હરિયાણામાં આજે પણ ઐતિહાસિક વોટર ફ્લોર મિલ (પન-ચક્કી, અનાજ દળવાની ઘંટી, જેમાં પાણીનો ઉપયોગ થાય છે) છે, જે હજી પણ ઘઉં અને ચણા વગેરે જેવા અનાજ દળવામાં સક્ષમ છે. લોકો દૂર દૂરથી અહીં ઘઉં દળાવવા આવે છે. તેને પાણીથી ચાલતી ચક્કી ‘પન-ચક્કી’ પણ કહી શકો. આજે પણ કેથલ જિલ્લાના ગામ ફતેહપુર-પુંડરીમાં આ પન-ચક્કી છે અને એ જ ગતિથી અનાજ દળી રહી છે. 1890માં અંગ્રેજોએ તે બનાવી હતી. ખાસ વાત એ છે કે, આ પન-ચક્કીનો લોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.
આ રીતે કામ કરે છે પન-ચક્કી
દેશભરમાં હવે કેટલીક જ પન-ચક્કી બચી છે, જેમાંથી આ એક છે. તેને જોવા લોકો દૂર દૂરથી આવે છે. વર્ષમાં લગભગ છ મહિના જ્યારે નહેરમાં પાણી આવે છે, ત્યારે ફતેહપુર જ નહિ, દૂર દૂરથી લોકો ઘઉં દળાવવા અહીં પહોંચે છે. આ પન-ચક્કી ફતેહપુર સ્થિત નૈના-ધૌસ રોડ પર સિરસા બ્રાન્ચ નહેર પર બનેલી છે. નહેરનું પાણી લોખંડની મોટી મોટી પાંખો ઉપર નાખવામાં આવે છે, જેનાથી તે ફરે છે અને ચક્કી ચાલે છે.
સિંચાઈ વિભાગ કોન્ટ્રાક્ટ પર આપે છે
એક કોન્ટ્રાક્ટર રામકુમારના જણાવ્યા મુજબ, આ ઘંટી સિંચાઈ વિભાગને આધીન છે. તે વાર્ષિક કોન્ટ્રાક્ટ પર મળે છે, જે પણ વ્યક્તિ ઘઉં દળાવવા આવે છે, તે પોતે જ ચક્કીમાં નાખે છે અને પોતાનો લોટ પોતે જ ઉઠાવે છે. વિભાગ 528 રૂપિયા પ્રતિદિન હિસાબે ભાડે આપે છે.
આ લોટ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે
વીજ સંચાલિત ઘંટીમાં ગરમ થવાને લીધે લોટમાં રહેલાં પોષક તત્ત્વ નાશ પામે છે, પરંતુ આ વોટરમિલનો લોટ ઠંડો હોવાને કારણે લાંબા સમય સુધી પોષક રહે છે. આ સાથે જ દળવાનો ખર્ચ પણ બજાર કરતાં સસ્તો પડે છે.
વીજળીની વ્યવસ્થા નથી
1890માં બનેલી આ ઘંટીમાં વીજળીની કોઈ જ વ્યવસ્થા નથી. આ કારણે રાતમાં અહીં કામ કરવામાં કોઈ મુશ્કેલી થતી નથી. જ્યારે નહેર ચાલુ હોય તે દિવસોમાં અહીં રાત-દિવસ ઘઉં દળવાનું કામ થાય છે. સિંચાઈ વિભાગના એસઈ આરએસ મિત્તલ જણાવે છે કે, સમગ્ર હરિયાણામાં આ એક માત્ર પન-ચક્કી છે. પંજાબના સૂલરગ્રાટમાં આવી એક પન-ચક્કી છે. અહીં તો પેકિંગ કરી લોટ વેચવામાં આવે છે. દર 32 દિવસમાં આઠ દિવસ જ તે ચાલે છે..