અમદાવાદના વૃક્ષ પ્રેમી કાંતિભાઇ પટેલે એકલા હાથે ઉછેર્યા 2200 વૃક્ષો.

અમદાવાદના નવા રાણીપ કે નારણપુરાના પલિયડનગર આસપાસથી મેલાઘેલા કપડામાં ફુલછોડ વાવતું હોય, છોડ ફરતે વાડ કરતું હોય કે પાણી પાતું હોય તો અમદાવાદના અનોખા વૃક્ષ પ્રેમી કાંતિભાઇ પટેલ છે, એમ સમજી લેવું. 70 વર્ષની ઉંમરે સવારે ઉઠીને સાયકલ લઇને તેમણે વાવેલા વૃક્ષોને પાણી પાવા માટે તેઓ સાયકલની પાછળ પાણીના કેરબા મૂકીને નીકળી પડે છે. તેઓ રાણીપથી માંડીને ત્યાંથી 7થી 8 કિલોમીટર સુધી નારણપુરા સુધી તેમણે વાવેલા વૃક્ષોને પાણી પીવડાવે છે. તેમની આ રોજની સવારની પ્રવૃત્તિ છે. તેમણે 2200 વૃક્ષો ઉછેરેલા છે..

દરરોજ 8 કિમી સાયકલ પર જઇને વૃક્ષોને પાણી પાય છે.

ખેડૂતપુત્ર 

સરકાર અને વન વિભાગ તો એક દિવસ વન મહોત્સવ ઉજવીને ભૂલી જાય છે કે, 10 કરોડ વૃક્ષો ઉગાડ્યા છે પણ કાંતિભાઈ તો પોતાના બાળકની જેમ છોડ રોપીને તે વૃક્ષ બને ત્યાં સુધી ધ્યાન રાખે છે. જેમની પર્યાવરણની ઉજવણી આખું વર્ષ ચાલ્યા કરે છે. જેમના શ્વાચ્છોશ્વાસમાં વૃક્ષપ્રેમ વસે છે. મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામના વતની અને વર્ષોથી અમદાવાદના રાણીપમાં સ્થાયી થયેલા કાંતિભાઇ શીવરામદાસ પટેલ મૂળ ખેડૂતપૂત્ર છે.

પોતે નર્સરીમાંથી પૈસા ખર્ચીને રોપા લાવે છે 

તેમનો નાનો દીકરો લંડન રહે છે અને મોટા દિકરાને હાર્ડવેરની દુકાન છે. તેઓ પાસે આર્થિક પ્રવૃત્તિ કરી શકે તેમ છે છતાં તેઓ ઉનાળો, શિયાળો કે ચોમાસુ હોય તેમનું વૃક્ષારોપણનું કામ આખું વર્ષ ચાલે છે. નર્સરીમાંથી રૂ.100થી 300માં એક છોડદીઠ લાવે છે અને ખામણું કરે છે અને જાતે જ રોપે છે. પોતાના ખિસ્સાના રૂ.1.50 લાખ ખર્ચીને 9 વર્ષમાં એકલે હાથે 2200 વૃક્ષ ઉગાડ્યા છે. મોટા થાય ત્યાં સુધીની માવજત કરીને ઉછેર્યા છે. લોકો પૈસા આપે છે પણ તે ક્યારેય લેતા નથી. પોતાના ખર્ચે જ વૃક્ષને રોપે છે.

વન વિભાગ કે AMCની કોઈ મદદ નહીં 

સાથે ખામણું કરવા માટે કોદાળી, તિકમ, છોડ આસપાસનું ઘાસ દૂર કરવા માટેની ખૂરપી, છોડના રક્ષણ માટે ખામણાની આસપાસ ઇંટોની દિવાલ કરવા માટે સીમેન્ટ, લેલું, છોડમાં ઉધઇ ન આવે તે માટેની દવા તેમની સાથે હોય છે. જોકે, તેમનું સરકારે સન્માન કર્યું પણ વૃક્ષો રોપવા માટે વન વિભાગે રોપા આપવાનું પસંદ કર્યું નથી. અમદાવાદ મહાનગર પાલિકાની કોઈ મદદ તેમની મળી નથી. જો છોડ ફ્રી કરી આપે અને રક્ષણાત્મક પાંજરાની વ્યવસ્થા તથા એક પાણીનું ટેન્કર ડ્રાઈવર સાથે તેમને આપવામાં આવે તો તેઓ વર્ષમાં 10 હજાર વૃક્ષો રોપીને ઉછેરી શકે એવી ક્ષમતા ધરાવે છે. પણ ભ્રષ્ટાચારમાં અટવાતાં અધિકારીઓ અને રાજકારણીઓને વૃક્ષ પ્રેમ નથી. જો વૃક્ષ પ્રેમ ન હોય તો દેશ પ્રેમ ન જ હોય.

