થર્ટી ફર્સ્ટમાં ગુજરાતમાં અહીં એટલા બધાં પીધેલા ઝડપાયા કે મંડપ બાંધવો પડ્યો, પિધ્ધડોને રાખવા માટે લગ્નહોલ ભાડે રખાયા

ક્રિસમસ અને 31 ડિસેમ્બરને અનુલક્ષીને મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દમણ-સેલવાસની સરહદોને અડીને આવેલા રસ્તા પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 24 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટો ઉભી કરાઈ છે. આ તમામ ચેકપોસ્ટ તેમજ કોસ્ટલ હાઇવે પર અલગ-અલગ ઠેકાણે પોલીસ ગોઠવાઇ ગયેલી હોવાનું જાણવા છતાં રાત્રિ દરમ્યાન વ્યસનના 835 જેટલા બંધાણીઓએ ધરાર દમણ-સેલવાસથી છાંટોપાણી કરીને ગુજરાતની સરહદમાં પ્રવેશવાની હિમાકત કરતા તેઓને જેલના સળિયા ગણવાની નોબત આવી હતી. સૌથી વધુ વાપી ટાઉન પોલીસે 158 કેસો એક જ રાતમાં નોંધતા પિધ્ધડોમાં સોંપો પાડી દીધો હતો.

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તા.31મી ડિસેમ્બરે દમણ-સેલવાસથી દારૂની પાર્ટી મનાવી ગુજરાતમાં પ્રવેશતા ઇસમોને પકડવા માટે વિશેષ ચાંપતો બંદોબસ્ત ઠેક-ઠેકાણે ગોઠવી દીધો હોવાનું જાણીને કેટલાક પિધ્ધડોએ તા.31મીના એક દિવસ પહેલા એટલે કે તા.30મી ડિસેમ્બરે જ દારૂ-મટનની જ્યાફત ઉડાડીને ન્યુ ઇયરને વધાવવાનું નક્કી કર્યુ હતુ. પરંતુ વલસાડ જિલ્લા પોલીસ છેલ્લા પાંચ દિવસથી સંઘપ્રદેશ દમણ-સેલવાસ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે બનાવેલી ચેકપોસ્ટો ઉપર તેમજ વલસાડ-દમણ કોસ્ટલ હાઇવે પર બાજ નજર રાખીને બેઠી હતી, તે વાતથી ક્વચિત અજાણ એવા પિધ્ધડોનો નશો ગુરુવારે રાત્રે પોલીસને જોતા જ ઉતરી ગયો હતો. જિલ્લા પોલીસે ગતરાત્રી દરમ્યાન સંઘપ્રદેશથી દારૂનો નશો કરી આવેલા 835 જેટલા લોકોને પકડી પાડીને, તમામ વિરુદ્ધ પ્રોહિબીશનની કલમો હેઠળ કેસ કરી જેલભેગા કરી દીધા હતાં.

પકડાયેલા પિધ્ધડોના પોલીસમથકવાર કેસોની સંખ્યા
વલસાડ જિલ્લા પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, તા.30મી ડિસેમ્બરે એક જ રાતમાં વલસાડ સીટી પોલીસે 55, રૂરલ પોલીસે 50, ડુંગરી પોલીસે 33, પારડી પોલીસે 110, વાપી ટાઉન પોલીસે 158, વાપી જી.આઇ.ડી.સી. પોલીસે 75, ડુંગરા પોલીસે 50, નાનાપોંઢા પોલીસે 40, કપરાડા પોલીસે 49, ધરમપુર પોલીસે 26, ભિલાડ પોલીસે 98, ઉંમરગામ પોલીસે 59 અને મરીન પોલીસે 32 મળી કુલ 835 જેટલા પીધેલા લોકો સામે કેસો કર્યા છે.

પિધ્ધડોને રાખવા માટે દરેક પોલીસમથક વિસ્તારોમાં લગ્નહોલ ભાડે રખાયા
જિલ્લાના 13 પોલીસમથકો દ્વારા કડકાઇથી વાહન ચેકીંગ દરમ્યાન પકડાયેલા પીધેલાઓ સામે મોટાપાયે કેસો કરવામાં આવ્યા. એ પિધ્ધડોને રાખવા માટે જે તે પોલીસમથકની જેલોમાં જગ્યા ઓછી પડે તેમ હોવાથી, જે તે પોલીસમથક વિસ્તારોમાં સ્થિત હોલ ભાડે રાખવામાં આવ્યા છે. પીધ્ધડોને હોલ સુધી પહોંચાડવા માટે ખાનગી ટ્રાવેલ્સની બસો ભાડે રાખવાની ફરજ પોલીસને પડી હતી. એ લોકોને કોર્ટમાં હાજર રાખવા માટે પણ બસનો ઉપયોગ કરવામાં આવશે. પીધ્ધડોના રેપીડ કોરોના ટેસ્ટ કરવા માટે આરોગ્યની ટીમોની વ્યવસ્થા પોલીસમથક વિસ્તારમાં રાખવામાં આવેલા હોલમાં જ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો