ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વ્યાજ ખોરોનો ત્રાસ વધ્યો છે. નડિયાદમાં 35 વર્ષીય યુવકે દેવુ વધી જતાં વ્યાજના ખપ્પરમાં જતાં યુવકે આપઘાત કરી દીધો છે. મૃતકે આ પહેલા સ્યુસાઇડ નોટ લખતાં મામલો સામે આવ્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદ મિશન રોડ પર આવેલા નવરંગ ટાઉનશીપમાં રહેતા 35 વર્ષીય કલ્પેશ જયંતિ મકવાણા નામના યુવકે આજે સવારે પોતાના ઘરમાં પંખા સાથે લટકી જઈ જિંદગી ટૂંકાવી લીધી છે. આ અંગે તેની બહેન રેખાબેને નડિયાદ પશ્ચિમ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લઇ પીએમ માટે મોકલ્યો છે. મૃતક કલ્પેશભાઈનું દેવું વધી જતાં તેણે આ પગલું ભર્યું હોવાનું રેખાબેન એ પોલીસમાં જણાવ્યું છે.
પોલીસે મૃતકના ઘરેથી સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી. જેમાં મૃતક કલ્પેશ ચોક્કસ વ્યક્તિઓને ટાર્ગેટ કરી જણાવ્યું હતું કે, ત્રણ દિવસનું 10 હજારનું 3 હજાર વ્યાજ લે છે. આ તમામની પથારી ફેરવશો અને જેલમાંથી પણ આ લોકો કદી છુટવા જોઈએ નહી અને જો છુટશે તો હું કલ્પેશ મર્યા પછી પણ સજા આપીશ. આ ચાર કોપી પેસ્ટ કરી છે અને દિલ્હી સુધી, બધા જેલમાં જોઈએ આ જીવન ન્યાય જોઈએ, હૂં પાછો આવીશ. -લી. કલ્પેશ
નડિયાદ પશ્ચિમ પોલીસે આ અંગે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. પોલીસે આ સ્યુસાઇડ નોટ કબ્જે કરી આ બાબતે કાર્યવાહી કરી છે.પોલીસસૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન પોતે ડિવોર્સી હતો અને તે કોઈ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. સાથે સાથે ત્રણ બહેનો વચ્ચે એકનો એક લાડકવાયો ભાઈ હતો.
10 હજાર રૂપિયાનું ત્રણ દિવસનું 3 હજાર વ્યાજ વસુલતા હોવાથી કલ્પેશ કંટાળી ગયો હતો
મૃતક કલ્પેશે તેની સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છેકે આરોપી ઓ તેની સાથે તગડું વ્યાજ વસુલ કરતા હતા. રૂ.10 હાજર નું ત્રણ દિવસ નું રૂ.3 હજાર વ્યાજ વસૂલ કરતા હતા. પરંતુ આટલી બધી રકમ લાવવી ક્યાંથી તે કલ્પેશ માટે પ્રશ્ન હતો. જેથી હારી થાકી ગયેલા કલ્પેશે સુસાઇડ નો માર્ગ અપનાવ્યો.
મૃતકના મામી ચંદ્રિકાબેન નડિયાદ તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિનાં ચેરમેન
નડિયાદ તાલુકા પંચાયતમાં ચંદ્રિકાબેન મહેશભાઇ પરમાર ન્યાય સમિતિના ચેરમેન છે. જેઓ સંબંધમાં મૃતક કલ્પેશના મામી થતા હોઈ તેના આત્મહત્યાના સમાચાર મળતા જ તેઓ નવરંગ ટાઉનસીપ ખાતે તેના ઘરે પહોંચી ગયા હતા. મૃત હાલતમાં ભાણાને જોઈને તેઓએ વ્યાજખોરો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
સ્યુસાઈડનોટમાં વ્યાજખોર તરીકે ચાર જણનો ઉલ્લેખ 1. આશિષ પરમાર
નિલેશ ઉર્ફે એલ.એક્સનો ભાણિયો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મળતી વિગતો મુજબ આશિષ મિશન રોડ પર એક લસ્સીની દુકાન પર બેસે છે, અને ત્યાથી જ આ વ્યાજનો કારોબાર ચલાવે છે.
2. ડિગો ઉર્ફે સચિન મકવાણા
ડીગો ઉર્ફે સચીન મકવાણા પણ આશિષ સાથે જ લસ્સીની દુકાન પર બેસે છે, જે બંને સાથે મળી વ્યાજનો વ્યવસાય કરે છે. આ બંને 5થી 10 ટકાના વ્યાજે રૂપિયા ફેરવતા હોવાની પણ લોકોમાં ચર્ચા છે.
3. અપુ તલાટી
સ્થાનિક રાજકીય નેતાઓની આગળ પાછળ ફરતો અપુ વ્યાજખોરીના ધંધામાં સક્રીય થયો છે. મિશન રોડ પર જરૂરિયાતમંદ લોકોને ફોસલાવીને મદદ કરવાના બહાને રૂપિયા આપવાના અને બાદમાં તગડું વ્યાજ વસુલ કરતો હોવાની પણ લોકચર્ચા છે.
4. જયદીપ ગોહેલ
ઉપરના ત્રણેય મિત્રો સાથે મળી વ્યાજે રૂપિયા ફેરવે છે.
પરિવારમાં હવે 3 બહેનો માતા એકલા
11 વર્ષ અગાઉ કલ્પેશ ના પિતાનું અવસાન થયું હતું. જે બાદ તેના લગ્ન તો થયા પણ વ્યવહારિક જીવન પણ લાંબુ ના ટક્યું અને પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા. બસ ત્યારથી તે પોતાની ત્રણ બહેનો અને માતા માટે જીવતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..