અમદાવાદ એરપોર્ટ પર સાથે નોકરી કરતાં ખાસ મિત્રએ ગદ્દારી કરી વ્યાજના રૂપિયા ન ચૂકવતાં વ્યાજનાં વિષ ચક્રમાં ફસાયેલા આધેડે આત્મહત્યા કરી છે. આધેડે સ્યુસાઇડ નોટ લખીને સોમવારે ગાંધીનગરની સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી મોત વ્હાલું કરી લીધું છે. ખાસ મિત્રની ગદ્દારીથી આઘાતમાં સરી પડેલા બીજા મિત્રએ આપઘાત કરી લેતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ત્યારે મૃતકના પુત્રએ વ્યાજખોરોને કડકમાં કડક સજા અપાવવા માટે ગાંધીનગર પોલીસની મદદ માંગી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અમદાવાદના કોતરપુર નંદીપાર્ક સોસાયટીમાં રહેતાં 45 વર્ષીય મહેશભાઈ માનસિંગ ડાંગીનાં પરિવારમાં પત્ની ભાવનાબેન, પુત્ર રૂપેશ, જયન તેમજ દીકરી અંજલિ છે. જેમનો પરણિત પુત્ર રૂપેશ ટોલટેક્ષ પર નોકરી કરે છે. જ્યારે મહેશભાઈ ત્રણ વર્ષ અગાઉ અમદાવાદ એરપોર્ટ પર લોડર તરીકે નોકરી કરતાં હતાં. આ દરમિયાન સહ કર્મચારી સંજય રોહિતભાઈ છારા સાથે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ હતી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેશભાઈ ને રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં ખાસ મિત્ર સંજયને વાત કરી હતી. આથી સંજયે તેની સાળી કવિતા (રહે. સંતોષીનગર, કુબેરનગર) ને કહીને મૂકેશભાઈને રૂ. 70 હજાર ટુકડે ટુકડે વ્યાજે અપાવ્યા હતા. જેમાં સાક્ષી તરીકે સંજય પોતે રહ્યો હતો.
મહેશભાઈ દર મહિને વ્યાજની રકમ કવિતા સુધી પહોંચતી કરવા માટે તેના જીજાજી સંજય છારાને આપતાં રહેતા હતા. બાદમાં આઈડીએફસી બેંકમાંથી લોન લઈને તમામ રૂપિયા સંજયને ચૂકવી દીધા હતા. આ રૂપિયા સંજયે વાપરી નાખી પોતાની સાળી કવિતાને આપ્યા ન હતા. આથી કવિતા અને તેનો દીકરો ઉર્વીશ વારંવાર વ્યાજનાં રૂપિયાની ઉઘરાણી કરતા રહેતા હતા. જે પૈસા બાબતે પૂછતાં સંજયે પણ કોઈ રૂપિયા મને આપ્યા નથી તેવું કહી હાથ અધ્ધર કરી લીધા હતા.
મિત્રએ ગદ્દારી કરતાં મહેશભાઈ આઘાતમાં સરી પડ્યા
ખાસ મિત્ર પર આંધળો વિશ્વાસ મૂકીને વ્યાજ-મૂડીની રકમ આપે રાખી તેણે જ ગદ્દારી કરી દગો આપતાં મહેશભાઈ આઘાતમાં સરી પડ્યા હતા. બીજી તરફ કવિતા રૂપિયા બાબતે જબરજસ્તી ઘરે આવીને બે કોરા ચેક, આધાર કાર્ડ, પાસપોર્ટ ફોટા લઈને પ્રોમેંસરી નોટ લખાવી ગઈ હતી. આમ 21મી ડિસેમ્બર 2020થી મૂકેશભાઈ રેગ્યુલર કવિતાને વ્યાજ ચુકવતા હતા. તેમ છતાં તેનો પુત્ર ઉર્વીશ દસ માણસો સાથે એક દિવસ ઘરે ગયો હતો.
પરિવારજનો ઘરે હાજર હોવાથી મહેશભાઈ તેને બહાર મળ્યા હતા. ત્યારે ઉર્વીશે કહેલું કે, મને વિશ્વાસ નથી એટલે રૂપિયા માટે ફરી લખાણ કરવું પડશે. જી વોર્ડ ખાતે ભુપેન્દ્રભાઈ નોટરી કરે છે જઈને સહી કરી આવજો તેવી ધાક ધમકી આપી હતી. આખરે મિત્રની દગાખોરી અને વ્યાજખોરોનાં ત્રાસથી મહેશભાઈ હારી ગયા હતા અને આપઘાત કરવાનો નિર્ધાર કરી ચૂક્યા હતા. 22મી નવેમ્બરનાં રોજ સુસાઇડ નોટમાં ઉક્ત બાબતોનો ઉલ્લેખ કરી ઘરેથી સવારે નીકળી ગયા હતા.
