રમવાની ઉંમરે સુરતની બે બહેનપણીઓ દીક્ષા લેશે, અઢી વર્ષની કપરી તપસ્યા બાદ બંનેને દીક્ષા માટે પસંદ કરવામાં આવી

ત્રણ વર્ષ જૂની મિત્રતા અને હવે સાથે સંયમના માર્ગ પર ચાલી નીકળશે સુરતની બે કિશોરીઓ. 11 અને 12 વર્ષની બે છોકરીઓ ફેબ્રુઆરી 2022માં સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરશે. દીક્ષા માટે આ છોકરીઓને પસંદ કરવામાં આવી તે પહેલાં તેમણે અઢી વર્ષથી વધુ સમય કપરી તાલીમ લીધી તેમજ 700થી વધુ કિલોમીટરની પગપાળા યાત્રા કરી છે.

12 વર્ષીય આંશી શાહ સુરતના કરોડપતિ હીરા વેપારીની દીકરી છે. તે આઠ વર્ષની હતી ત્યારે જ તેણે અભ્યાસ છોડી દીધો હતો. કુમળી વયે જ આંશીના મનમાં જૈન સાધ્વી બનવાના બીજ રોપાયા હતા અને તે વિવિધ સ્થળોએ જૈન સાધુ-સાધ્વીઓના સહવાસમાં રહેવા લાગી હતી. સાધુઓ જોડે આંશી કેટલાય કિલોમીટર પગપાળા યાત્રા પર ગઈ હતી અને 30 દિવસનો કઠોર ઉપવાસ પણ કર્યો હતો.

આંશીએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, “મેં જિંદગીને માણી છે. પરંતુ સાચી ખુશી, શાંતિ અને એકતા મને સાધુ-સાધ્વીઓ સાથે રહીને મળી. માટે જ મેં મારી બાકીની જિંદગી તેમની સાથે વિતાવવાનો નિર્ણય કર્યો છે.”

ભૌતિક જીવનના સુખ છોડીને આંશી સાદગીભર્યું જીવન જીવવાની તૈયારી કરી રહી છે ત્યારે તેના દીપક શાહ દીક્ષા પહેલા દીકરીને દુનિયાની દરેક ખુશી આપવા માગે છે. દીપકભાઈ તેમની દીકરીને દુબઈ લઈને જવાના છે. તેમણે કહ્યું, “એકવાર તેને ફોરેન ટ્રીપ પર લઈ જવાની મારી ઈચ્છા છે. મને ગર્વ છે કે મારી દીકરીએ સાધુ જીવનને પસંદ કર્યું છે.”

દરમિયાન, આંશીની બહેનપણી વિહા શાહે (11 વર્ષ) પોતાના માતાપિતાને સંસાર ત્યાગીને દીક્ષા લેવાનો નિર્ણય સંભળાવ્યો ત્યારે તે દૃઢ રહી હતી. વિહાના માતાપિતાએ તેને થોડી મોટી થઈ જાય પછી દીક્ષા લેવાનો આગ્રહ કર્યો હતો પરંતુ તેના મનમાં આ વર્ષે જ દીક્ષા લેવાનો સ્પષ્ટ વિચાર હતો. વિહાની સાથે તેના 45 વર્ષીય પિતા શ્રવક શાહ અને 43 વર્ષીય માતા સોનલ શાહ પણ એ જ દિવસે દીક્ષા લઈ લેશે.

સોનલબેને કહ્યું, “મારા દીકરાએ 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. હાલ તેની વય 18 વર્ષ છે અને ક્ષમા શ્રમણ વિજયજી મહારાજ તરીકે ઓળખાય છે. તે અમારા સૌ માટે પ્રેરણારૂપ છે. અમે સૌએ ભૌતિક જીવન જીવી લીધું છે અને હવે દીકરાના પગલે ચાલવા માગીએ છીએ.”

નાનકડી વિહાને ફોટો પડાવવા અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા ખૂબ પસંદ છે. ત્યારે તેને દીક્ષા લેવાની પરવાનગી મળી તે પહેલા તેણે કેટલીય કઠોર કસોટી પાર કરી હતી. શ્રવક શાહ ડાયમંડ યુનિટમાં નોકરી કરતાં હતા પરંતુ દીક્ષાની તૈયારી માટે તેમણે નોકરી છોડી દીધી હતી. વરિષ્ઠ સાધુઓના માર્ગદર્શન હેઠળ તેઓ કડક દિનચર્યાનું પાલન કરવા લાગ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો