રોજના 12 કલાક તૈયારી કરીને વડોદરાના યુવાને GPSCની પરીક્ષા પાસ કરી, ડેપ્યુટી કલેક્ટર તરીકે થઈ પસંદગી

જુલાઇ-2019માં યોજાયેલી જી.પી.એસ.સી.ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાં 21માં રેન્ક સાથે વડોદરાનો યુવાન વલય વૈદ્ય ઉત્તીર્ણ થયો છે. આ સાથે ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની પસંદગી થઇ છે. બીજા પ્રયત્નમાં જ જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર વલય વૈદ્યની ઇચ્છા છે કે, જે તક મને મળી છે, તે તકનો ઉપયોગ કરીને હું લોકોની પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્ય આપીશ. જેમાં ખાસ પાણીની વિકટ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટે મારી પ્રાથમિકતા અને મહત્વનું કાર્ય રહેશે.

2017-18માં વલયે જી.પી.એસ.સી. અને યુ.પી.એસ.ની તૈયારી શરૂ કરી

વડોદરા શહેરના ગોત્રી ખાતે રહેતા વલય પિતા અંકિતભાઇ વૈદ્ય અને માતા કલાબહેનનો એકનો એક પુત્ર છે. ગાંધીનગરમાં આવેલી ધીરૂભાઇ અંબાણી ટેક્નિકલ કોલેજમાંથી આઇ.સી.ટી. કર્યાં બાદ વલયે વર્ષ-2017-18માં જી.પી.એસ.સી. અને યુ.પી.એસ.ની તૈયારી શરૂ કરી હતી. અને જુલાઇ-2019માં ગુજરાતમાં 21માં રેન્ક સાથે જી.પી.એસ.સી.માં ઉત્તીર્ણ થયો છે. આ સાથે તેની ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી થવા પામી છે.

યુ.પી.એસ.સીમાં બે વખત નિષ્ફળતા છતાં વલય હિંમત ન હાર્યો

વલય વૈદ્યએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી કલેક્ટરનું પોસ્ટીંગ થયા બાદ હેલ્થ સેક્ટર, એજ્યુકેશન અને વોટર કન્ઝર્વેશનમાં મારું ફોકસ રહેશે. જેમાં ખાસ કરીને હાલમાં જે પાણીની વિકટ સમસ્યા છે. તેનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે મારા માટે પ્રથમ પ્રાથમિકતા રહેશે. યુ.પી.એસ.સી. પાસ કરવામાં બે પ્રયત્ન કરવા છતાં નિષ્ફળતા મળી છે. પરંતુ, હું હિંમત હાર્યો નથી. જી.પી.એસ.સી.ની ટ્રેનિંગ દરમિયાન જે અનુભવ મળશે. તે અનુભવના આધારે આગામી વર્ષે હું પુનઃ યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપીશ. અને મારું યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરવાનું પણ લક્ષ્ય પૂર્ણ કરીશ.

લોકો માટે કામ કરીશ ત્યારે જ થશે ખુશી

વલય વૈદ્યએ વધુમાં જણાવ્યું હતું કે, જી.પી.એસ.સી. અને યુ.પી.એસ.ની સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે. કારણ કે, જી.પી.એસ.સી.માં અઢી લાખ જેટલા સ્ટુડન્ટ અને યુ.પી.એસ.સી.માં 6 લાખ જેટલા સ્ટુડન્ટ હોય છે. હું પણ જી.પી.એસ.સી. અને યુ.પી.એસ.સી.ના પ્રથમ પ્રયત્નમાં થોડા માર્ક માટે ફેઇલ થયો ત્યારે નાસીપાસ થઇ ગયો હતો. પરંતુ, હું હિંમત હાર્યો ન હતો. અને પરીક્ષાની તૈયારી ચાલુ રાખી હતી. હું રોજ દરરોજ 12 કલાકનું વાંચન કરતો હતો અને આખરે મને જી.પી.એસ.સી.માં સફળતા મળી છે. હું ખુબ જ ખુશ છું. પરંતુ, વધુ ખુશી ત્યારે જ મળશે. જ્યારે હું ડેપ્યુટી કલેક્ટરનું પોસ્ટીંગ મળ્યા બાદ સમાજ માટે કંઇક કરીશ.

યુવાનોએ નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી

આજના યુવાનો પોતાના લક્ષ્યમાં હારનો સામનો કરે છે, ત્યારે ડિપ્રેશનમાં આવીને આપઘાત સુધીનું પગલું ભરે છે. તો આવા નાસીપાસ થઇ જતાં યુવાનો માટે વલયે જણાવ્યું કે, નાસીપાસ થવાની કોઇ જરૂર નથી. ડિપ્રેશનને સામાન્ય વસ્તુ છે. જો તમે ડિપ્રેશનમાં આવી જાવ તો યોગ, કસરત, મેનીટેશન, વોકીંગ કરવું જોઇએ. આ સાથે સારા પુસ્તકો વાંચવાનું શરૂ કરી દેવું જોઇએ. ડિપ્રેશનને આપણા ઉપર હાવી થવા દેશો નહીં. જીવનમાં તમારા ધારેલા લક્ષ્યને ચોક્કસ સફળતા મળશે.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો