છેતરપિંડીઓની ઘટનાઓ વચ્ચે પ્રમાણિકતાની મિશાલને પ્રજ્વલિત રાખતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડાકોરના NRI યુવાનની રસ્તામાં પડી ગયેલી બેગ ટેમ્પો ચાલકે ડેબિટ કાર્ડની મદદથી પહોચતી કરી હતી. આ બેગમાં 40 હજાર રોકડ રકમ અને અગત્યના દસ્તાવેજો હતા. યુવાને 20 હજાર રૂપિયા ઇનામ રૂપે આપ્યા હતા. પરંતુ ટેમ્પો ચાલકે તે રૂપિયા લેવાની પણ ના પાડી દીધી હતી.
બેગ પડી ગયા બાદ શોધખોળ કરી પણ ન મળી
અમેરિકાથી 20 દિવસ પહેલા જ ડાકોર આવેલા નમન રાયે જણાવ્યું હતું કે, સોમવારે સવારે હું મારા ભાઇની બાઇક લઇને ડાકોરથી વડોદરા આવવા માટે નિકળ્યો હતો. મારા ડોક્યુમેન્ટસ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને રોકડા 40 હજાર રૂપિયા સહિત અન્ય સામાન ભરેલી બેગ મેં બાઇકની પાછળ બાંધેલી હતી. 11 વાગ્યાની આસપાસ હું વાસદ ટોલનાકા ઉપર પહોંચ્યો હતો. ટોલનાકાથી 11 કિ.મી આગળ ગયા પછી અચાનક મારૂ ધ્યાન પાછળ પડ્યું, તો મારી બેગ જોવા મળી ન હતી. જેથી બેગ શોધવા માટે પાછો ટોલનાકા તરફ ગયો અને શોધખોળ કરી પરંતુ બેગ ના મળી. મેં આશા છોડી દીધી કે, મને મારી બેગ અને તેમા મૂકેલા ડોક્યૂમેન્ટસ તેમજ રોકડા 40 હજાર રૂપિયા પાછા મળશે, રૂપિયા કોઇ જરૂરીયાતમંદને મળે તો સારૂ એવુ વિચારીને હું વડોદરા મારા ભાઇના ઘરે આવી પહોંચ્યો હતો.
બેંકમાં પહોંચેલા NRI યુવાનને ટેમ્પો ચાલકે રૂપિયા પરત કર્યાં
નમન રાયે જણાવ્યું હતું કે,ઘરે પહોંચ્યા ના થોડા સમયમાં મને ડાકોર એચડીએફસી બેન્કમાંથી ફોન આવ્યો કે, તમારા કોઇ ડોક્યુમેન્ટ્સ ખોવાયા છે, એટલે મેં કહ્યું હા, બેન્ક મેનેજરે કહ્યું એક ભાઇ આણંદ છે, જે તમારૂ ખોવાયેલી બેગ પાછી આપવા માટે આવ્યા છે. જેથી હું મારા ભાઇ સાથે આણંદ સ્થિત એચડીએફસી બેન્કની મેઇન બ્રાન્ચમાં પહોચ્યાં હતા. ત્યારે મેનેજરે અમને એક દાઢી વાળા ભાઇ સાથે મળવ્યા અને કહ્યું: આ લો તમારી બેગ… બેગમાં તપાસ કરતા વોલેટમાં મૂકેલી એક નોટ આમથી તેમ થઇ નહતી.
હું મારો ટેમ્પો લઇને બેંકમાં આવ્યો અને મેનેજર સાહેબને મળ્યો
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે ભાઇએ મને મારી બેગ આપી તેમને મેં નામ પૂછતા પોતાનુ નામ યુનુસ રઝા જણાવ્યું હતું. જેથી મેં યુનુસભાઇને પુછ્યું કે, તમે કંઇ રીતે મને શોધ્યો ત્યારે તેમને કહ્યું, તમારી બેગ મને વાસદ ટોલનાકા પાસા મળી હતી. બેગ ખોલીને જોતા એમા તમારા ડોક્યુમેન્ટ્સ અને વિદેશી બેંકના ઘણા બધા કાર્ડ જોવા મળ્યાં તેમજ રોકડા રૂપિયા પણ હતા. કાર્ડની તપાસ કરતા એચડીએફસી બેન્કનુ એક કાર્ડ મળ્યું, જેથી હું મારો ટેમ્પો લઇને બેંકમાં આવ્યો અને મેનેજર સાહેબને મળ્યો હતો. મેનેજર સાહેબે તપાસ કરી તો તમારૂ ખાતુ ડાકોર બ્રાન્ચનું હોવાનુ જણાયુ એટલે ડાકોરથી તમને ફોન કરાવી તમારો સપર્ક કર્યો.
ભેટ રૂપે 20 હજાર આપ્યા પણ ટેમ્પો ચાલકે ન લીધા
ડોક્યુમેન્ટસ અને રોકડ રકમ સાથેની બેગ પરત મળતા જ મેં રોકડા 20 હજાર કાઢી ભેટ પેટે યુનુસભાઇને આપતા, તેઓએ કહ્યું ‘સાહેબ હું તો ભલાઇનુ કામ કરૂ છું, બસ કોઇ વ્યક્તિ દુઃખીના થવો જોઇએ, એ જ મારા જીવનનો ઉદ્દેશ્ય છે. ટેમ્પો ચલાવીને મારા પરિવારનુ ગુજરાન ચલાવી શકુ એટલુ કમાઇ લઇ છું, એટલે મારે આ રૂપિયા નથી જોઇતા.” અનેક વખત સમજાવ્યાં છતાં યુનુસભાઇએ રૂપિયા સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દઇ ત્યાંથી નિકળી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..