લગ્નમાં મહેમાન બનીને આવતા ગઠિયાઓથી ચેતજો: વડોદરામાં NRI પરિવારના લગ્નમાં સુટ-બુટમાં સજ્જ થઇને આવેલા 2 ગઠિયા ભેટ-સોગાદો લઇને ભાગી છૂટ્યા

હાલ લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે, ત્યારે વડોદરા શહેરમાં NRI પરિવારના લગ્નમાં સુટ-બુટમાં સજ્જ થઇને ચોર ટોળકી ઘૂસી ગઇ હતી અને જમ્યા બાદ લગ્નની ભેટ સોગાદો ભરેલો થેલો લઇને બંને ચોર છૂમંતર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV અને ડ્રોન કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેને આધારે NRI પરિવારે ભેટમાં મળેલા 3.80 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બે ગઠિયાઓ પૈકી એક સગીર હોવાનું ડ્રોન કેમેરામાં જોવા મળ્યું હતું.

NRI પરિવારે પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કર્યું
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલા ભાઇ કાકા પાર્ટી પ્લોટમાં વિદેશથી આવેલા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં આમંત્રિત મહેમાનો સુટ-બુટમાં આવ્યા હતા અને વર અને કન્યાને લોકોએ આશિર્વાદ આપીને તેમના ભેંટ-સોગાદો પણ આપી હતી. ઘરના લોકોએ આ ગિફ્ટ એકત્ર કરીને તેની નોંધ રાખીને એક જગ્યાએ સાવચેતીપૂર્વક મૂકી હતી. ગિફ્ટ સાચવનાર વ્યક્તિ થોડીક વાર માટે વર અને વધુની મુલાકાત લેવા માટે તેમનું સ્થાન છોડીને ગયા હતા.

સુટ-બુટમાં તૈયાર થઇને ગઠિયાઓ આવ્યા
આ દરમિયાન સુટ-બુટમાં તૈયાર જાનૈયાઓ સાથે ઘૂસી ગયેલા ગઠિયાઓએ કરતબ બતાવ્યો હતો અને તમામની નજર ચુકવીને પાર્ટી પ્લોટમાંથી લગ્ન પ્રસંગે આપેલી કિંમતી ભેટ-સોગાદો ભરેલો થેલો સેરવીને નાસી છુટ્યા હતા. આખાય પ્રસંગમાં ગિફ્ટ સાચવીને રાખી મુકનાર વ્યક્તિ સહેજ જગ્યા પરથી ગયો કે તેની આખીય મહેનત પર પાણી ફરી વળ્યું હતું.

ડ્રોન કેમેરામાં ગઠિયાઓ દેખાઇ ગયા
ત્યાર બાદ કિંમતી ભેટ-સોગાદો ભરેલો થેલો શોધવાની કવાયત શરૂ થઇ હતી. પરિવારજનોએ પાર્ટી પ્લોટના કેમેરા જોવા જતા તેઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. કારણ કે, તમામ કેમેરાના રેકોર્ડિંગનું રિઝલ્ટ ધુંધળુ હતું. ત્યાર બાદ લગ્ન પ્રસંગનું રેકોર્ડિંગ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ડ્રોન કેમેરાનું રેકોર્ડિંગ જોતા વાત ધ્યાને આવી કે, સુટ-બુટમાં લગ્ન પ્રસંગમાં હાજર બે ગઠિયાઓ ભેટ-સોગાદો લઇને નાસી ગયા હતા. જેને પગલે NRI પરિવારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો