નારી ધારે તે કરી શકે, કહેવતને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આમણિયા ગામના કપિલા ગામિતે સાર્થક કરી બતાવ્યું છે. વર્ષ 2001માં પોતાનું અને 3 દિકરીઓનું ગુજરાન ચલાવવા શરૂ કરેલો પશુપાલન અને દૂધ ઉત્પાદકનો વ્યવસાય આજે આમણિાયા ગામની રોજીરીટી બની ગયો છે. 105 પરિવારોનું ગુજરાન દૂધ ઉત્પાદનથી ચાલી રહ્યું છે. શનિવારે સુમુલ ડેરીના ચેરમેનની રૂ.5 લાખની સહાયથી આમણિયા ગામે દુધ ઘરનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
એક ભેંસથી શરૂ કરેલી દૂધ મંડળી આજે વટવૃક્ષ બની
આમણીયા દુધ ઉત્પાદક સહકારી મહિલા મંડળીના મંત્રી કપિલા ગામીતે જ્ણાવ્યું હતું કે, હું પોતે 10 ધોરણ ભણી છું. સાસરે આવી ત્યારે કાયમી ધંધો ન હતો. ગામના પુરૂષોમાં વ્યસનનું પ્રમાણ પણ વધુ હતું. જેમાં મારા પતિ પણ બાકાત ન હતા. 500 રૂપિયા માસિક પગારે હું બાલવાડીમાં કામ કરતી હતી. મારી 3 દિકરીઓના ભવિષ્ય માટે દૂધ મંડળી બનાવી.
વર્ષ 2001માં એક ભેંસ લાવી પશુપાલન શરૂ કર્યું. ત્યારે માત્ર 10 લિટર દૂધ રોજ ડેરી સુધી પહોંચાડવા સુમુલ દ્વારા સેવા અપાતી હતી. વર્ષ 2002માં આઇડીપીપી હેઠળ 67 ભેંસો મેળવી પશુપાલન શરૂ કર્યુ હતું. આજે 105 પરીવારની 63 બહેનો પશુપાલન સાથે સંકળાયને રોજનું 300 લિટર દૂધનું ઉત્પાદન કરે છે. આજે હું 75 હજારની આવક મહિને રળું છું. કપિલાબેનની 3 દિકરીઓ પૈકી બે દિકરીઓ અર્ચના અને એલવીનાએ સુમુલના પ્રોજેક્ટ બચત જુથમાં અન્ય મહિલાઓને હેલ્થ,એજ્યુકેશન જેવી સેવા પુરી પાડે છે.
જાનકી-પરવેઝા પણ મહિલા પશુપાલકો માટે પ્રેરણારૂપ
સુમુલ દ્વારા આયોજીત દૂધ ઘર લોકાપર્ણ કાર્યક્રમમાં ઓલપાડના દિહેણ ગામના જાનકી મહંતે જ્ણાવ્યું હતું કે, 18 વર્ષથી તેઓ તબેલો ચલાવે છે. પ્રથમ વખત 40 હજાર રૂ.ની લોન સુમુલમાંથી લઇને જ્યારે 1 ગાય લાવ્યા હતા. ત્યારે તેમના પતિએ લોન ચૂકવણીની ચિંતામાં એક દિવસ ખાવાનું પણ ન ખાધુ હતું. આજે તેઓ પાસે 18 ભેસ અને 12 ગાય છે. જે થકી તેમને વર્ષે 18 લાખની આવક મળે છે. જ્યારે મહુઆના પરવેઝા બદન ધારે તો વિદેશમાં શેટ થઇ શકે તેમ છે. પરંતુ 75 જાફરાબાદી ભેંસ પાળી મહિને 1 લાખનો નફો રળે છે.
નાના પશુપાલકો અને મહિલાઓને રોજગાર માટે ધિરાણ
સુમુલના એમડી સવજી ચૌધરીના જ્ણાવ્યાનુસાર, સરકાર વાયદાઓ કરે છે પરંતુ સુમુલે ચેરમેન અને નિયામક મંડળે લોક વિકાસ માટે સાબિતી આપી દીધી છે. દૂધ ઉત્પાદક ક્ષેત્રે નાના પશુપાલકો તથા મહિલા રોજગારોનો વિકાસ થાય તે હેતુથી 200 કરોડની વગર વ્યાજની લોન આપવામાં આવી છે. જે પૈકી 40 ટકા ભરપાઇ પણ થઇ ગઇ છે. આ સાથે આવર્ષે સુમુલનું ટર્નઓવર 3600 કરોડને પાર જાય તેવી આશા છે.સુમુલના ચેરમેન રાજુ પાઠકે કહ્યુંકે, અંતરિયાળ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની પણ સુવિધા નથી. ત્યાં રોજનું 300 લિટરથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલાઓ માટે સુમુલે દૂધ ઘર સ્થાપ્યું છે કે જેથી મહિલા રોજગારી વધે. હવે ડેરીને કેન ફ્રી તરફ લઇ જવા તૈયારી ચાલી રહી છે.