આ બે પાટીદારો બાઈક પર જશે લંડન, એક બની ચૂક્યા છે દાદા

આ બે પાટીદારો બાઈક પર જશે લંડન, એક બની ચૂક્યા છે દાદા

અમદાવાદ: માણસને પેશન કંઈ પણ કરાવી શકે છે. કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય’ બસ અમદાવાદના બે પટેલોએ પણ આવુ જ કંઈક મન બનાવ્યું છે. 24 એપ્રિલના રોજ આ બન્ને પાટીદારોએ બાઈક લઈને લંડન જવાનો નિર્ણય કર્યો છે. શહેરના 59 વર્ષીય એવા હિરેન પટેલ(દીકરાના ઘરે દીકરાઓ છે) તેમના મિત્ર પ્રકાશ પટેલ સાથે બાઈક લઈને લંડન જવાની તૈયારીઓમાં લાગી ગયા છે. તેઓ 24 એપ્રિલે અમદાવાદથી નીકળ્યા બાદ 28 જુને લંડન પહોંચશે. ત્યાર બાદ 7 જુલાઈએ લંડનથી અમદાવાદ પાછા ફરશે. આ દરમિયાન કુલ 20 હજાર 129 કિલો મીટરનો પ્રવાસ ખેડશે.

કરશે અઢી મહીના સુધી પ્રવાસ

હિરેન પટેલ અને પ્રકાશ પટેલ લગભગ સવા અઢી મહીનાના પ્રવાસમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. બન્ને રોજ બે કલાક કસરત કરે છે. તેમજ પરિવારથી આટલો સમય દૂર રહેવાનો સાઇકોલોજિકલ પ્રયોગ પણ કરી રહ્યા છે.

24 દેશોમાંથી થશે પસાર

આ પ્રવાસ માટે પ્રકાશ અને હિરેન પટેલે પોતાનું મેડ ઈન ઈન્ડિયા રોયલ એનફિલ્ડ બાઇક તૈયાર કર્યું છે. પ્રવાસમાં તેઓ પોતાની સાથે માત્ર મીઠું અને કેચપ લઇ જવાના છે. આ માટે તેઓએ વિઝાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે. તેમજ કુલ 24 દેશોના રોડ મારફતે પ્રવાસ કરવાના છે. જેમા ચાઇના અને બીજા કેટલાક અસુરક્ષિત દેશોમાંથી પસાર થવાના છે.

પ્રકાશ પટેલ છે jio Gun રાઇડર મોટરસાઇકલ કલબના મેમ્બર

આ સાહસ અંગે તેઓ માને છે કે કંઈપણ પામવા માટે થોડું જોખમ તો લેવું જ પડે. આ અંગે  jio Gun રાઇડર મોટરસાઇકલ કલબના મેમ્બર એવા પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, આ પહેલા મેઘાણી ચેલેન્જ વાળી રાઈડ કરી છે. પરંતુ આ વખતે મારી સાથે હિરેન પટેલ 59 વર્ષના છે અને તેઓ એક યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ અને માનસિક મજબૂતાઈ ધરાવે છે.

હિરેન પટેલના પરિવારમાં છે દીકરાના ઘેર દીકરા

જ્યારે હિરેન પટેલ જણાવ્યું હતું કે, અત્યારે મારા પરિવારમાં દીકરાના ઘેર પણ દીકરા છે, પરંતું હું નરેન્દ્ર મોદીએ કહેલી વાતથી પ્રભાવિત છું, મોદીએ કહ્યું હતું કે વસુધૈવ કુટુમ્બકમ એટલે કે આખી દુનિયા એક કુટુંબ છે અને તે સાબિત કરવા માટે મેં બાઈક પર લંડન જવાની તૈયારીઓ કરી લીધી છે. 24 એપ્રિલના રોજ અમે બન્ને મિત્રો અમદાવાદને બાય બાય કહી લંડન જવા નીકળશું.

માઈનસ 14 થી 45 ડિગ્રી તાપમાન સહન કરવું પડશે

પ્રકાશ પટેલે આ સફર દરમિયાન પડનારી તકલીફો અંગે જણાવ્યું કે, આ સમગ્ર પ્રવાસ દરમ્યાન અમારે  માઈનસ 14 થી 45 ડિગ્રી તાપમાન સહન કરવું પડશે. પરંતુ આ પણ એક ચેલેન્જ છે માઉન્ટેન રાઈડમાં રોજ એક એવી વાત સામે આવે છે, જે વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય, આ તમામ ચેલેન્જ કેવી રીતે પૂરી કરી તે મોમેન્ટ્સ અમે અમારા કેમેરામાં કેદ કરીશું.

પ્રકાશ પટેલે બાળપણથી જોયું હતું સપનું

આ બાઈક રાઈડનો વિચાર કઇ રીતે આવ્યો તે અંગે વાત કરતા પ્રકાશ પટેલે કહ્યું કે, હું નાનો હતો ત્યારે મારી પાસે સાયકલ હતી, આ સમયે મારા ઘર પાસેના એક ગેરેજમાં રોજ નવી બાઇક પડી રહેતી, હું કાયમ વિચારતો હતો કે એક દિવસ હું બાઈક લઈને સૌથી દૂર જઈશ. ત્યારબાદ મારી આ ઈચ્છા શોખમાં પરિણમી હતી. અમે ગુજરાતમાંથી બાઈક પર લંડન જનારા પહેલા બે વ્યક્તિઓ છીએ.

આ દરમિયાન કુલ 20 હજાર 129 કિલો મીટરનો પ્રવાસ ખેડશે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી