રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કે નિયંત્રણ રાખવાના નામે સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ ટ્રાફિક દંડ મેમો ફટકારવામાં કરે છે. અનેક વાહનચાલકો આવા નિયમોથી હેરાન-પરેશાન છે. વકીલોએ પણ આ મેમો સામે ઝુંબેશ છેડી હતી. ત્યારે મેમોથી કંટાળેલા એક ગાંધીગ્રામ વિસ્તારના વાહનચાલક પરેશભાઇ રાઠોડે તો મારી પાસે ટ્રાફિક મેમોની દંડની રકમ ભરવાના પૈસા નથી, મને કિડની વેચવાની મંજૂરી આપો કહી પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરતાં પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે. પરેશભાઇએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રડતાં રડતાં જણાવ્યું હતું કે હવે મને હેરાન કરશો તો હું આત્મવિલોપન કરી લઈશ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ કૌભાંડ દબાવવામાં પોલીસ ડિપાર્ટમેન્ટનો મહત્ત્વનો ફાળો
પરેશ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે અનોખો વિરોધ એટલે કર્યો છે કે સરકારમાં કરોડો રૂપિયાના ઘપલા થતા હોય ત્યારે અધિકારીઓ તેમને છાવરી લેતા હોય છે. સામાન્ય માણસ પોતાનો જીવનનિર્વાહ માંડ માંડ ચલાવતો હોય ત્યારે તેને ધમકી આપી દંડની રકમ પરાણે વસૂલાય છે, આ નીતિ તો ન ચાલે ને. કિડની વેચવાનું એક જ કારણ છે કે મારા હાથ પર પૈસા નથી અને બચત રાખી હતી બેન્ક-મેનેજરે મારી જાણબહાર એ રકમ વીમામાં નાખી દીધી હતી. મારા હાથ પર રકમ ન હોવાથી કિડની વેચી દંડની રકમ, વીજબીલ અને મારાં સંતાનોની સ્કૂલની ફી ભરવાની છે. મેં રજૂઆત પોલીસ કમિશનરને કરી છે, કારણ કે આ કૌભાંડ દબાવવામાં પોલીસ ડિપાર્ટમેન્ટનો મહત્ત્વનો ફાળો હતો અને યોગ્ય તપાસ કરી નથી. આ નકલ મેં ગુજરાત હાઈકોર્ટ, મુખ્યમંત્રી, નાણામંત્રી અને ગૃહમંત્રીને મોકલી છે.
ગાંધીગ્રામ ભારતીનગર-1માં રહેતા અને ગ્રાફિક ડિઝાઈનિંગનો વ્યવસાય કરતા પરેશ મનસુખભાઈ રાઠોડ નામના આધેડે પોલીસ કમિશનરને સંબોધીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પોતાની પાસે ટૂ-વ્હીલર છે, એ તેના પત્નીના નામે છે. બે દિવસ પહેલાં 15 ઓક્ટોબરના રોજ બે ટ્રાફિક-પોલીસમેન મારા ઘરે આવ્યા હતા અને 2018ની સાલમાં આવેલા ટ્રાફિક મેમોની બાકીની રકમ ઉઘરાણી માટે આવ્યા છીએ, કહી આ રકમ ટ્રાફિક શાખાની રૂડા પાસેની કચેરીએ ભરી દેજો, જેથી કરીને તમારું બાઈક ડિટેઇન કરવું ન પડે.
વીજ કંપનીએ પણ બિલથી વધુ રકમ માગી ધમકી આપ્યાનો આક્ષેપ
વાહન ડિટેઇન થશે તો ધંધા-રોજગાર અને ઘરના વ્યવહારોને પણ અસર પડશે. પરેશભાઇએ ટ્રાફિક મેમો બાબતે રજૂઆતમાં જણાવ્યા મુજબ, મારે નિમાણા થઈને કહેવું પડે છે કે હાલ દિવાળીના તહેવારો છે. ધંધામાં દૈનિક ખર્ચાઓ માંડ નીકળી રહ્યા છે. દંડની રકમ ભરવા માટે હાલ સક્ષમ નથી. જો વાહન ડિટેઈન કરવામાં આવે તો ધંધા-રોજગાર અને ઘરના વ્યવહારોને પણ અસર પડે એમ છે. આમ છતાં જો પોલીસ દંડ માટે આગ્રહ રાખશે તો નાછૂટકે પોતે પોતાની કિડની વેચવા માટે મજબૂર બનશે. આ ઉપરાંત તેણે વીજ કંપની સામે પણ બિલથી વધુ રકમ માગીને ધમકી આપ્યા સહિતના અને બેન્ક સામે પણ આક્ષેપો કર્યા છે. જોકે હાલ તો ટ્રાફિક મેમો ભરવા માટે કિડની વેચવાની માગેલી મંજૂરીએ પોલીસમાં પણ ચર્ચા જગાવી છે.
અનેકવાર અપમાનિત થયા પછી મને મારું જીવન વ્યર્થ લાગે છે
લેખિત રજૂઆતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનેકવાર અપમાનિત થયા પછી મને મારું જીવન વ્યર્થ લાગે છે, પરંતુ મારા કુટુંબના સભ્યો મારા ભરોસે છે અને હું એકમાત્ર તેનો આશરો છું. તો હાલના સંજોગોમાં મારે ટ્રાફિકના દંડના પૈસા ભરવા માટે, બાકી રહેલું વીજબિલ ભરવા માટે અને મારી પુત્રીના અભ્યાસના ખર્ચના નિભાવ માટે બીજો કોઈ રસ્તો નથી, આથી મને મારા શરીરનું એક મહત્ત્વનું અંગ, જે કિડની છે એ વેચવાની મંજૂરી આપવામાં આવે.
આવા કાર્ય બદલ મારે અત્યારે મજાકને પાત્ર બનવું પડે છે
જો તમે તપાસ કરી અને ન્યાય અપાવીને સન્માનપૂર્વક જીવાડવા માગતા હો તો પહેલા મને જવાબદાર અધિકારીની લેખિતમાં ખાતરી અપાવશો. આ સિવાય એક વાત વધુ કે હું હજી એક જવાબદાર નાગરિક તરીકે મારી જાતને જોઉં છું. યોગ્ય તપાસ અને સુરક્ષાની લેખિત ખાતરી આપી શકતા હો તો હું જાણકારી આપવા તૈયાર છું. આશા રાખું છું કે તો સામાન્ય નાગરિકની ભાવનાને આપ સમજી શકો, આથી આવા કાર્ય બદલ મારે અત્યારે મજાકને પાત્ર બનવું પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..