આ પહેલા તેમણે સ્યુસાઇડ નોટનો ફોટો પાડી મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને ઘરના લોકરમાં મૂકી દીધો હતો. મોડી રાત સુધી મહેશભાઈ ઘરે પરત ન ફરતા તેમના પુત્ર રૂપેશ સહિતના સગાં વ્હાલાએ શોધખોળ આદરી હતી. ઘણા ફોન કર્યા પણ તેમનો ફોન સતત બંધ આવતો હતો. આખરે થાકીને રૂપેશે ઓળખીતા પોલીસ વાળા ભાઇને પિતા ગુમ થયાની વાત કરી ગુમ થયાની ફરિયાદ માટેની સલાહ લીધી હતી. જેમની સલાહ મુજબ રૂપેશે 23મી નવેમ્બરે લોકર ખોલ્યું હતું. જ્યાં પિતાનો મોબાઇલ પડ્યો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
બાદમાં તેણે ફોન સ્વીચ ઓન કરીને છેલ્લે કોની કોની સાથે પિતાએ વાત કરેલી તે જોયું હતું. જેમાં વ્યાજખોર ઉર્વીશ છારા, આઈડીએફસી બેંક તેમજ તેની બહેન અંજલિ સાથે વાત થઇ હોવાનું જાણવા મળ્યું હતું. તે પછી ફોનની ગેલેરી ખોલતાં જ પિતાએ લખેલી સુસાઇડ મળી આવી હતી. આથી સ્થિતિ પારખી ગયેલા રૂપેશ સગાને લઇને સરદાર નગર પોલીસ મથકે પહોંચ્યો હતો. એજ સમયે ઉર્વીશનો વ્યાજ માટે ફોન આવ્યો હતો. જેની સાથે રૂપેશે પિતા બાબતે પૂછપરછ કરી હતી, પરંતુ તેણે ફોન મૂકી દીધો હતો. જ્યાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી બધા મહેશભાઇ ને શોધવા નીકળી પડ્યા હતા.
આ દરમિયાન રૂપેશને રસ્તામાં તેનો મિત્ર રવિ જે પણ ટોલ ટેક્ષ પર નોકરી કરે છે એ મળ્યો હતો. જેણે કહેલું કે, તારા પિતાને ગઈકાલે અગિયાર વાગ્યા પછી ભાટ ટોલ ટેક્ષ તરફ જતા જોયા હતા. આથી રૂપેશ ટોલ ટેક્ષના મેનેજરને મળ્યો હતો અને તેના કાકા જગદીશભાઈ સીસીટીવી કેમેરા જોવા બેસી ગયા હતા. રૂપેશ પિતાને શોધવા માટે સાબરમતી બ્રિજ પર પહોંચ્યો હતો. જ્યાંથી તેણે નદીમાં આમતેમ નજર ફેરવવાની શરૂઆત કરતાં જ કિનારે લાશ તરતી જોઈને સમસમી ગયો હતો. ત્યારે નદીથી નીચે ઊતરવાનો રસ્તો નહીં મળતા અન્ય લોકોની મદદ મેળવી તે લાશ પાસે પહોંચ્યો હતો. ત્યારે હાથનું કડુ અને કપડાં પરથી તેણે પોતાના પિતાને ઓળખી લીધા હતા.
બાદમાં પરિવારજનો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ અંગે કંટ્રોલ રૂમમાં ફોન કરતાં અડાલજ પોલીસ પહોંચી હતી. પરંતુ પોતાની હદ આવતી ન હોવાથી ત્યાંથી રવાના થઇ ગઈ હતી. ત્યારપછી ઈન્ફોસિટી પોલીસ પહોંચી હતી અને મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી મહેશભાઈ ની લાશ પરિવારજનોને સોંપી તેમનો મોબાઈલ ફોન કબ્જે લઈ બે દિવસ પછી પોલીસ ઘરે આવશે તેમ કહી નીકળી ગઈ હતી. ત્યારે પિતાને આપઘાત કરવા માટે મજબૂર કરનાર સંજય છારા તેની સાળી કવિતા અને કવિતાનો પુત્ર ઉર્વીશ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માટે રૂપેશ હાલમાં તૈયારીઓ કરી રહ્યો છે.
આપઘાત કરનાર મહેશભાઈ અગાઉથી જાણતા હતા કે, નદીમાં પડશે તો સ્યુસાઇડ નોટ પાણીમાં પલળીને ફોગાઇ જશે. એટલે અગાઉથી જ તેનો ફોટો પાડીને મોબાઇલ ફોન ઘરે લોકરમાં સ્વીચ ઓફ કરીને મૂકી દીધો હતો. જે સુસાઇડ નોટ પોલીસને તેમના પેન્ટનાં ચોર ખિસ્સામાંથી મળી આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..