દેશમાં પ્રથમ આ શહેરમાં વૃક્ષો માટે ખાસ શરૂ કરાઈ ટ્રી એમ્બ્યુલન્સ, વૃક્ષોને મળશે ઈમર્જન્સી સારવાર

ચેન્નાઇના પર્યાવરણવિદ્ ડૉ. અબ્દુલ ઘાની ‘ ગ્રીન મેન ઓફ ઇન્ડિયા’ના નામે ઓળખાય છે. અબ્દુલે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ભારતમાં પ્રથમ ટ્રી એમ્બ્યુલન્સ લોન્ચ કરી છે. આ એમ્બ્યુલન્સની મદદથી વૃક્ષોની સાર-સંભાળ વધારે સારી રીતે થઈ શકશે. આ એમ્બ્યુલન્સ પાછળનો હેતુ એટલો જ છે કે, કોઈ પણ પરિસ્થિતિમાં વૃક્ષોની સાર-સંભાળ રાખવી. આજકાલ લોકો વૃક્ષો વાવી તો દે છે, પણ તેનું જતન કરવાનું ભૂલી જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને એમ્યુલન્સનો આઈડિયા અબ્દુલને આવ્યો હતો. અબ્દુલને દેશના પીએમ મોદી તરફથી અવોર્ડ પણ મળી ચૂક્યો છે.

આધુનિકરણને લીધે દેશભરમાં આજે વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. રોજના જેટલાં વૃક્ષો કપાય છે, તેટલા સામે રોપતાં નથી. અબ્દુલ આ પ્રોજેક્ટને વર્ષ 2020 સુધીમાં દેશભરનાં વિસ્તૃત કરવા માગે છે.

ટ્રી એમ્બ્યુલન્સ

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત દરમિયાન અબ્દુલે કહ્યું કે, હાલ ટ્રી એમ્બ્યુલન્સ માત્ર તમિલનાડુ રાજ્યમાં જ શરુ કરવામાં આવી છે. બે મહિનાની અંદર દિલ્હીમાં પણ આ પ્રોજેક્ટ ચાલુ કરી દેવામાં આવશે. ત્યારબાદ ધીમે-ધીમે અમે દેશભરમાં ટ્રી એમ્યુલન્સ શરુ થાય તેવા પ્રયત્નો કરીશું. આ એમ્બ્યુલન્સ સ્કૂલ અને કોલેજમાં જઈને વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્ત્વ સમજાવશે અને તેનું જતન કરતા પણ શીખવાડશે.

વાવાઝોડાંને લીધે નુકસાન

વર્ષ 2016 અને 2018માં તામિલનાડુમાં આવેલા ભયાનક વાવાઝોડાંને લીધે રાજ્યની હરિયાળીને ઘણું નુકસાન થયું હતું. લાખો વૃક્ષો જમીનદોસ્ત બન્યાં અને અમુક અધમૂઈ હાલતમાં છે. સૂકાઈ ગયેલાં વૃક્ષોને ખાતર અને પાણી આપીને ટ્રી એમ્બ્યુલન્સ ફરીવાર તેને જીવિત કરશે.

સર્વિસ

ટ્રી એમ્બ્યુલન્સ વૃક્ષોની પ્રાથમિક સારવાર, બિયારણ બેન્ક, વૃક્ષોને એક સ્થળ પરથી બીજા સ્થળ પર ખસેડવા અને છોડની વહેંચણી જેવી સર્વિસ આપશે. દેશને હરિયાળો બનાવવા માટે ટ્રી એમ્બ્યુલન્સ મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેવું લોકોનું માનવું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો