આવતીકાલે લોકશાહીનું મહાપર્વ છે. ભારતના નાગરિક તરીકે વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનું સંચાલન કોના હાથમાં આપવું એનો નિર્ણય કરવાનો અતિ મહત્વનો દિવસ છે. મતદાન કરવું એ માત્ર આપણો અધિકાર જ નહિ, પવિત્ર ફરજ પણ છે.
લોકશાહીને જીવંત રાખવા અને મજબુત કરવા માટે તમારા એક મતનું પણ અનેરું મૂલ્ય છે. ‘મારા એક મતથી શું ફેર પડવાનો છે ?’ એવુ વિચારતા મતદારો અને ‘તમારો એક મત મને નહિ મળે તો શું ફેર પડવાનો છે ?’ આવી બડાઇ મારતા ઉમેદવારો માટે કેટલાક કિસ્સાઓ શેર કરુ છું જેનાથી મતદાનનું સાચુ મહત્વ સમજાશે.
2008ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે શ્રી સી.પી.જોશી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં સી.પી.જોશીને 62215 મત મળ્યા હતા જ્યારે એના હરિફ ઉમેદવાર શ્રી કલ્યાણસિંહ ચૌહાણને 62216 મત મળ્યા હતા. માત્ર એક મત માટે શ્રી સી.પી. જોશી ચૂંટણી હારી ગયા. વધુ આશ્વર્યની વાત તો એ હતી કે આ ચૂંટણીમાં શ્રી જોશીના માતા અને પત્નિ મતદાન કરવા નહોતા ગયા.
2004ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે શ્રી એ.આર.કૃષ્ણમૂર્તિને 40751 મત મળ્યા હતા જ્યારે તેના હરિફ શ્રી ધૃવનારાયણને 40752 મત મળ્યા હતા. માત્ર એક મતથી શ્રી એ.આર.કૃષ્ણમૂર્તિનું ધારાસભ્ય બનવાનું સપનું રોળાઇ ગયુ. આ ચૂંટણી વખતે શ્રી કૃષ્ણમૂર્તિના ડ્રાઇવરે મતદાન કરવા જવાદેવાની મંજૂરી માંગેલી પણ એક મતથી શું ફેર પડે એમ માનીને શ્રી કૃષ્ણમૂર્તિએ ડ્રાઇવરને મતદાન કરવા જવાની મંજૂરી ના આપી અને એનું પરિણામ ભોગવવુ પડ્યુ.
1999માં જ્યારે શ્રી અટલ બિહારી વાજપાયી એ વિશ્વાસનો મત જીતવાનો હતો ત્યારે એક સંસદસભ્યએ વાજપાયી ના પક્ષમાં મતદાન કરવાનું વચન આપેલું પરંતું એમ ન થતા વાજપાયાજી વિશ્વાસનો મત ના જીતી શક્યા. માત્ર એક મતના લીધે વડાપ્રધાન પદ ગુમાવવાનો વારો આવ્યો હતો.
2015માં મોહાલી મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે કૂલવિંદર કૌર માત્ર એક મતથી એના હરિફ નિર્મલ કૌર સામે ચૂંટણી હારી ગયા હતા.
2017માં મુંબઇ મહાનગરપાલીકાની ચૂંટણી વખતે સુરેન્દ્ર બાગલકર એક મતથી જીતી ગયા હતા. તેના હરિફ શ્રી અતુલ શાહે ફેરમતગણતરી કરતા બંનેને 5946 મત મળ્યા હતા. બંનેને સરખા મત મળતા ચીઠી ઉપાડીને ઉમેદવારની જીત નક્કી કરવાની હતી જેમાં અતુલ શાહ જીતી ગયા હતા. માત્ર એક મતના કારણે સુરેન્દ્ર બાગલકરની જીત હારમાં બદલાઇ ગઇ હતી.
આ તો થોડા ઉદાહરણ આપની સાથે શેર કર્યા. દુનિયાભરમાં આવી અગણીત ઘટનાઓ છે જ્યાં એક મતે આખી રમત બદલી નાંખી હોય. 1961ની સાલમાં ઝાંઝીબારમાં એફ્રો સિરાઝી પક્ષના એક ઉમેદવાર માત્ર એક મતથી જીતેલા અને એ ઉમેદવાર જીત્યા એટલે પક્ષની 10 બેઠક થઇ ગઇ, હરીફ પક્ષને 9 બેઠક મળી હતી આમ એક જ મતથી ચૂંટણી જીત્યા એટલું જ નહિ એ એક મતના લીધે એફ્રો સીરાઝી પક્ષની સરકાર પણ બની ગઇ. અમેરીકાના 17માં રાષ્ટ્રપ્રમુખ શ્રી એન્ડ્ર્યુ જોન્સન માત્ર એક મતથી બચી ગયા હતા અને શ્રી રુથરફોર્ડ હેયસ માત્ર એક મતથી અમેરીકાના 19માં રાષ્ટ્રપ્રમુખ બની ગયા હતા.
મિત્રો, આ વાત આપના ગ્રુપમાં, મિત્રવર્તુળમાં, પરિવારમાં બધે જ પહોંચાડો જેથી લોકોને સમજાય કે તમારા એક મતનું શું મૂલ્ય છે ? મતદાન કરીએ અને કરાવીએ, લોકશાહીને વધુ મજબૂત બનાવીએ.
લોકોની વાતો સાંભળીને નહિ પણ તમારા અંતરાત્માના અવાજને અનુસરીને મતદાન કરજો.
મતદાન, મહાદાન.
– શૈલેશભાઇ સગપરીયા