ સાંભળી ખાટલા ભરવાની શરૂઆત કરી હતી, જેમાં તેમને સફળતા મળી હતી અને આજે તેઓ રંગબેરંગી ખાટલા ભરી રહ્યા છે. ખાટલામાં નામ લખવું, અલગ-અલગ ડિઝાઇન બનાવવાની કળા જોઈ અનેક લોકો ખાટલા ખરીદી રહ્યા છે. કોઈના પર પણ બોજ બન્યા વગર આજે દશરથભાઈ આત્મનિર્ભર બન્યા છે.
દશરથભાઈને તેમનાં માતા-પિતા, પત્ની સહિત ભાઈઓનો ખૂબ સહકાર મળ્યો છે. દશરથભાઈ યોગા તેમજ ધ્યાન કરે છે, સાથે સાથે પોતાના ખેતરમાં પશુપાલન પણ પરિવારના સહયોગથી કરી રહ્યા છે. દશરથભાઈના નાના ભાઈ કનુભાઈએ જણાવ્યું હતું કે દશરથભાઈને આંખોની તકલીફ થતાં બધા ચિંતામાં મુકાયા હતા, પરંતુ તેમણે એ બધાને હિંમત આપી હતી અને આ મુશ્કેલીમાં હું જાતે આત્મનિર્ભર બની જીવન ગુજારીશની વાત કરી પોતાની મહેનતથી ખાટલા ભરવાનું કામ કર્યું હતું. એનાથી એમનો પરિવાર પણ ખૂબ ખુશ છે.
તેમના પિતા ધુળાભાઈએ જણાવ્યું હતું કે મારા ઘરના મોભી દીકરાને આંખોની તકલીફ આવતાં હું નિરાશ થઈ ગયો હતો, પરંતુ તેણે જ મને હિંમત આપી હતી, જેથી અમે તેને મદદ કરી હતી. આજે તે ખાટલા ભરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે તેની અમને ખુશી છે.
આંખોની રોશની વગર પણ જીવન વ્યતીત કરતા અને આત્મનિર્ભર બની પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દશરથભાઈને ગાવાનો પણ ખૂબ શોખ છે. કુદરતે તેમને સારો અવાજ આપ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ સારું પ્લેટફોર્મ તેમને મળ્યું નથી. ગાવા માટે તેમને કોઈ સંસ્થા કે લોકો મદદ કરે તો તેઓ તેમનું સપનું સાકાર કરી શકે તેમ છે એવી તેમણે અપીલ પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..