દાહોદ જિલ્લામાં માણસાઇ અને જીંદાદીલી આજે પણ જીવીત છે. અહીં એવા પણ લોકો છે, જેમનામાં પોતાના જીવની બાજી લગાવી બીજાનો જીવ બચાવવાનો જુસ્સો છે. ખરેખર જિલ્લાના આ જ સાચા હિરો છે, જેમના આ જુસ્સાથી બીજાને પ્રેરણા મળે છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બે રિયલ હિરો કહી શકાય તેવા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલે પોતાના જીવની પરવા કર્યા વગર 70 ફુટ ઉંચા પુલ ઉપરથી નદીમાં કુદકો મારીને એક અજાણ્યા આધેડનો જીવ બચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકની ચાકલિયા આઉટ પોસ્ટ ઉપર હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશભાઇ ભગોરા અને કોન્સ્ટેબલ મુકેશભાઇ ખાંટા બપોરના સમયે પોતાની રોજીંદી કામગીરીમાં પરોવાયેલા હતાં. ત્યારે એક અજાણ્યા બાઇક ચાલકે અનાસ નદીના પુલ ઉપરથી કોઇકે કુદકો માર્યો હોવાની જાણ કરી હતી. મોટર સાઇકલ લઇને મહેશભાઇ અને મુકેશભાઇ એક કિમી દુર પુલ ઉપર ધસી આવ્યા હતાં.
70 ફુટ ઉંચા પુલ ઉપરથી નદીમાં છલાંગ મારી દીધી
આધેડને પાણીમાં ડુબતો જોઇને કપડા કાઢી પુલ ઉપર જ ફેંકી પહેલા મહેશભાઇ અને ત્યાર બાદ મુકેશભાઇએ 70 ફુટ ઉંચા પુલ ઉપરથી નદીમાં છલાંગ મારી દીધી હતી. આધેડને ખેંચીને તટે લઇ જવો અશક્ય હતો એટલે તેને પુલના પીલ્લર તરફ લઇ જવાયો હતો. પીલ્લરનો સળિયો ઝાલીને વૃદ્ધને સંભાળી રાખ્યો હતો. દરમિયાન અન્ય પોલીસ અને ગામના લોકો દોડી આવ્યા હતાં.
એસપીએ બંને પોલીસ કર્મચારીઓને રોકડ ઇનામ અને પ્રશસ્તિપત્ર આપ્યું
અન્ય પોલીસ કર્મી અને ગામના લોકો હાઇવે ઉપર ટાયર પંક્ચરનું કામ કરતા નાયરને ત્યાંથી વીસ મીનીટે મોટી ટ્યુબ લઇ પહોંચ્યા હતાં. દરમિયાન 108 પણ ધસી આવી હતી. બે તરવૈયા ગ્રામજને ટ્યુબ પુલના પીલ્લર સુધી પહોંચાડતા આધેડને સલામત તટે લાવીને દવાખાને ખસેડ્યો હતો. નદીમાં ભુસકો મારનાર મધ્ય પ્રદેશના સાતશેરો ગામનો 45 વર્ષિય ખાતુ પરથી ગરાસિયાએ પત્ની સાથે ઝઘડો થયો હોવાથી તેણે આપઘાત માટે નદીમાં ઝંપલાવ્યુ હોવાનું જાણવા મળ્યુ હતું. હેડ કોન્સ્ટેબલ મહેશ અને કોન્સ્ટેબલ મુકેશને આ કામગીરી બદલ એસ.પી હિતેશ જોયસરે 1500-1500 રૂપિયાના રોકડ ઇનામ સાથે પ્રશસ્તિપત્ર પણ આપ્યુ હતું. આ ઉપરાંત આ બંને કર્મચારીઓનું નામની જીવન રક્ષા એવોર્ડ માટે પણ ભલામણ કરાશે તેવું જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..