વડોદરામાં સ્કુલવાનના ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા તો ટ્રાફિક પોલીસે ટીમ બનાવીને બાળકોને પહોંચાડ્યાં સ્કૂલે

કોમર્શિયલ પાસિંગ કરવાની આર.ટી.ઓ. દ્વારા પાડવામાં આવેલી ફરજના વિરોધમાં સ્કૂલવાન-સ્કૂલ ઓટો એસોસિએશન દ્વારા આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરી જતાં આજે શહેર પોલીસ તંત્ર દ્વારા 250 બાળકોને પોલીસ વ્હિકલોમાં સ્કૂલે પહોંચતા કરવામાં આવ્યા હતા. આ સાથે વાલીઓને પોતાના બાળકોને સ્કૂલ મુકવા અને લેવા જવાની ફરજ પડી હતી.

46 મોટર સાઇકલ, 21 પી.સી.આર. વાન અને 9 સરકારી બોલેરો વાન દ્વારા વિદ્યાર્થીઓને તેઓની સ્કૂલોમાં સલામત પહોંચાડવામાં આવ્યા

ટ્રાફિક પોલીસ બાળકોને મૂકવા જવા માટે વાલીઓની મદદે

સ્કૂલવાન-સ્કૂલ ઓટોના ચાલકોની હડતાળને પગલે શહેર ટ્રાફિક પોલીસ બાળકોને મૂકવા જવા માટે વાલીઓની મદદે આવ્યું હતું. એ.સી.પી. ટ્રાફિકે જણાવ્યું હતું કે, શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા બાળકોને મૂકવા જવા માટે 52 ટીમો બનાવી 46 મોટર સાઇકલ, 21 પી.સી.આર. વાન અને 9 સરકારી બોલેરો વાન દ્વારા વિવિધ વિસ્તારોમાંથી 250 વિદ્યાર્થીઓને તેઓની સ્કૂલોમાં સલામત પહોંચાડવામાં આવ્યા હતા.

સ્કૂલ પહોંચવાના સમયમાં છૂટછાટ અપાઈ

બાળકોને સ્કૂલે મૂકવા જતાં વાલીઓને સમજાવીને પોલીસ જવાનોએ બાળકો પોતાના વ્હિકલમાં બેસાડીને સ્કૂલે મૂકવા જતાં, વાલીઓ પણ પોલીસની કામગીરી જોઇને ખુશ થઇ ગયા હતા. સ્કૂલવાન અને સ્કૂલ ઓટોની હડતાળ હોવાથી સ્કૂલોના સંચાલકો દ્વારા પણ બાળકોના સ્કૂલ પહોંચવાના સમયમાં છૂટછાટ આપવામાં આવી હતી.

સ્કૂલવાન-સ્કૂલ ઓટો એસોસિએશન લડાયક મૂડમાં

અમદાવાદમાં સ્કૂલવાનમાંથી બાળકો પડી જવાની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. આ ઘટના બાદ હવે આર.ટી.ઓ. વિભાગે સ્કૂલવાન અને સ્કૂલ ઓટોને ફરજિયાત કોમર્શિયલ પાસિંગ કરાવવા માટે જણાવ્યું છે. અગાઉ પણ અનેક વખત સ્કૂલવાન ચાલકો અને સ્કૂલ ઓટોને સૂચનાઓ આપેલી છે. પરંતુ, તેનો અમલ થતો ન હતો. અમદાવાદની ઘટના બાદ આર.ટી.ઓ.એ પોલીસ તંત્રની મદદ લઇ કડક કાર્યવાહી કરતા સ્કૂલવાન-સ્કૂલ ઓટો એસોસિએશન પણ લડાયક મૂડમાં આવી ગયું છે.

તમામ સ્કૂલના આચાર્યોની બેઠક બોલાવી

સ્કૂલવાન-સ્કૂલ ઓટો એસોસિએશનને ઘૂંટણીએ પાડવા માટે ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા બપોરે તમામ સ્કૂલના આચાર્યોની બેઠક બોલાવી છે. જેમાં બાળકોની સલામતી માટે સ્કૂલવાન અને સ્કૂલ ઓટોને કોમર્શિયલ પાસિંગ માટે ફરજ પાડવા માટે સ્કૂલ આચાર્યોને કડક વલણ અપનાવવા માટે સૂચના આપવામાં આવશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો