દરેક માતા-પિતાએ બાળકોને બાળપણમાં શીખવાડવી જોઈએ આ બાબતો, જેથી બાળકો જીવનમાં ક્યારેય પાછા નહીં પડે

શાળાઓમાં હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. હવે બાળકો આખો દિવસ વાલીઓ સાથે સમય પસાર કરી રહ્યા છે. આવા સંજોગોમાં શિક્ષણનું ભારણ નથી હોતું, ત્યારે બાળકોને વ્યવહારૂ જીવનનાં પાઠ શીખવવા માટેનો આ ઉત્તમ સમય છે. દરેક માતાપિતા પોતાના બાળકને જીવનમાં હંમેશાં સફળ થતું જોવા માગે છે. બાળકોને ભવિષ્યનાં પડકારો માટે તૈયાર કરવા માતા-પિતાનું કર્તવ્ય બને છે. જો તેમના કામ પ્રત્યે વધુ જવાબદાર બનાવવા હોય તો બાળકોને નાનપણથી ઘરની મનોરંજન પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવા જોઈએ. જેથી તેઓ તેમાંથી મહત્વપૂર્ણ કામ અને ઘરની જવાબદારીઓ વિશે સમજતા થશે. બાળકોને બાળપણમાં જ આવી રીતે કેળવવામાં આવે તો તેમનું ભવિષ્ય સોનેરી બની જાય છે. અહીં કેટલીક બાબતો જણાવી રહ્યાં છીએ જે બાળકોને બાળપણમાં શીખવાડવી જોઈએ.

બાળકો જીવનમાં ક્યારેય પાછા નહીં પડે

લગનથી કામ કરતાં શીખવાડવું

જો તમે ઇચ્છો છો કે તમારા બાળકને તેના જીવનમાં સફળ વ્યક્તિ બનાવવું છે, તો પછી તેને કઠોરતાથી કામ કરવા માટે કેળવો. કોઈપણ માણસ ફક્ત ત્યારે જ સફળ થઈ શકે છે જો તે સંપૂર્ણ સમર્પણ અને પ્રમાણિકતા સાથે કામ કરે છે. ફોર્માલિટી ખાતર કામ કરવાનું વલણ બાળકોને માત્ર નોકરીને લાયક બનાવશે. આવું કરવાથી બાળકમાં ખોટી ટેવ પણ જન્મશે. કોઈ કામને ક્યારેય પણ અધૂરા મનથી ન કરો. જો તમે તમારા બાળકોમાં બાળપણથી આ આદતો અપનાવશો તો તમારું બાળક જીંદગી ક્યારેય પાછું નહીં પડે.

બાળકોને ભવિષ્યનાં પડકારો માટે તૈયાર કરવા માતા-પિતાનું કર્તવ્ય બને છે. બાળકોને કૂટેવોથી દૂર રાખવા રોજિંદા નાની નાની બાબતોનું ધ્યાન રાખવું. ફોર્માલિટી ખાતર કામ કરવાનું વલણ બાળકોને માત્ર નોકરીને લાયક બનાવશે

સ્વચ્છતા જાળવતા શીખવાડો

ખરાબ વસ્તુઓ અને આદતો અંગે બાળકને હંમેશાં સમજાવવું જોઈએ. નકામી વસ્તુઓ જેમકે સામાનનાં રેપર્સ, કાગળનાં ટુકડા, ફળનાં બીજ અને છાલ, કચરો કચરાપેટીમાં નાંખવાની આદત પાડવી જોઈએ. સામાન્ય રીતે જોવા મળે છે કે, 2-3થી વર્ષની ઉંમરે કરતાં મોટા બાળક ઘરમાં કચરો વધુ કરતા હોય છે તેમને આ શિક્ષણ આપવું જોઈએ. બાળકોને આ વસ્તુઓને યોગ્ય સ્થળે ફેંકવા સાથે સાફ સુધરા રહેવા પ્રોત્સાહિત કરો. જેમ કે તેઓ કચરો ફેલાવતી કોઈ વ્યક્તિને જુએ છે પછી તેને ટકોર કરતા જાય.

