પુત્રના અંતિમ સંસ્કાર બાદ 15 વર્ષથી સ્મશાનમાં રહે છે જનેતા, માતાનો દાવો – મારા પુત્રની હત્યા કરવામાં આવી હતી

બાળક સાથે માતાનો સંબંધ જન્મના 9 મહિના પહેલાં જોડાઈ જાય છે, પરંતુ એક માતા એવી છે, જેણે પુત્રના મૃત્યુનાં 15 વર્ષ પછી પણ તેને પોતાનાથી અલગ થવા દીધો નથી. જ્યાં પુત્રના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા એ જ સ્મશાનને માતાએ પોતાનું ઘર બનાવી લીધું છે.

પણ આવું કેમ?
આ સવાલનો જવાબ જાણવા માટે અમારા સહયોગી મીડીયાની ટીમ રાજસ્થાનના સીકરના ધર્માણા મોક્ષધામ પહોંચી હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંતિમસંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. પુરુષોનાં ટોળાં વચ્ચે એક મહિલા દેખાઈ હતી. ક્યારેક તે મહિલા લોકોને પાણી પીવડાવતી હતી તો ક્યારેક અંતિમવિધિ માટે આવેલા લોકોની મદદ માટે લાકડાં એકત્ર કરતી હતી.

જેવી જ ચિતાને મુખાગ્નિ આપતાંની સાથે જ મહિલા ત્યાંથી જતી રહી હતી. અમે મોક્ષધામની કમિટીના લોકોને મહિલા વિશે પૂછ્યું. તેણે કહ્યું- મહિલાનું નામ રાજ કંવર છે. જુઓ તે અહીં ક્યાંક જ હશે, તે સ્મશાનની બહાર તો નથી જતી.

જ્યારે અમે આસપાસ જોયું તો 65 વર્ષની રાજ કંવર સ્મશાનગૃહમાં જ એક છોડમાંથી ફૂલ તોડી રહી હતી. અમે તેની કહાની સાંભળવા અને રેકોર્ડ કરવા માટે કેમેરો બહાર કાઢ્યો હતો. કેમેરાને જોઈને તેને ગુસ્સો આવ્યો. કહ્યું- બસ કરો! કૅમેરો બાજુ પર રાખ્યા પછી, રાજ કંવરે એક થેલીમાંથી કાગળ અને અખબારનાં કટિંગ્સ કાઢીને અમને બતાવ્યાં. મારા પુત્રને આજ સુધી ન્યાય મળ્યો નથી. દુનિયા તેને ભૂલી ગઈ છે, તે પણ મને ભૂલી ગયો છે, પણ હું તેને કેવી રીતે ભૂલી શકું? પછી અમને અંતિમસંસ્કારના સ્થળે લઈ ગઈ અને કહ્યું- મારો પુત્ર અહીં સૂઈ રહ્યો છે… મારો ઈન્દર.

પુત્રનો ચહેરો પણ જોઈ શકી ન હતી
રાજ કંવરે કહ્યું- ‘3 ડિસેમ્બર, 2008ના રોજ 22 વર્ષનો પુત્ર ઈન્દર સિંહ રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. સીકરની એસકે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હું છેલ્લી વાર મારા પુત્રનો ચહેરો પણ જોઈ શકી નહોતી. મૃતદેહને શિવધામ ધર્માણા ખાતે લાવવામાં આવ્યો હતો. તેના સિવાય મારું કોઈ નહોતું અને તેનું પણ મારા સિવાય કોઈ નહોતું. મેં જ તેના અંતિમસંસ્કાર કર્યા હતા.’

લોકો કહેતા- સ્મશાનમાં મહિલાઓનું શું કામ છે?
અંતિમસંસ્કાર બાદ રાજ કંવર પુત્રનાં અસ્થિ વિસર્જન કરવા હરિદ્વાર ગઈ હતી. ત્યાંથી પરત ફર્યા બાદ તે સ્મશાનમાં આવી હતી. 12 દિવસ સુધી કોઈએ કંઈ કહ્યું નહીં, પણ બાદમાં લોકો પૂછવા લાગ્યા કે સ્મશાનમાં મહિલાઓનું શું કામ છે?

