પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું અમદાવાદ ખાતે ગઇકાલે લાંબી બિમારી બાદ નિધન થયું છે. જેમની આજે જામકંડોરણામાં અંતિમવિધિ કરવામાં આવશે. તેમના પાર્થિવદેહને 7થી 12 વાગ્યા સુધી જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના કદાવર સહકારી નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનું ગઇકાલે 61 વર્ષની વયે નિધન થયું હતું. જ્યારે આજે બપોરના દોઢ વાગે વિઠ્ઠલ રાદડિયાની અંતિમયાત્રા નીકળશે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના કેબિનેટમંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના ટોચના આગેવાનો જોડાશે.
વિઠ્ઠલભાઈ રાદડિયાની ઓકટોબર 2017માં ફરી તબીયત બગડી હતી. અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ બોપલ વિસ્તારમાં ગજેરા પરિવારના બંગલામાં તેઓ તબીબી દેખરેખ હેઠળ હતા. તેમને હલન-ચલન અને વ્યકિતને ઓળખવામાં તકલીફ પડતી હતી. નાના મગજથી શરૃ થયેલી બિમારી હૃદય અને શરીરના અન્ય ભાગો સુધી સ્પર્શી ગયેલ. તેમના વજનમાં પણ ખાસ્સો ઘટાડો થઈ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસથી તબીયત નરમ થતી જતી હતી. ગઈકાલે 10.30 વાગ્યા આસપાસ હૃદયના ધબકારા એકદમ ઘટી ગયેલ અને સ્વજનોની હાજરીમા તેમણે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા.
તેમના દેહવિલય વખતે તેમના ધર્મપત્નિ ચેતનાબેન રાદડિયા, સુપુત્ર કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, અન્ય પુત્રો લલિતભાઈ અને કાનાભાઈ, ડિસ્ટ્રીકટ બેન્કના ડીરેકટર અરવિંદ તાળા સહિતના સંબંધીઓ-સગાઓ ઉપસ્થિત હતા. સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં દાયકાઓથી વિઠ્ઠલભાઈનું નામ ગુંજતુ હતું. તેઓ 5 વખત ધારાસભ્ય તરીકે તેમજ 3 વખત સંસદ સભ્ય તરીકે ચુંટાયા હતા. વર્ષોથી રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન તરીકે સેવા આપેલ. લડાયક ખેડૂત નેતા તરીકે નામના ધરાવતા હતા. તેમના નિધનથી સૌરાષ્ટ્રના જાહેર જીવનને મોટી ખોટ પડી છે.
પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..