જવાબદારી લેતાં શીખવવું

ઘરમાં રહેલા સામાનને બાળકો ઘણી વખત રમવા માટે ઉપયોગ કરે છે. સામાનને ઘરમાં ગમે ત્યાં લઈને ફરે છે. પછી ભૂલી જતા હોવાથી તે સામાનને સરળતાથી શોધવો મુશ્કેલ બની જાય છે. બાળકોને નાનપણથી જ એવી આદત પાડવી કે ઘરમાંથી લીધોલી કોઈપણ વસ્તુને યોગ્ય જગ્યાએ પરત મૂકવી. ખાસ કરીને બાળકો જ્યારે રમકડાં રમતા હોય ત્યારે છેલ્લે તેને યોગ્ય જગ્યાએ મૂકવાની આદત પાડવી, જ્યાં બાળકો રમતા હોય ત્યાં ગંદકી થઈ હોય તો તે સાફ કરવાની પણ આદત બાળકોને શીખવાડવી જોઈએ.

સમય પાલન અંગે અવગત કરવા

બાળકોને સમય પાલન અંગે નાનપણથી જ શીખવવું જોઈએ., જે વ્યક્તિ જીવનમાં હંમેશા સમયપાલન કરે છે તેની પ્રગતિ કોઈ રોકી નથી શકતું. જે વ્યક્તિ સમયની કિંમત સમઝી જાય તે હંમેશા આગળ વધે છે. બોલીવૂડ એક્ટર આમિર ખાન સમય પાલનમાં ખૂબ માને છે. કોઈપણ જગ્યાએ મોડા પહોંચવું તેને બિલકૂલ ગમતું નથી.

દેખાવો કરવાનું ટાળો

આજકાલ સૌ કોઈ દેખાડો કરવામાં ઘણું બધું ગુમાવતા જાય છે. સમય જ કંઈક એવો છે કે લોકો ઈચ્છતા ન હોવા છતાં તેવું કરવા મજબૂર બને છે, જે આદત એટલી ખરાબ છે કે તે વ્યક્તિને અંદરથી જ કોરી ખાય છે. જો બાળકોમાં નાનપણથી જ દેખાડો કરવાની આદત પડી જાય તો મોટા થઈને તેના માટે ઘાતક સાબિત થઈ શકે છે. દેખાડો કરવાની લાલચમાં ખરાબ રસ્તે પણ ચઢી જતા હોય છે. જો તમે તમારા બાળકોને નાનપણથી જ આવી આદતોથી દૂર રાખશો અને સાદાઈથી જીવવાનું શીખવાડશો તો ભવિષ્યમાં તેને કોઈ તકલીફ નહીં પડે. વ્યક્તિએ હંમેશા કર્મ કરવામાં વિશ્વાસ રાખવો જોઈએ નહીં કે દેખાડો કરવામાં. તેથી જ બાળકોને આવી આદતોથી દૂર રાખવા જોઈએ.

ઘરની સારસંભાળ રાખતા શીખવો

સામાન્યરીતે ઘરને સજાવવા-સંભાળવાની જવાબદારી વડિલોનાં હાથમાં હોય છે. જોકે આવા કામમાં બાળકોની થોડી થોડી મદદ લેવી જોઈએ જેથી બાળકો પણ તેમાં સહભાગી બની શકે. એવું જરૂરી નથી કે બાળકો દરેક કામમાં મદદ કરે પરંતુ, એવા કામ સોંપો જે બાળકો સરળતાથી કરી શકે. તેમને સમજાવવું જોઈએ કે ઘરને સ્વચ્છ રાખવા અને સજાવટમાં કેવી નાની નાની કાળજી રાખવી જોઈએ. આવા કામોમાં તેમનું સજેશન પણ લેવું જોઈએ જેથી કામમાં તેઓ સહભાગી બની શકે. રોજબરોજનાં કામો જેવાં કે, સફાઈ કરવી, રત્રે ઊંઘવા માટે પથારી કરવી આવા કામો બાળકો સરળતાથી કરી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો