ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મોર્યએ મંગળવારે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું હતુ તે પછી થોડા જ સમયમાં તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા હતા. સ્વામી પ્રસાદ મોર્યના સમર્થનમાં 3 ધારાસભ્યોએ પણ રાજીનામાં ધરી દીધા હતા. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે અન્ય એક મંત્રી અને 4 ધારાસભ્યો પણ ભાજપ સાથે છેડો ફાડીને સપાનો હાથ પકડી શકે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓ સપામાં આવી રહ્યા હોવાથી અખિલેશ યાદવે કહ્યું હતું કે 2022માં મેલા હોબે. એક પછી એક રાજીનામાને કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે.
યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મોર્યએ મંગળવારે રાજીનામું આપીને સપામાં જોડાઇ ગયા. તેમના સમર્થનમાં ધારાસભ્ય બ્રુજેશ પ્રજાપતિ, ભગવતી પ્રસાદ સાગર અને રોશન લાલ વર્મા પણ ભાજપનો સાથ છોડી ગયા હતા. હવે એવી ચર્ચા છે કે મંત્રી ધર્મ સિંહ સૈની સહિત અન્ય 4 ધારાસભ્યો પણ ભાજપનો સાથ છોડીને સપાની કંઠી બાંધી શકે છે. ભાજપમાં મચેલી દોડધામ પર સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે બાઇસમેં સબ કે મેલ મિલાપ સે સકારાત્મક રાજનીતિ કા મેલા હોબે. અખિલેશે કહ્યું કે ભાજપની ઐતિહાસિક હાર થશે. પશ્વિમ બંગાળની ચૂંટણી પછી ખેલા હોબે શબ્દ વધારે પ્રચલિત થયો છે.
दलितों, पिछड़ों, किसानों, बेरोजगार नौजवानों एवं छोटे-लघु एवं मध्यम श्रेणी के व्यापारियों की घोर उपेक्षात्मक रवैये के कारण उत्तर प्रदेश के योगी मंत्रिमंडल से इस्तीफा देता हूं। pic.twitter.com/ubw4oKMK7t
— Swami Prasad Maurya (@SwamiPMaurya) January 11, 2022
યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મોર્યએ ઇમેલ કરીને રાજીનામું મોકલી આપ્યું છે અને ધારાસભ્ય રોશનલાલ વર્મા હાર્ડ કોપી લઇને રાજભવન પહોંચ્યા છે. પ્રસાદ મોર્યએ પછાત લોકો, ખેડુતો, બેરાજગાર, યુવાનો અને નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે યોગી સરકારના ઉપેક્ષિત વલણને રાજીનામાનું કારણ હોવાનું કહ્યું છે.
મંત્રી પદેથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાં જોડાયેલા સ્વામી પ્રસાદ ભાજપ છોડતાની સાથે જ વાઘ થઇ ગયા હતા. તેમણે કહ્યુ કે જે લોકો પોતાની જાતને તોપ સમજી રહ્યા છે તે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જોઇને દંગ રહી જશે. સ્વામી પ્રસાદ મોર્ય યોગી સરકારમાં શ્રમ, રોજગાર અને સંકલન કેબિનેટ મંત્રી હતા.સ્વામી પ્રસાદ મોર્યની પુત્રી સંઘમિત્રા મોર્ય બદાયુંથી ભાજપની સાંસદ છે.
મંગળવારે ઉત્તર પ્રદેશમાં જે રાજકીય સમીકરણો બદલાયા તેમાં મોર્ય પછી ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને ત્રણેય પણ સમાજવાદીમાં જવાની અટકળો ચાલી રહી છે. જો કે સુત્રોનું કહેવું છે કે રાજીનામા આપનાર ત્રણેય ધારાસભ્યોની આ વખતે ભાજપ તરફથી ટિકીટ કપાઇ જાય તે લગભગ નક્કી હતું.
સ્વામી પ્રસાદ મોર્યના રાજીનામા પછી અખિલેશ યાદવે મોર્ય સાથેની તસ્વીર શેર કરીને લખ્યું કે સામાજિક ન્યાય અને સમતા સમાનતાની લડાઇ લડી રહેલા જાણીતા નેતા સ્વામી પ્રસાદ મોર્ય અને તેમની સાથે આવનારા નેતાઓ, કાર્યકર્તાઓનું સમાજવાદી પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે.
ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ મોર્યએ સ્વામી પ્રસાદના રાજીનામા બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમણે કયા કારણોથી રાજીનામું આપ્યું તેની મને ખબર નથી, પરંતુ મારી તેમને વિનંતી છે કે સંવાદથી ઉકેલ આવી શકે છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઘણી વખત ખોટાં સાબિત થતા હોય છે.
જો કે સ્વામી પ્રસાદ મોર્યએ પહેલીવાર પાટલી બદલી એવું નથી. 22 જૂન 2016માં તેમણે બહૂજન સમાજ પાર્ટી (બસપા) સાથે છેડો ફાડીને લોકતાંત્રિક બહુજન મંચની પોતાની પાર્ટી ઉભી કરી હતી તે પછી 21 સપ્ટેમ્બર 2016માં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. તે સમયે ભાજપને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જીતે એવા ઉમેદવારની જરૂર હતી.
રાજકારણને જાણનારા લોકોનું કહેવું છે કે ભાજપમાં કેશવ પ્રસાદ મોર્યના રહેતા એ મહત્ત્વ નહોતું જે બસપામાં મળતું હતુ અને હવે સપામાં મળશે. ઉત્તર પ્રદેશમાં 8 ટકા વસ્તી મોર્ય અને કુશવાહાની છે અને તેમની પર સ્વામી પ્રસાદ મોર્યની જબરદસ્ત પકડ હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત સ્વામી પ્રસાદ મોર્ય 5 વખત ધારાસભ્ય બની ચૂક્યા છે અને માયાવતી અને યોગીની કેબિનેટમાં તેમને મંત્રી પદ પણ મળ્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..