પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાન તિલક રાજની પત્ની સાવિત્રીએ દુલ્હન બનીને પતિને અંતિમ વિદાય આપી હતી. સાવિત્રીની આંખોમાંથી આંસુ સુકાતા નથી. આ ગમગીન માહોલ જોઈને દરેકની આંખોમાં પાણી આવી ગયા હતાં. આ સાથે જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવો આક્રોશ પણ હતો.
કેમ દુલ્હન બનીને આપી વિદાયઃ
ઈતિહાસકાર પ્રેમ સાગરે કહ્યું હતું કે પતિ-પત્ની જ્યારે લગ્ન કરે છે, ત્યારે એક વિધિ આ પણ હોય છે. આ વિધિમાં પત્ની કહે છે કે હું હંમેશા અખંડ સૌભાગ્યવતી રહીશ. પ્રેમ સાગરે કહ્યું હતું કે તેનો અર્થ એવો છે કે પતિ કરતાં તે પહેલાં આ દુનિયામાંથી વિદાય લશે. જો આમ ના થાય તો એટલે કે પતિનું પહેલાં મૃત્યુ થાય તો પત્ની એ જ કપડાંમાં જે તેણે લગ્ન વખતે પહેર્યાં હતાં, તે પહેરીને પતિને અંતિમ વિદાય આપે છે. શહીદ તિલક રાજની પત્ની સાવિત્રીએ પણ આ પરંપરાનું પાલન કર્યું હતું. હિમાચલ પ્રદેશના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના રિસર્ચર અતુલ કુમારે કહ્યું હતું કે આ પરંપરા ઘણાં સમયથી ચાલતી આવે છે, જે લોકો ખાસ કરીને ગામડેથી આવે છે, તેઓ પરંપરા નિભાવે છે. આપણા સમાજમાં આ લગ્નની જ એક વિધિ છે, જેને હિમાચલના લોકો જીવનના અંતિમ ક્ષણ સુધી નિભાવે છે. ગમગીન માહોલ વચ્ચે શહીદ તિલક રાજનો અઢી વર્ષના પુત્ર વરૂણ પોતાના 22 દિવસના નાનકડાં ભાઈને ચુપ કરાવતો જોવા મળ્યો હતો. ઘરમાં બીજા રૂમમાં શહીદના પિતાએ કોફીન ખોલીને અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ રાખ્યો હતો. અઢી વર્ષીય વરૂણ વારંવાર કોફીન જોવાની જીદ કરતો હતો.
મેઈન ગેટથી ના નીકળી શકી અંતિમ યાત્રાઃ
પરિવારના સભ્યો વરૂણને માતા તથા નાના ભાઈ પાસે લાવ્યા હતાં. નાનો ભાઈ રડતો હતો અને વરૂણે નાનકડાં ભાઈને છાનો રાખ્યો હતો. શહીદના અંતિમ દર્શન માટે એટલી ભીડ ઉમટી હતી કે અંતિમ યાત્રા મુખ્ય ગેટ પરથી નીકળી શકી નહીં. ઘરના આંગણાથી રસ્તા સુધી ભીડ જોઈને પાર્થિવ દેહને ઘરના પાછળના દરવાજેથી ખેતરના રસ્તે લઈ જવામાં આવ્યો હતો.
જુઓ, શહીદની અંતિમ યાત્રા….