વેપારીએ રસ્તામાંથી મળેલી રૂ.1 લાખ ભરેલી થેલી ખેડૂતને પરત કરી પ્રામાણિકતા દર્શાવી

વાવ તાલુકાના ખરડોલ ગામના એક વેપારીને રસ્તામાં થેલી મળી હતી. જેમાં રૂ. 1 લાખ રોકડા અને બેંક પાસબુક સહિતના અગત્યના કાગળો હતા. જેના ઉપરથી તપાસ કરતાં ખરડોલ ગામના એક વ્યક્તિનું હોવાનું માલૂમ પડતાં તેઓએ મિત્રને ફોન કરી મૂળ માલિકની ભાળ મેળવી રૂ. 1 લાખ રોકડા સહિતના કાગળ પરત કર્યા હતા.

ખરડોલ ગામના વતની અને વાવમાં જયવીર ઓફસેટ ચલાવતા રામેશ્વરભાઈ ખરડોલા દુકાનેથી શનિવારે સાંજે ઘરે બાઈક પર પરત ફરતા માડકા ગામના પાટિયા નજીક પુલ ઉપર જઈ રહ્યા હતા. ત્યારે અચાનક રોડની સાઈડમાં થેલી પડેલી તેની ઉપર નજર પડતા બાઈક રોડની સાઈડમાં ઉભું રાખી થેલી ખોલીને અંદર ચેક કરતાં થેલીમાંથી એક લાખ રૂપિયા રોકડ અને બેંકની પાસબુક અને અન્ય અગત્યના કાગળો મળ્યા હતા.

પાસબુકમાં નામ ચેક કરતા પાસબુક વાલાભાઈ પટેલ ખડોલવાળાની હોઇ તેઓએ તેમના સાથી મિત્ર સુરેશભાઈને જાણ કરતા તેઓએ વાલાભાઈ ખેડૂતને ફોન કરી રામેશ્વરભાઈનો કોન્ટેક કરવા કહેતા ખેડૂત વાલાભાઈએ રામેશ્વરભાઈને ફોન પર હકીકત કહી કે ‘મારી થેલી બાઈક ઉપરથી પડી ગયેલ છે અને થેલીમાં જરૂરી કાગળો અને એક લાખ રૂપિયા છે. તેવું કહેતા રામેશ્વર ભાઈએ થેલીમાંથી મળેલ જરૂરી કાગળો અને રોકડ રકમ એક લાખ રૂપિયા પરત કરતા ત્યારે વાલાભાઈ પટેલએ રામેશ્વરભાઈનો આભાર માન્યો હતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો