ભારતમાં ગુજરાત રાજ્ય એક એવું છે જ્યા ના લોકો દેશ અને વિદેશમાં પોતાની આવડત અને વેપારી દિમાગના કારણે જાણીતા બન્યા છે. પછી ભગે એ ખેતી હોય કે પછી અન્ય ઉદ્યોગો ગુજરાતી હંમેશા આગળ રહ્યા છે. ગુજરાતના ઘણા એવા ગામો છે જે આજે વિદેશમાં પ્રચલિત થયા છે. આજે તમને એવા જ એક ગામ વિશે જણાવીશું જે હાલ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યું છે.
વાત છે ગુજરાતના ઉતરસંડા ગામની જે આણંદ-નડિયાદ પાસે આવેલ છે. આ ગામમાં આશરે 20 હજારની વસ્તી રહે છે. ગામનું પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ અહી બનતા પાપડ અને ચોળાફેળી છે. અહી એન્ટર થતા જ તમને મોટા ભાગની દુકાનોમાં પાપડ-ચોળાફળીનું વેચાણ થતું જોવા મળશે. તે સિવાય અહી પાપડ બનાવતી નાની-મોટી ફેક્ટરીઓ પણ છે. કહેવાય છેકે ઉત્તરસંડાના પાપડનો શ્વાદ દેશ-વિદેશમાં વખણાય છે.
ઉત્તરસંડા ગામ પાપડના ઉદ્યોગને લીધે પ્રખ્યાત થયું તેના પાછળનું કારણ છે ઉતરસંડા વિસ્તારનું પાણી.1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ઉદ્યોગની પ્રથમ ફેક્ટરી શરૂ થઈ હતી. જો કે વર્ષ દરમિયાન ઉત્તરસંડામાં આવેલી કંપની પાપડનું ઉત્પાદન ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા સંધાણા ગામ ખાતે કરતી હતી. પરંતુ તે ફેક્ટરી પાપડની ગુણવત્તામાં વધારો થાય તે માટે પાપડના લોટમાં વપરાતું પાણી ઉત્તરસંડાથી લઈ જતી હતી.જે માટે ફેક્ટરીને ઘણો ખર્ચો થઈ જતો હતો. જેથી કંપનીએ વર્ષ 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ફેક્ટરી શરૂ કરી હતી. જે ઉત્તરસંડાની પહેલી પાપડ ફેક્ટરી તરીકે ઓળખાય છે.
ઉતરસંડામાં આવેલી એક ફેક્ટરીના માલિક રાજેશભાઈ પટેલ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અમે ગુજરાતમાં સારૂ માર્કેટ ધરાવીએ છીએ. પણ વિદેશમાં અહીંના પાપડની માંગ વધારે હોવાથી હરીફ ધંધાર્થીને પણ કોઈ નુકસાન થતું નથી. તેમણે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે પાપડ અને મઠીયાનાં વેપારી થકી વાર્ષિક આશરે ત્રણથી ચાર કરોડનું ટર્નઓવર થઈ રહ્યું છે. હાલના સમયમાં આધુનિક મશીનો આવી જતા શ્રમ પણ ઘટી ગયો છે અને થોડા સમયમાં મોટા પ્રમાણમાં પાપડનું ઉત્પાદન શક્ય બન્યું હોવાનું પણ ફેક્ટરી માલિકે જણાવ્યું હતું.
હાલના સમયમાં ઉત્તરસંડા ગામમાં પચીસથી વધારે પાપડ-મઠીયાની ફેક્ટરી આવેલી છે. જેમાંની પાંચથી છ ફેક્ટરી દેશ-વિદેશમાં પ્રચલિત બની છે. જયારે અન્ય કંપનીઓ નાના પાયે પાપડ, ચોળાફળીના ઉત્પાદન દ્વારા અઢળક નાણાં કમાઈ રહી છે. વર્ષો પહેલા અન્ય રાજ્યમાંથી ઉત્તરસંડા ગામમાં સીંગ ચણાના વેપારી કરવા આવેલા એક વેપારીએ જણાવ્યું હતું કે જ્યારે હું આવ્યો ત્યારે પાપડની ઉત્તરસંડામાં બે કે ત્રણ ફેક્ટરીઓ હતી. પરંતુ હાલના દિવસોમાં નાની-મોટી અઢળક ફેક્ટરીઓ છે. ઉપરાતં મારા જેવા પાપડ,મઠીયા, ચોળાફળીનું વેચાણ કરનારા દુકાનદારો અને એજન્ટોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેમ છતાં ઘંધાને કોઈ નુકસાન થયું નથી. અને ભવિષ્યમાં ઘંધામાં વધારો થશે તેમ લાગી રહ્યું છે.
જરૂરિયાત(માંગ) પ્રમાણે કરે છે ઉત્પાદન
ઉત્તરસંડા ખાતે પાપડનું ઉત્પાદન કરનાર લોકોના મતે એક દાયકા પહેલા પાપડ હાથથી બનતા હતા. તે સમયે માંગ પ્રમાણે પાપડ ઉત્પાદન કરવું શક્ય ન હતું. પરંતુ હાલના દિવસોમાં ઉત્તરસંડામાં પાપડ બનાવવાનાં ઓટોમેટિક મશીનો પણ આવી ગયાં છે, જેમાં માત્ર પાપડ વણાતો જ નથી, તે પૂરો સુકાઈને બહાર આવે છે. જેથી માંગ પ્રમાણે ઉત્પાદન કરવામાં ઉત્તરસંડા સમર્થ બની ગયું છે.
દૈનિક હજારો કિલ્લોનું ઉત્પાદન
ઉત્તરસંડાની એક પાપડ ફેક્ટરી રોજ પાંચસો મણથી લઈને બે હજાર મણ સુધી પાપડ બનાવાની ક્ષમતા ધરાવે છે. જેમાં ઉત્તરસંડામાં આવેલી તમામ ફેક્ટરીઓનું કુલ ઉત્પાદન હજારો કિલોથી વધારે થાય છે. જેનો કોઈ નિશ્ચિત આંક આપવો તો શક્ય નથી. આ ઉપરાંત દિવાળી તેમજ તહેવારના સમયમાં પાપડની સાથે મઠીયા, ચોળાફળીનાં ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે.
વિદેશની પાપડ કંપનીએ વર્કિંગ વિઝા આપ્યાં
અઢી દાયકામાં ઉત્તરસંડા ગામમાં ત્રીસથી વધારે પાપડ ફેક્ટરીઓ શરૂ કેમ થઈ તેની પાછળનું કારણ જણાવતાં ગામવાસીએ જણાવ્યું હતું કે ઉત્તરસંડામાં ગામનાં હવા- પાણી પાપડ ઉદ્યોગ માટે ખૂબ અનુકૂળ છે. તે પાપડને સફેદ નરમ, પાતળા અને સ્વાદિષ્ટ બનાવે છે. ઉતરસંડા ગામના એક રહેવાસી પોતે દુબઈની પાપડ ફેક્ટરીમાં બે વર્ષ સુધી કામ કરીને પરત ફર્યા છે. તેમને ઉત્તરસંડાના રહેવાસી હોવાથી દુબઈમાં પાપડ બનાવતી કંપનીએ વર્કિંગ વિઝા આપીને કામકાજ અર્થે બોલાવ્યા હતા.
અડધું ગામ પાપડ-મઠીયાં ઉદ્યોગ સાથે સંકળાયેલું
ઉત્તરસંડાના ગ્રામજનોના મતે હાલના દિવસોમાં ઉત્તરસડા ગામની અડધીથી વધારે વસ્તી પાપડ ઉદ્યોગના કારણે પગભર બની છે. છેલ્લા બાર વર્ષથી ઉત્તરસંડાની પાપડ ફેક્ટરીમાં કામ કરી રહેલા શારદાબેનના મતે પાપડ ફેક્ટરીમાં કામ કરીને મને દર મહિને પાંચ-છ હજાર જેવી આવક થાય છે. જે મારા પરિવારની કુલ આવકમાં વધારો કરે છે. આ ગામમાંથી મોટા ભાગની સ્ત્રીઓ પાપડ ફેક્ટરીમાં કામ કરે છે.