વસઈના પરિવારને વિદેશ જવાની લાલસા ભારે પડી, 3 મહિના સુધી અલગ-અલગ સ્થળોએ ગોંધી રખાયા, રુ.1.57 કરોડની ખંડણી પડાવી

વિદેશ જવાની ઘેલછામાં ગાંડાઘેલા બની ગમે તેનો ભરોસો કરતા લોકો માટે લાલબત્તીરુપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પરિવારના પાસપોર્ટ ન હોવાછતાં કેનેડા જવાની લ્હાયમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઇ ગામના પટેલ પરિવારને ચીટરોની ટોળકીએ કબુતરબાજીની આડમાં બંધક બનાવી રુ.1.57 કરોડ ખંખેરી લીધાનો ચોંકાવનારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યા બાદ મહેસાણાના વસઇ ગામે પરત ફરેલા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ચાર શખસો તથા તપાસમાં ખુલે તે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિજાપુર તાલુકાના વસઇ ગામના મિતેશકુમાર રણછોડભાઇ પટેલ(ઉ.વ.39) નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે કમલ સીંધાનીયા, સુશીલ રોય, વસઇના અમરત કાન્તીલાલ પટેલ, રમેશ સોમા પટેલ તથા તપાસમાં ખુલે તેના નામો આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી હાલમાં અમદાવાદના નાના ચીલોડા ખાતે ગ્લોબલ લાઇફ સ્ટાઇલ ફલેટ નં.એ-504માં રહે છે અને બે વર્ષથી સાણંદ ખાતે હિમતસિંહ ડોડીયાની ઓફિસમાં નોકરી કરે છે. ફરિયાદીએ સપ્ટેમ્બર 2021માં વિરમગામ ખાતે રુ.4.50 લાખ લેખે 1 વીધાના ભાવે 110 વીધા જમીન ખેડૂતો પાસેથી વેચાણથી રાખી હતી અને કોટેશ્વર ગામના ધર્મેશ પટેલને એક વીઘાના રુ.5.50 લાખ લેખે વેચાણથી આપી હતી જેના બાના પેટે રુ.35 લાખ ધર્મેશ પટેલે આપ્યા હતા અને ફરિયાદીએ આ બાનાની રકમ ખેડૂતોને ચુકવી દીધી હતી. પરંતુ ત્યારબાદ ધર્મેશ પટેલે બાકીનું પેમેન્ટ નહી આપતા ખેડૂતોએ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. જ્યારે ધર્મેશ પટેલે આ જમીન મુંબઇની પાર્ટીને વકીલ યોગેશ વ્યાસ મારફત વેચી હોય તે જમીનનો દસ્તાવેજ થયેલ ન હોવાથી ધર્મેશ પટેલે વકીલ યોગેશ વ્યાસનું અપહરણ કર્યું હતું જે કેસમાં ફરિયાદીનું નામ આવતા તેણે આ કેસમાં જામીન આપ્યા હતા. ત્યારબાદ પણ ધર્મેશ પટેલની ઉઘરાણી ચાલુ રહેતા ફરિયાદીએ વિદેશ જવાનું નક્કિ કર્યું હતું. પરંતુ પાસપોર્ટ ન હોવાથી તે શક્ય બનતુ ન હતું.

