સુરત શહેરની સાથે શહેરના ધંધાદારીઓ પણ સ્માર્ટ પણ બની રહ્યાં છે. શહેરના એક મેડિકલ દ્વારા એક અનોખી પ્રકારની સેવા ચાલે છે. મેડિકલ સ્ટોર સામાન્ય દવાઓ પર 20 ટકા ડિસ્કાઉન્ટ તો આપે છે. તેમજ હોમ ડિલિવરી માટે પોસ્ટકાર્ડથી લઈને ઈમેઈલ સુધીના તમામ માધ્યમો પર ઓર્ડર લે છે. નવા ગ્રાહકોને વિશ્વાસ આવે તે માટે દવા મળ્યા બાદ ડોક્ટર પાસે ચેક કરાવ્યા બાદ પેમેન્ટ કરવાનું હોય છે. આજ સુધી એક પણ કિસ્સો એવો નથી બન્યો કે દવા મોકલાવ્યા બાદ પૈસા ન આવ્યા હોય.
અનોખી મેડિકલ સ્ટોરની ખાસિયત
સુરતમાં ભાગળ રોડ, ટાવર રોડ સહિત ચાર જગ્યાએ દોરીવાલા પરિવાર દ્વારા શ્રીમન્ન નારાયણ રાહત દવા સેન્ટર ચલાવવામાં આવે છે. આમ તો છેલ્લાં આઠ વર્ષથી આ મેડિકલ સ્ટોર સુરતમાં ચાલે છે. આ મેડિકલ સ્ટોરની ખાસિયત છે કે, અહીં તમે પોસ્ટકાર્ડ, એસએમએસ, વોટ્સએપ, ઈ-મેઈલ દ્વારા અથવા તો તેમની પોતાની વેબસાઈટ પર જઈને દવાનો ઓર્ડર આપી શકો છો. અહીંથી દવા તમને કુરિયરથી મોકલવામાં આવે છે.
હોમ ડિલિવરી મળ્યા બાદ ડોક્ટર પાસે ચેક કરાવીને ગ્રાહક આપે છે રૂપિયા
આખી પ્રક્રિયાની ખાસ વાત એ છે કે, ગ્રાહક ઓર્ડર આપે ત્યારે પૈસા આપવાના નથી હોતા, તેમને દવા મળી જાય ત્યારે કેશ ઓન ડિલિવરી આપવા માટે પણ આગ્રહ કરવામાં આવતો નથી. પરંતુ ગ્રાહક દવા લઈને ડોક્ટરને બતાવીને ખાતરી કરી લે ત્યાર બાદ પણ તેને પૈસા આપવામાં તો દવા મંગાવ્યાના 3-4 દિવસ બાદ પૈસા જમા કરાવી શકો છો. મેડિકલની ભાગદોડ સંભાળનારા પ્રશાંતભાઈ દોરીવાલા જણાવે છે કે, છેલ્લાં આઠ વર્ષથી આ પ્રકારે દવા અમે લોકોના ઘરે મોકલીએ છીએ, પરંતુ એક પણ વ્યક્તિએ પૈસા ન ચૂકવ્યા હોય એવો બનાવ અમને ધ્યાનમાં નથી, જે જણાવે છે કે લોકોને આવી સેવાની કેટલી જરૂર હશે.
પોસ્ટકાર્ડ દ્વારા ઓર્ડરનો સિનિયર સિટીઝન્સ ઉઠાવે છે લાભ
વિષ્ણુભાઈ દોરીવાલા જણાવે છે કે સુરતમાં ડબગરવાડ, ટાવર રોડ, ક્લાસીક પ્લાઝા અને સંઘવી ટાવરમાં દુકાન છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અમારી પાસે ઓર્ડર આવે છે. આ સેવા આખા દેશમાં લઈ જવા માંગીએ છીએ. રાહત દરની દવા મળશે અને ઓનલાઈન દવા ઘરે પહોંચાડનારા મળશે, પરંતુ બન્નેનું કોમ્બિનેશન નહીં મળે. આજના સમયમાં પણ પોસ્ટકાર્ડથી ઓર્ડર લો છો એવા સવાલના જવાબમાં પ્રશાંતભાઈ જણાવે છે કે, અમારી સેવાનો લાભ સિનિયર સિટીઝનો ઉપાડે છે. આ ઉપરાંત પણ ઘણાં લોકો એવા છે કે જેમને ટેક્નોલોજી આવડતી નથી એટલા માટે પણ પોસ્ટકાર્ડ હજુ અમને લખે છે.
ઓળખનો પુરાવો અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને પણ દવા અપાતી નથી
આજથી આઠ વર્ષ પહેલાં હોમ ડિલીવરી આપવાની સેવાનો વિચાર કઈ રીતે આવ્યો તે અંગે પ્રશાંતભાઈ જણાવે છે કે, સુરતમાં ઘણી બધી રાહત દરની મેડિકલો ચાલે છે, પરંતુ તમે જોશો તો ત્યાં લાંબી લાઈનો લાગી હશે. આથી કરીને લોકોને લાઈનમાં ઊભા રહેવું ન પડે અને ખાસ કરીને વડીલોને તકલીફ ના પડે તે માટે આ પ્રકારની સુવિધા ચાલું કરી હતી. જોકે અમે એક ઓળખનો પુરાવો અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને પણ દવા આપતા નથી અને અમુક પ્રકારની દવામાં ડોક્ટર સાથે ક્રોસ વેરિફિકેશન કર્યા બાદ આપીએ છીએ.