કોરોનાના કારણે મોતને ભેટનાર વૃદ્ધના 1 મિનિટના સંપર્કમાં આવેલા ડાયમંડ વર્કરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં 14 દિવસ સારવાર આપી સાજો કરી રજા આપવામાં આવી હતી. ડાયમંડ વર્કરે જણાવ્યું હતું કે, સરકાર અને નિયમોને ફોલો કરો. સિવિલ હોસ્પિટલના તબીબોની સારવારથી હું સ્વસ્થ થયો છું. હું જીતી ગયો અને કોરોના હારી ગયો.
મૃતકના એક મિનિટના સંપર્કમાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ગુજરાત અને સુરતમાં કોરોનાના કારણે મહાવીર હોસ્પિટલમાં વૃદ્ધનું પહેલું મોત થયું હતું. આ વૃદ્ધના 14 દિવસ પહેલા એક મિનિટના સંપર્કમાં મજૂરા ગેટ વિસ્તારમાં આવેલા કૈલાશ નગરમાં રહેતો 45 વર્ષીય ડાયમંડ વર્કર કુમારપાલ શાહ આવ્યો હતો. જેથી તેને તેના મિત્ર કલ્પેશ મહેતાએ સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ માટે હિંમત આપી મોકલ્યો હતો. જેથી કુમારપાલ પત્ની અને બે સંતાનોને મળવા પણ ન ગયો અને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા છેલ્લા 14 દિવસથી સારવાર કરવામાં આવી રહી હતી. દરમિયાન તેમની પત્ની અને બે સંતાનોને પણ ક્વોરન્ટીનમાં ખસેડવામાં આવ્યા હતા. કુમારપાલના છેલ્લા બે રિપોર્ટ નેગેટિવ આવતા આજે રજા આપવામાં આવી છે.
માનસિક શક્તિ પણ મજબૂત થઈ
કુમારપાલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોએ 14 દિવસ સારવાર કરી છે. સારવારથી જ હું આજે ફરી ઉભો થઈ શક્યો છું. મારી માનસિક શક્તિ પણ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે. લોકોને સંદેશો આપવા માગું છે કે, આપણી સરકારને ફોલો કરે, નિયમને ફોલો કરે. અટલે જ હું સમજુ છું કે, હું જીતી ગયો કોરોના હારી ગયો.
ખુદ કોરોનાનો રિપોર્ટ કરાવવા પહોંચ્યા હતા
કુમારપાલે વધુમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર કલ્પેશભાઈના કારણે જ હું સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. મહાવીર હોસ્પિટલમાં પોઝિટિવ અને મૃતક વૃદ્ધના એક મિનિટના સંપર્કમાં આવ્યો હતો. જેથી કલ્પેશભાઈએ હિંમત આપતા હું ખુદ સિવિલ હોસ્પિટલ પહોંચી રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. કલ્પેશ રોજ મને ફોન કરી હિંમત આપતા હતા.
પત્ની બે સંતાનોને પણ રજા આપવાની શક્યતા
કુમારપાલે વધુમાં જણાવ્યું હતું કે, મારી પત્ની અને બે સંતાનો પણ નવી સિવિલ હોસ્પિટલના ક્વોરન્ટીન છે. તેમને પણ હાલ કોઈ તકલીફ નથી. મને રજા મળી ગઈ છે સાંજ સુધીમાં તેમને પણ રજા મળી જાય તેવી શક્યતા રહેલી છે. સિવિલ હોસ્પિટલમાંથી મારી રજા અંગે સગા સંબંધીઓને જાણ કરવામાં આવી હતી. સગા સંબંધીઓએ આ દરમિયાન ખૂબ જ મદદ કરી હતી. માનસિક સાથ આપ્યો. તેમણે ગરમ પાણી માટે ઈલેક્ટ્રીક સગડી પણ આપી હતી.
હસતા મુખે ઘરે રવાના
કોરોનાને હરાવવામાં સિવિલ હોસ્પિટલના તબીબો ફરી એકવાર સફળ થયા છે. 45 વર્ષીય કુમારપાલ સાજા થઈને હસતા મુખે સિવિલ હોસ્પિટલમાંથી બહાર આવ્યા હતા. કુમારપાલે સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર પણ માન્યો હતો અને તેમના કારણે તે સાજા થયા હોવાનું જણાવ્યું હતું.
રિકવર થનાર પહેલો દર્દી
લંડનથી આવેલી સુરતની 21 વર્ષની યુવતી સ્વસ્થ થઈ ગત રવિવારે રાત્રે પાર્લેપોઇન્ટ સ્થિત પોતાના ઘરે આવી હતી. 10 દિવસ સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી. દરમિયાન બે રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી.
રિકવર થનાર બીજો દર્દી
ઘોડદોડ રોડના કરીમાબાદ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવક શ્રીલંકાથી દુબઇ થઈ 15મીએ સુરત આવ્યો હતો. 19મીએ સિવિલમાં દાખલ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર બાદ રિકવરી આવતા 24 કલાકમાં બે વખત સેમ્પલ લઈ તપાસ કરાતા બંને રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જેથી ગત રોજ રજા અપાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..