લીલાછમ 2200 વૃક્ષો ઉછેર્યા

આ વિસ્તારમાં લહેરાતા લીમડો, કણઝી, સપ્તપર્ણી, ગુલમહોર, બોરસલ્લી અને ફન્ટુફાર્મના જે છોડ કે ઝાડ જોવા મળે છે તે કાંતિભાઇના પરિશ્રમનું પરિણામ છે. મોઢામાં દાંત પણ નથી રહ્યા છતાં તેમનો વૃક્ષ ઉછેર માટેનો જોમ અને જુસ્સો હજુય અકબંધ છે. પોતાના ખિસ્સાના રૂા.1.50 લાખ ખર્ચીને 9 વર્ષમાં એકલે હાથે 2200 વૃક્ષ ઉગાડ્યા છે.  મોટા થાય ત્યાં સુધીની માવજત કરીને ઉછેર્યા છે.

એક વાર્તાએ જીવન બદલ્યું 

વૃક્ષપ્રેમની પ્રેરણા એક વાર્તામાંથી મળી હતી. 9 વર્ષ પહેલા તેઓ એક ધાર્મિક પુસ્તક વાંચી રહ્યો હતા. આ પુસ્તકમાં લખ્યું હતું કે, એકવાર એક વૃધ્ધ આંબાનો છોડ વાવી રહ્યાં હતા. તેઓને જોઇને એક નવયુવાને વૃધ્ધને પૂછ્યું કે, તમે આ આંબાની કેરી ક્યારે ખાવાના છો ? તે તમે આંબાનો છોડ વાવો છો. તો વૃધ્ધે જવાબ આપ્યો કે, કોઇકે તો આંબો વાવ્યો હશે કે આપણે આજે કેરી ખાઇ રહ્યા છીએે. આજે હું આંબો વાવીશ તો આવનારી પેઢીને તો તેના ફળ ખાવા મળશે. આ વાર્તા વાંચીને તેમને થયું કે, જગતના નિયંતાએ આટલી સરસ હરિયાળી પૃથ્વી બનાવી અને આપણે તેને કાપીને ધરતીના શણગારને ઓછો કરી રહ્યાં છીએ. કોઇકે તો શરૂઆત કરવી પડશે. તેવા વિચાર સાથે કાંતિભાઇએ આ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી.

રસ્તાના પત્થર કે ઈંટ એકઠી કરે છે

કાંતિભાઇ સવારે છોડને પાણી પાણી પીવડાવવા નીકળે ત્યારે રસ્તામાં મળતાં ઇંટ કે તેના ટૂકડા લઇને પોતાની સાયકલ પર મૂકી દે છે. જે વાવેલ છોડના રક્ષણ દિવાલ બનાવે છે. છોડની આસપાસ કાંટાળી વાડ બનાવી છોડનું સંરક્ષણ કરે છે. ગરમીમાં સાયકલ પર પાણીના કેરબા, ખોદકામ કરવાં તિકમ-કોદાળી, દાતરડું, સીમેન્ટની નાની થેલી સાથે માનવ વસાહતની બહાર કામ કરે છે. વૃક્ષના કામમાં તેઓના ઘરના સભ્યોનો પૂરેપૂરો સહયોગ છે. લોકો હવે તેમને સહકાર આપતાં થયા છે. લોકો તેમના ધરેથી પાણી લેવા દે છે.

વરિષ્ઠ નાગરિકોનું જૂથ બનાવ્યું 

રાણીપમાં 150 વરિષ્ઠ નાગરિકોની મંડળી બનાવી છે. જેને તેઓ સિનિયર સિટિઝન ફોરમ કહે છે. આ મંડળી પણ વૃક્ષારોપણના કાર્યક્રમ કરે છે. સોસાયટીઓમાં તુલસીના છોડનું પણ મફત વિતરણ કરે છે. અત્યાર સુધીમાં 500 જેટલા તુલસીના છોડનું વિતરણ કરી ચૂક્યાં છે.

જીવન ધ્યેય 

કાંતિભાઇ કહે છે કે, જો આપણે સ્વચ્છ પર્યાવરણ- સ્વચ્છ શ્વાસ જોઇતા હશે તો આ ધરતીને વૃક્ષોનો બાગ બની રહેવા દઇએ. જો તેમ નહીં કરીએ તો તેના વરવા પરિણામ આપણે ભોગવવા પડશે. કુદરતે બનાવેલી આ ધરતીને કઠિયારા બની ઉજ્જડ કરવાનો આપણને કોઇ અધિકાર નથી..

કાંતિભાઇનો તો જીવનધ્યેય છે કે, ‘જીવનમાં બનો તો આ જગતના વનમાળીએ બનાવેલા બાગમાં માળી બનો પણ કદી પણ કઠિયારા ન બનો.’’

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો