આજે ર૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ. આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજોપ્તી સામે ચકલીની સંખ્યામા ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જ ચકલી જોવા મળે તો નવાઈ નહીં.
ચકા-ચકીની વાર્તા માત્ર વાર્તા જ બની રહેશે. વૃક્ષોનું નિકંદન, મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિયેશન, કારખાના-વાહનોનો ઝેરી ધુમાડો વગેરેના કારણે શહેરોમાંથી તો ઠીક ગામડાઓમાં પણ ચકલીઓ લુપ્ત થઈ રહી છે.
‘એક હતી ચકી, એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, બંનેએ રાંધી ખીચડી…’ વાર્તા કહેનારી દાદીમાઓ પણ હવે જોવા મળતી નથી, જેના લીધે આજની કોમ્પ્યુટર, મોબાઈલ અને ઈન્ટરનેટયુક્ત પેઢીને પર્યાવરણ અને પ્રકૃતિ સાથેનો લગાવ પણ ઘટી ગયો છે. અત્યારની સ્થિતિ જોતાં આવનારી પેઢીને ચકલીઓ માત્ર ફોટામાં જ જોવા મળશે તે નક્કી છે.
વન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 70 થી 80 ટકા જેટલી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ૦ ટકા ચકલીઓ લુપ્ત થઈ ગઈ છે.
સતત 8 વર્ષથી ખંભીસરમાં યુવાનો દ્રારા ચકલી બચાવો અભિયાન મોડાસાના ખંભીસરમાં છેલ્લા 8 વર્ષ થી સતત ચકલીઓ સહિતના અન્ય પક્ષીઓના અસ્તિત્વને ટકાવી રાખવા કુંડા તેમજ માળા અભિયાન ચલાવવામાં આવે છે.ચકલીઓના ગામ તરીકે જાણીતા બનેલા ખંભીસરમાં દર વર્ષે યુવાનો દ્રારા પોતાના પોકેટમનીમાંથી બચત કરી અભિયાન ચલાવવામાં આવે છે.
ટીમ ખંભીસરના નામથી કામ કરતા યુવાનોના સંગઠન દ્રારા ચાલુ વર્ષે ગામમાં ઘરદીઠ બે માળા અને બે કુંડા લગાવવામાં આવ્યા છે અને દરેક યુવાનોને પોતાના મહોલ્લામાં નિયમિત ચણ અને પાણી ભરાય તેની જવાબદારી સોપાઈ છે.
દર વર્ષે ઉનાળાના પ્રારંભમાં પોતાના ગામ સહિત આજુબાજુના અન્ય વિસ્તારોમાં પણ પક્ષીઓને રહેવા અને પાણી પીવાની તકલીફ ન પડે તે માટે માળા અને કુંડા લગાવવામાં આવે છે તેનો અંદાજે પચાસ હજાર થી વધુ ખર્ચ યુવાનો ઉઠાવે છે.
ગ્રામજનો દ્રારા પણ પોતાના ઘરઆંગણે લગાવેલા માળા અને કુંડાની યોગ્ય જાળવણી થાય તેમજ પક્ષીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરે છે. ટીમ ખંભીસર દ્રારા ખંભીસર સહિત આજુબાજુના અન્ય ગામોમાં ૧૦૦૦ જેટલા માળા અને કુંડા લગાવી પર્યાવરણ સહિત પક્ષીઓ બચાવવા માટેનો સંદેશ સમગ્ર સમાજને આપ્યો છે.
નિદોર્ષ ચકલીઓ માટે રેડીયશન ઘાતક નિવડી રહ્યુ છે
આડેધડ વૃક્ષછેદન અને શહેરી વિસ્તારનો ઝડપથી વ્યાપ વધવાને કારણે ફ્રેન્ડલી નેબરહૂડ કહી શકાય તેવી ચકલીઓના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે. ઈન્ટરનેટ અને મોબાઈલ ટીવીના દ્રશ્ય-શ્રાવ્ય તરંગોના ઈલેક્ટ્રોમેગ્નેટીક રેડીયશને પણ કોઈ કસર છોડી નથી.
ચકલીઓની સંખ્યામાં ઝડપથી થઈ રહેલ ઘટાડા પાછળ માળો બાંધવાની જગ્યાનો અભાવ, ખોરાકની ઉપલબ્ધતામાં ઘટાડો, ખેત ઉત્પાદનો ઉપર રહેલ ઝેરી રસાયણોનો છંટકાવ, બ્રીડીંગ ઓપર્ચ્યુનીટીમાં ઘટાડો સહિતના પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.