ત્યારબાદ ફરિયાદીને આરોપી અમરત કાન્તીલાલ પટેલે વિદેશ જવા માટે રમેશ સોમા પટેલનો પરિચય કરાવ્યો હતો અને રમેશ પટેલે સુશીલ રોય સાથે મુલાકાત કરાવી હતી. સુશીલ રોયે પાસપોર્ટ ન હોય તો પણ કેનેડા મોકલી આપવાની ખાતરી આપી ફરિયાદીના પરિવારના ચાર સભ્યોના રુ.1.10 કરોડ નક્કી કર્યા હતા અને ફરિયાદી, તેના પત્ની અને બે સંતાનોના પાસપોર્ટ બનાવી ચારેયને કાયદેસરના વિઝા મેળવી કેનેડા મોકલવાની ખાતરી આપી હતી. જેની ફરિયાદીએ હા પાડયા બાદ તા.12/11/2021ના રોજ સવારે આરોપીઓેએ તેને કેનેડાની ફલાઇટ છે તેમ કહી રાત સુધીમાં મુંબઇ પહોંચવાનું કહ્યું હતું. ફરિયાદી અને તેનો પરિવાર મુંબઇ પહોંચ્યા બાદ આરોપી રમેશ પટેલે રાત્રે મુંબઇ રોકાઇ જજો આવતીકાલની ફલાઇટ છે, તમને રીસીવ કરવા સુશીલ રોય આવશે તેવી ાવત કરેલી હતી. બીજા દિવસે સુશીલ રોયે આવી અમુક કાગળો બાકી છે તેમ કહી વધુ બે દિવસનો સમય માગ્યો હતો. ત્યારબાદ ફરિયાદીના પરિવારને કોલકત્તાથી કેનેડાની ફલાઇટ છે તેમ કહી આરોપીઓ કોલકત્તા લઇ ગયા હતા અને ત્યાં આરોપી કમલ સીંધાનીયાનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ એરપોર્ટ ઓફિસર પાસે તાલીમનું કહી આખા પરિવારને તા.28/11/2021ના રોજ એક બંગલામાં લઇ જઇ ત્યા ફરિયાદી અને તેની જેમ જ આવેલા મીત પટેલ નામના અમદાવાદના યુવાનને માર મારી પિસ્તોલ બતાવી તેમના પત્નીઓ અને પુત્રીઓએ પહેરેલા  રુ.૩ લાખના દાગીનાઓ પડાવી લીધા હતા.

ત્યારબાદ ફરિયાદીને ધાકધમકી આપી અમે કેનેડા પહોંચી ગયા છીએ તેવો ફોન કરાવી રુ.59 લાખ સુશીલ રોયને આપી દેવા ફોન કરાવ્યો હતો. આથી ફરિયાદીનો પિતરાઇ ભાઇ મહેશ પટેલ રુ.59 લાખ સુશીલ રોયને આપી આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીની દિકરી વર્ણિકા (ઉ.વ.50)ને અલગ રુમમાં રાખી ધમકી આપી વધુ રુ.૨૫ લાખ ફરિયાદી પાસેથી મંગાવડાવી પડાવ્યા હતા.

ત્યારબાદ ફરિયાદી પાસે રુ.70 લાખ કેનેડાથી અમેરિકા મોકલવાના બહાને મંગાવ્યા હતા જે રકમ ફરિયાદીના પિતરાઇ ભાઇ કટકે-કટકે રુ.65 લાખ મોકલ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને રુ.50 હજાર આપી તેના પરિવાર સાથે દિલ્હીની ફલાઇટમાં બેસાડી દીધા હતા અને ત્યાંથી એરપોર્ટ અધિકારી કેનેડા જવાની સગવડ કરી આપશે તેમ કહ્યા બાદ કેનેડાની ફલાઇટ હવે 14/02/2022ની હોવાનુ કહેતા ફરિયાદીએ વતન પરત આવી રુ.1,57,30,000 પડાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓએ શ્યોરીટી પેટે મકાન અને દુકાન નોટરી પાસે લખાવી
આરોપીઓએ સ્યોરીટી પેટે ફરિયાદીના ફોઇના દિકરા મહેશ પટેલ પાસે મકાન અને દુકાનનું રમેશ સોમા પટેલના નામે નોટરી પાસે લખાણ કરાવી લીધુ હતું.

ફરિયાદી સાથે કોલકત્તામાં આરોપીઓનો શિકાર બનેલા અન્ય લોકોની યાદી

મિત શૈલેષભાઇ પટેલ (રે.શીવ રેસીડેન્સી, નરોડા)
તેજસ પ્રવિણભાઇ તથા તેમના પત્ની નીશાબેન (રે.ખરણા)
રશ્મિ પટેલ(રે.કાસવા)
હિરલ પટેલ (રે.ધુમાસણ)
હથિયારધારીઓ વોચ રાખતા હતા

ફરિયાદી કે તેના પરિવારજનો કે તેના જેવા બીજા પરિવારો હોટલમાં પુરાયા બાદ બહાર ન નિકળે તે માટે આરોપીઓના હથિયારધારી ગુંડાઓ સતત વોચ રાખતા હતા અને ખડેપગે હોટલના રુમમાં બહાર જ રહેતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો