પારડી: 1953માં જમીન વિહોણા માટે ખેડ સત્યાગ્રહનું આંદોલનમાં સક્રીય ભૂમિકા ભજવનાર અને માજી કેન્દ્રિય મંત્રી ઉત્તમભાઈ પટેલે મંગળવારે સવારે પોતાના ડુમલાવ ગામમાં અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષની જૈફ વયે નિધનના પગલે પારડી તાલુકા સહિત જિલ્લામાં શોકની લાગણી પ્રસરી હતી. તેમના પાર્થિવ દેહની બુધવારે તેમના નિવાસસ્થાન નજીકજ અંતિમ ક્રિયા કરવામાં આવશે.
પૂર્વરાષ્ટ્રપતિ અને માજીવડાપ્રધાન સાથે સારો ધરોબો કેળવ્યો હતો
જિલ્લાના રાજકારણમાં વર્ષો સુધી ઉત્તમભાઈ પટેલે સક્રીય ભૂમિકા ભજવી હતી. તેમનો જન્મ 25જુલાઇ 1927ડુમલાવ ગામે થયો હતો. આદિવાસી વિસ્તારમાં રાત્રી શાળાઓ યોજી લોકોને માર્ગદર્શન આપતા હતા. 1 સપ્ટેમ્બરે1953ના દિને ખેડસત્યાગ્રહ આંદોલનનું બ્યુગલ ફૂકાવ્યું હતું. જેમાં સ્વ. ઈશ્વરભાઈ દેસાઇ અને ઉત્તમભાઈ પટેલે આગેવાની લીધી હતી. ઉત્તમભાઈએ તે સમયે અનેક દિવસો જેલમાં વિતાવ્યા હતા. ત્યારથી તેમને ખેડસત્યાગ્રહના પ્રણેતા માનવમાં આવે છે.
છેલ્લા ત્રણ ચાર માસથી તેમની તબિયત બગડી હતી. મંગળવારે સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાન ડુમલાવ ગામમાં અંતિમશ્વાસ લીધો હતો. તેમના નિધનના સમચાર વાયુ વેગે પ્રસરતા પારડી તાલુકા સહિત વલસાડ જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.તેમની અંતિમ ક્રિયા બુધવારે સવારે 8 કલાકે તેમના ઘર નજીક થશે.
ઇન્દિરા ગાંધી સાથે કરવડમાં રેલી કાઢી હતી
ઉત્તમભાઈ પટેલ નરસિંહરાવની સરકારમાં કેન્દ્રિય ગ્રામીણ મંત્રી તરીકે રહી ચૂક્યા છે. ઇન્દિરા ગાંધી જ્યારે મુંબઈ રાજ્ય હતું. ત્યારે જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.ત્યારે કરવડ ગામમાં એક રેલી નીકળી હતી. આ રેલીમાં માજી વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને ઉત્તમભાઈ પટેલ એક મંચ પર હતા. આ બંને નેતાઓએ દલિત પરિવારને ત્યાં ભોજન લીધું હતું.
તલાટીથી કેન્દ્રિય ગ્રામીણ મંત્રી સુધીની સફર
ઉત્તમભાઇ સૌપ્રથમ અંબાચ ગામમાં તલાટી બન્યા હતા. તેમણે સૌપ્રથમ પ્રજા સમાજવાદી પાર્ટીથી રાજકીય ક્ષેત્રે શરૂઆત કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ એક પીઢ આદિવાસી નેતા તરીકે ઉભરી આવ્યા હતા.
ભૂમિ ક્રાંતિથી લઈ અનેક અભિયાનોમાં જોડાયા હતા
ખેડસત્યાગ્રહમાં ભૂમિ ક્રાંતી લાવનાર તરીકે ઉત્તમભાઈનું નામ આજે પણ ખેડૂતો લઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં અંધશ્રધ્ધા દૂર કરવા અને દારૂબંધી માટે મહત્ત્વની કામગીરી કરી હતી, લવાછા કરવડ વાંકાછના શિવ મંદિરો તેમણે બંધાવ્યા હતા.
અંતિમ સંસ્કાર માટેની જગ્યા પોતે જ નક્કી કરી હતી
ઉત્તમભાઈએ તેમના નિધન પૂર્વે પોતાની અંતિમ ક્રિયા ક્યાં અને કેવી રીતે કરવી તે અંગે પરિવારજનોને કહ્યું હતું. જેમાં પહેલેથી જ ઉત્તમભાઈ પટેલે તેમના ઘર નજીક એક મોક્ષધામ તૈયાર કર્યું હતું. જેમાં તેમના માતા –પિતા, પુત્ર અને ભાઈની પ્રતિમા મોક્ષધામમાં મૂકવામાં આવી છે. આ સ્થળે પોતાની અંતિમ ક્રિયા કરવા જણાવ્યુ હતું. જેથી બુધવારે ઘર નજીક જ તેમની અંતિમ ક્રિયા થશે. તે પહેલાં પાર્થિવ દેહને સમગ્ર ગામમાં ફેરવવામાં આવશે.