યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન મુજબ 1990થી અત્યાર સુધીમાં સાઉથ આફ્રિકા દેશની સાઈઝ જેટલા જંગલોનો નાશ થયો છે. પનામા દેશના વિસ્તાર જેટલા જંગલો દર વર્ષે ખતમ થઈ રહ્યા છે. એવામાં ખતમ થઈ રહેલા જંગલોને બચાવવા માટે બ્રાઝિલિયન ફોટોગ્રાફર સેબેસ્ટિયાઓ સાલગાડો અને તેમની પત્ની લેલી ડેલ્યુઝ વેનકીક સાલગાડોએ સમગ્ર દુનિયાને બતાવ્યું કે કેવી રીતે મનમાં ધગશ હોય તો બે લોકો પણ ધરતીને ફરીથી લીલીછમ બનાવી શકે છે. સતત 20 વર્ષ સુધી તેમણે કરેલા પ્રયાસોથી એક સમયે ઉજ્જડ દેખાતી જમીન આજે ફરીથી ગાઢ જંગલ જેવી બની ગઈ છે.
કેવી રીતે આવ્યો વિચાર?
સેબેસ્ટિયાઓ સાલગાડો એક ફોટો જર્નાલિસ્ટ છે અને તેઓ ઘણા એવોર્ડ જીતવા ઉપરાંત 6થી વધારે પુસ્તકો પબ્લિશ કરી ચૂક્યા છે. વર્ષ 1990માં તેઓ ડોક્યુમેન્ટેશન કરતા સમયે પોતાના વિસ્તાર રવાન્ડન જેનોસાઈડની સ્થિતિ જોઈને આઘાતમાં પડી ગયા. એક સમયે ઉષ્ણકટિબંધિય વરસાદના જંગલ તરીકે ઓળખાતા બ્રાઝિલમાં તેઓ પાછા આવ્યા. આ વિસ્તારની જમીન એકદમ ઉજ્જડ થઈ ગઈ હતી. જે બાદ તેમની પત્નીને જંગલ ફરીથી જીવંત કરવાનો વિચાર આવ્યો.
ઉજ્જડ જમીન બનાવી દીધી લીલીછમ
આ વિશે ધ ગાર્ડિયન સાથે વાત કરતા સેબેસ્ટિયાઓએ કહ્યું હતું કે, મારી જેમ આ જમીન પણ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ હતી. જમીનનો માત્ર 0.5 ટકા વિસ્તાર જ વૃક્ષોથી ઘેરાયેલો હતો. આ જોઈને મારી પત્નીને ફરીથી જંગલને જીવતું કરવાનો વિચાર આવ્યો અને જ્યારે અમે આ કરવાનું શરૂ કર્યું તો બધા જ પક્ષીઓ, જીવજંતુઓ, માછલી અહીં પાછા આવવા લાગ્યા. આ ખૂબ જ મહત્વપૂર્ણ પળ હતા. તેઓ આગળ કહે છે, કોર્બન ડાયોક્સાઈડને ઓક્સિજનમાં માત્ર વૃક્ષો જ ફેરવી શકે છે. અમારે જંગલને ફરીથી જીવંત કરવાની જરૂર હતી. આ માટે તમારે સ્થાનિક વૃક્ષો જોઈએ, અને તેમને પ્લાન્ટ કરવા માટે તમારે તે જ વિસ્તારમાંથી બીજ એકઠા કરવા જોઈએ. જો તમે સ્થાનિક જંગલમાં ન થાય તેવા વૃક્ષો વાવશો તો પ્રાણીઓ પણ ત્યાં નહીં આવે અને જંગલ શાંત થઈ જશે.
પ્રાણી-પક્ષીઓ પાછા આવ્યા
આ પતિ-પત્ની સાથે મળીને ઈન્સ્ટીટ્યૂટો ટેરા નામથી એક એનજીઓ બનાવ્યું છે જેણે અત્યાર સુધીમાં 40 લાખથી વધારે વૃક્ષો રોપીને જંગલને ફરી સજીવન કર્યા છે. છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલા તેમના પ્રયાસોને પગલે આ વિસ્તારમાં વન્યજીવન પાછું આવી ગયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ જંગલમાં પક્ષીઓની 173 જેટલી પ્રજાતિઓ, તથા 33 જેટલા પ્રાણીઓ ઉપરાંત 293 વૃક્ષો અને 15 જેટલા સરીસૃપ પ્રાણીઓની પ્રજાતિ હાલમાં વસવાટ કરે છે. તેમના પ્રયાસો સમગ્ર દુનિયાને પ્રેરિત કરે એવા છે.
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટીટ્યૂટોટેર