રાજ્યમાં કેરી સહિતના ફળો પકવવા ઉપયોગમાં લેવાતા હાનિકારક કેમિકલ સામે કાર્યવાહી કરવા ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને ટકોર કરી કે, તેઓ હાઇકોર્ટના આદેશ સિવાય પણ કામ કરે. તેમણે અત્યાર સુધીમાં કેટલા ફળોનો નાશ કર્યો તે જાણવામાં રસ નથી પણ આવા કેમિકલનાં ઉપયોગ પર રોક લગાવવા માટે શું કર્યું તે સ્પષ્ટ કરે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી 3 મે પર મુલતવી રાખી છે.
સુઓમોટો રિટમાં રાજ્ય સરકારે એફિડેવિટ સાથે રજૂઆત કરી હતી કે, અત્યાર સુધીમાં કેરી સહિત 1065 કિલો ફળોનો નાશ કરાયો હતો. તેમજ અન્ય વિસ્તારોમાં ફળોને હાનિકારક કેમિકલથી પકવનાર સામે પગલાં લેવાયા છે.સુઓમોટો રિટમાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે, કોર્ટ દરેક બાબતમાં મોનિટરિંગ કરે તે યોગ્ય નથી.
હાઇકોર્ટે નોંધ લીધી હતી કે, કામગીરી માટે આપની પાસે કર્મચારીઓ ઓછા હોઇ શકે છે પરંતુ જેટલા કર્મચારી છે તેનાથી આ કામગીરી યોગ્ય રીતે થવી જોઇએ. ફળો પકવવા હાનિકારક કેમિકલનો ઉપયોગ બંધ થવો જોઈએ.
-
- વેપારી કેમિકલથી ફળ પકવતાં પકડાય તો દુકાન-ગોડાઉન સીલ થશે
ઈથિલિનની છૂટ પણ ગાઈડલાઈનનું પાલન થતું નથી
કેરી પકવવા કાર્બાઈડ પર પ્રતિબંધ બાદ ઈથિલિનના ઉપયોગની શરતી છૂટ છે. તેની ચોક્કસ ગાઈડલાઈન્સનું પાલન કરીને કેરી પકવવા ઈથિલિનનો ઉપયોગ કરી શકાય. તેનું પાલન થતું નથી. મ્યુનિ.હેલ્થ વિભાગે ફ્રૂટના વેપારીઓ સાથે આ અંગે મિટિંગ કરી હતી અને તમામને ગાઈડલાઈન્સની માહિતી પત્રિકા આપી હતી તેનું પાલન કરવા આદેશ કર્યો હતો.
આ રીતે ભંગ થાય છે.
અમદાવાદમાં મહદઅંશે કેરી બહારથી આવે છે. વેપારીઓ ટ્રકમાં માલ ભરાય ત્યારે જ તેની સાથે ઈથિલિનની પડીકી મૂકી દે છે અને ત્રણ દિવસ સુધી બહાર કાઢતા નથી. પ્લાસ્ટિકના કોઈ બોકસમાં પણ તે મૂકાતી નથી.
આટલું કરવું પડે
કેરીના એર ટાઈટ બોક્સની અંદર ઈથિલિનની પડીકી મૂકવી
બોકસમાં પડીકી મૂકતા પહેલા 5થી 10 સેકન્ડ પાણીમાં રાખવી.
બોકસમાં મૂકેલી એક પડીકી 24 કલાકમાં જ બહાર કાઢી લેવી
ફ્રૂટને ટચ કરે તે રીતે પડીકી ન મૂકવી. પ્લાસ્ટિકની ડબ્બીમાં પેકેટમાં બોક્સમાં રાખવી.