કપરાડા તાલુકાના ચાવશાળા ગામે રહેતી પરિણીત મહિલાએ વાપીના ભડકમોરા ગામના વિધર્મી યુવાન સાથેના આડાસંબંધમાં આડખીલીરૂપ બનેલા પતિને, પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમિકાના પતિનું કાસળ કાઢ્યા બાદ પોતાના સગીર વયના પિતરાઇ સાથે વતન યુ.પી. ભાગી છૂટેલા આરોપીને LCB પોલીસે મધ્ય પ્રદેશ પાસે જ ઝડપી પાડ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કપરાડાના અંતરિયાળ ચાવશાળા ગામના ધાયિતપાડા ફળિયામાં આવેલા એક ખેતરમાં ગત 24 નવેમ્બરના રોજ એક પુરૂષની લાશ પડી હોવાની જાણ થતાં કપરાડા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં લાશ એજ ફળિયામાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા શંકર કાશીરામ ચૌધરીની હોવાનું બહાર આવ્યુ હતું.
પોલીસે સ્થળ પર હાજર મૃતકની પત્ની સંગીતા ચૌધરી તથા મૃતકનો મોટો ભાઇ મગન કાશીરામ ચૌધરી તથા ગ્રામજનોની પૂછપરછ કરતા, મૃતકની પત્ની સંગીતાને વાપીના ભડકમોરા ખાતે રહેતા અશ્ફાક ઉર્ફે સાહિલ મુમતાઝ શાહ સાથે આડા સંબંધો હોવાનું જાણવા મળ્યું હતું. આ કારણે સંગીતાએ તેના પ્રેમી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સાથે મળીને શંકર ચૌધરીની હત્યા કરી હોવાની હકીકત બહાર આવી હતી.
પોલીસે સંગીતાને પકડીને પૂછપરછ કરતા, ભાંગી પડેલી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તે વાપી ખાતે છૂટક મજુરીકામ માટે જતી હતી. આજથી બે-ત્રણ વર્ષ પહેલા તેણીની ઓળખ વાપી ભડકમોરા ખાતે પંચરની દુકાન ધરાવતા અશ્ફાક શાહ સાથે થયાં બાદ બંને વચ્ચે આડાસંબંધો બંધાયા હતાં. જેની જાણ તેના પતિને થતાં, બંને વચ્ચે તકરાર થતી હતી. જેથી સંગીતાએ તેના પ્રેમી સાથેના આડાસંબંધમાં આડખીલીરૂપ બનેલા પતિનો કાંટો કાઢી નાંખવા પ્રેમી અશ્ફાક સાથે ઘડેલી યોજના મુજબ ગત 23 નવેમ્બરના રોજ સંગીતાએ પ્રેમી અશ્ફાક અને તેના સાગરિતને ઘરમાં બોલાવીને બેસાડી રાખ્યા હતાં.
રાત્રે ઉંઘી ગયેલા શંકરભાઇને આરોપી અશ્ફાકએ હથોડાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં સંગીતાએ પણ મદદગારી કરી હતી. તે પછી લાશને ઘરથી થોડે દૂર ખેતરમાં મૂકી આવ્યા બાદ અશ્ફાક અને તેનો સગીર વયનો સાગરિત કપડાં બદલીને ભાગી છૂટયા હતાં.
કપરાડા પોલીસે મૃતકના મોટાભાઇ મગન ચૌધરીની ફરિયાદને આધારે ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે પોતાના મૂળ ઉત્તર પ્રદેશના કુસ્તીનગર ખાતે જવા નીકળી ગયેલા આરોપી અશ્ફાક અને તેના પિતરાઇને મધ્ય પ્રદેશ પાસેથી ઝડપી પાડયા હતા. આરોપીને કપરાડા ખાતે લઇ આવ્યા બાદ પ્રાથમિક પૂછપરછમાં અશ્ફાકએ ગુનાની કબુલાત કરી લીધી હતી.
હોમગાર્ડ જવાને શંકાને આધારે પાડેલા ફોટોએ બંનેને પકડાવ્યા
આ મામલે ડી.એસ.પી. ડૉ. ઝાલાએ જણાવ્યું કે, આ ઘટના તા.23મીની રાત્રે બની હતી. એ જ રાત્રે કપરાડાના દાભાડી ગામ પાસે ફરજ પર હાજર જી.આર.ડી.ના જવાન ઇઠ્ઠલભાઇ શકારામ ચૌધરી, ઉમેશભાઇ ભુવાનભાઇ ચૌધરી અને વિનેશભાઇ રમેશભાઇ ચૌધરી ત્યાંથી પસાર થઇ રહેલા હત્યારા અશ્ફાક અને તેના સાગરિતને જોતા, શંકાને આધારે ઉભા રાખીને પૂછપરછ કરી હતી. જી.આર.ડી.ના ઉમેશભાઇએ બંનેના ફોટો પાડી લીધા હતાં. ફોટો મૃતકના મોટા ભાઇ તથા ગ્રામજનોને બતાવતા, આ બંને જણાએ જ સંગીતા સાથે મળીને શંકરની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. યુ.પી. ભાગી રહેલા બંને આરોપીઓને ઝડપી પાડવામાં, જી.આર.ડી.ના જવાને પાડી લીધેલા તેઓના ફોટો જ સૌથી મહત્વપૂર્ણ કડી સાબિત થયાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..