રાજ કંવર કહે છે- ‘હું તેમને કેવી રીતે સમજાવું કે માત્ર મારા જીવનની સંપત્તિ જ સ્મશાનમાં છે, હું તેને છોડીને કેવી રીતે દૂર જઈ શકું? મેં લોકોની વાત સાંભળી નહીં, થોડા સમય પછી લોકોએ જ બોલવાનું પણ બંધ કરી દીધું. હવે સ્મશાન જ મારું ઘર છે.

રાજ કંવરની દુનિયા આ રીતે બરબાદ થઈ ગઈ
રાજ કંવર સીકરની રહેવાસી છે. તેમનાં ભાઈ-ભાભી અને અન્ય પરિવારના સભ્યો અહીં જ રાજશ્રી સિનેમા પાસે રહે છે. ધર્માણા ધામના પ્રમુખ કૈલાસ તિવારીએ જણાવ્યું હતું રાજ કંવરના લગ્ન ઝુંઝુનુ જિલ્લાના મંડાવામાં થયા હતા. મુંબઈમાં પતિનું અવસાન થયા બાદ તેણે સાસરીનું ઘર છોડી દીધું હતું. એકમાત્ર પુત્ર સાથે તે તેના પિયરમાં આવી ગઈ હતી. બાદમાં પુત્રને ભણાવ્યો-ગણાવ્યો. સમજદાર થતાં પુત્ર ઈલેક્ટ્રોનિકની દુકાનમાં કામ કરવા લાગ્યો હતો. મા-દીકરા બંનેનું જીવન આનંદથી પસાર થઈ રહ્યું હતું, પરંતુ 3 ડિસેમ્બર 2008ના અકસ્માતે રાજ કંવર પાસેથી તેનું બધું જ છીનવી લીધું હતુ.

માતાનો દાવો – બાઇક પરથી પડી ગયો નહોતો, મારા પુત્રની હત્યા કરવામાં આવી હતી
રાજ કંવરે કહ્યું, ‘મને હોસ્પિટલમાં મારા પુત્રનો ચહેરો જોવાની પણ મંજૂરી આપવામાં આવી નહોતી. લોકો કહે છે કે તે માલિક સાથે સામાન લઈને જઈ રહ્યો હતો ત્યારે તે બાઇક પરથી પડી ગયો હતો, પરંતુ હું જાણું છું કે તે બાઇક પરથી પડી ગયો નહોતો, તેની હત્યા કરવામાં આવી હતી. છેલ્લી વખત મને હોસ્પિટલમાં મારા પુત્રનો ચહેરો જોવાની પણ મંજૂરી આપવામાં આવી નહોતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનામાં સાડાચાર ઈંચ ઊંડો ઘા હોવાનું જણાવાયું હતું. ડૉક્ટરોએ કહ્યું કે તે લગભગ 8 કલાક સુધી જીવ્યો હતો. હવે તો હું અહીં લોકોની સેવા કરીને મારા ઈન્દરને શોધી રહી છું.

ફૂલો તોડીને પૂજા માટે માળા બનાવે છે
સ્મશાનગૃહમાં કામ કરતા અન્ય લોકોએ જણાવ્યું હતું કે તે દરરોજ સ્મશાનગૃહના બગીચામાંથી ફૂલો તોડે છે અને પૂજા માટે માળા બનાવે છે. પૂજા પાઠ કર્યા પછી તે સેવામાં લાગી જાય છે. જ્યારે પણ અંતિમયાત્રા આવે છે ત્યારે તે લોકોને પાણી પીવડાવે છે. લાકડા એકત્રિત કરવામાં મદદ કરે છે. હવે આ રાજ કંવરનું જીવન બની ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો