રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી છેલ્લા બે દિવસથી રાજકોટના પ્રવાસે છે. રૂ.3.40 કરોડના ખર્ચે બનેલા સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16ના નવનિર્માણ પામેલા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓને સંબોધન કરતી વખતે જિતુ વાઘાણીનો હીટવેવમાં પારો છટક્યો હતો અને જણાવ્યું હતું કે, જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે.
છોકરાના સર્ટિફિકેટ લઇ બીજા રાજ્ય કે દેશમાં જતા રહો
જિતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કર્યો, છોકરા અહીં ભણ્યા. હવે બીજે સારૂ લાગતું હોય તો મારી વિનંતી છે પત્રકાર મિત્રોની હાજરીમાં. જેને બીજે સારું લાગતું હોય ને તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો. ત્યાં જઇને ઘર-કુટુંબ ફેરવી નાંખો અહીં તો બધું પતી ગયું છે. અહીંયા તો ભાંગીને ભુક્કો થઈ ગયું છે.
શિક્ષણમંત્રીનો દીકરો પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો: આપ પ્રદેશ સંગઠન મંત્રી
શિક્ષણમંત્રીના આ નિવેદન પર આપના પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલે મીડિયાને જણાવ્યું હતું કે, જે શિક્ષણમંત્રીનો દીકરો પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો હોય તેની પાસેથી આવી જ અપેક્ષા રાખી શકાય. ગુજરાતની જનતાને વિનંતી કરીશ કે આગામી ચૂંટણીમાં ઝાડું બટન દબાવજો અને એકવાર ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપને મોકો આપજો હું ફરીથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને યાદ કરાવી દઉં કે અમારા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આપને ગુજરાતના અને દિલ્હીના શિક્ષણ મોડલ અંગે લાઇવ ડિબેટ કરવા માટેનું આમંત્રણ પાઠવ્યું છે. તમે કહો એ સ્થળ તમે કહો એ સમય અને તમે નક્કી કરો એક દિવસ અમે તૈયાર છીએ અને આપની સાથે ડિબેટમાં દિલ્હીના શિક્ષણમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવી જશે અને ભાષાનો અવરોધ હોય તો અમે ટ્રાન્સલેટરની પણ વ્યવસ્થા કરી દઈશું.
પત્રકારોની હાજરીમાં જિતુ વાઘાણી બોલ્યા
અસહ્ય ગરમીથી જિતુ વાઘાણીના મગજનો પારો ચડ્યો હોય તેમ જિતુ વાઘાણીએ પત્રકારોની હાજરીમાં ચોખ્ખુ સંભળાવી દીધું કે, જેને ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તે જે દેશમાં જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ. શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટિકા જ કરવી છે. અગાઉ નીતિન પટેલે પણ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા પૂરતી ન હોવાની વાત કરી હતી. આજે જિતુ વાઘાણીના આવા સંબોધનથી સ્ટેજ પર બેઠેલા ભાજપના નેતાઓના ચહેરા ઉતરી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાયું હતું.
યુવાનેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડને લઈને મીડિયાએ કરેલા સવાલના જવાબમાં જિતુ વાઘાણીએ કટાક્ષમાં કહ્યું હતું કે, કોણ યુવરાજસિંહ? કાયદો બધા નાગરિક માટે લાગુ પડે છે, કોઈ પણ ખોટું કરે તેને પકડીને સજા આપવા રાજ્ય સરકાર તૈયાર છે. પરંતુ મને ઇચ્છા થાય કે પેપર ફૂટી ગયું અને ફોડી નાખું એવી રીતે સરકાર ન ચાલે. પહેલા તો બાવડું પકડીને નોકરી અપાવી દેવાની પદ્ધતિ હતી. સગા-વ્હાલાના આજે પણ રજિસ્ટરમાં નામ નીકળશે.
13 ફેબ્રુઆરી 2021ના રોજ ભાવનગરમાં સભામાં સંબોધન વખતે જીતુ વાઘાણીએ સી.આર. પાટીલની જગ્યાએ આર.સી.ફળદુને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા હતા. આ સમયે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. તેવામાં જીભ લપસવાની મોસમે પણ જોર પકડ્યું હતું. કાર્યક્રમમાં શરૂઆત જિતુ વાઘાણીથી થઈ હતી. પાટીલની ઉપસ્થિતિમાં જ જિતુ વાઘાણીએ આર.સી. ફળદુને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કહેતા સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા હતા. જેમાં ખુદ સી.આર. પાટીલના ચહેરાનો ભાવ પણ બદલાઇ ગયો હતો.
જિતુ વાઘાણીના નિવેદન બાદ આપ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, સન્માનીય શિક્ષણ મંત્રી જીતુ ભાઈ વાઘાણીનો શિક્ષણ વ્યવસ્થાને લઈને વિવાદિત વીડિઓ સાંભળ્યો, ખુબજ દુઃખ થાય એવું એમનું નિવેદન છે, જીતુભાઇએ નર્સરીથી માંડીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની મજાક કરી એમનું અપમાન કર્યું છે. તેઓ ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ કે જેઓ ખાનગી શાળામાં બાળકોને ભણાવી નથી શકતા તેમને આજ વ્યવસ્થામાં ભણવું હોય તો ભણો નહી તો ગુજરાત છોડી દો આવું અપમાન ભર્યું નિવેદન કર્યું છે, એટલે તેઓએ પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓની માફી મંગાવી જોઈએ. અમે વિદ્યાર્થીઓ અને વાલીઓનું અપમાન કરતા જીતુભાઈના આ નિવેદનને વખોડીયે છીએ. શિક્ષણમંત્રી વિદ્યાર્થીઓ અને વાલીઓની માફી માંગે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..