તમારા પિતાના મનમાંથી નવી ટેક્નોલોજીનો ડર ભગાવવામાં તેમની મદદ કરો
સોશિયલ મીડિયા અને તેનો સુરક્ષિત ઉપયોગ પણ શીખવાડો
ઇમર્જન્સી કોન્ટેક્ટ અને લોકેશન શેર કરતા શીખવાડો
ગેજેટ ડેસ્ક: 16 જૂન એટલે કે આજનો દિવસ ફાધર્સ ડે તરીકે ઊજવવામાં આવે છે. આજના દિવસે તમે તમારા પિતાને સ્માર્ટફોન, ટેબલેટ, સ્માર્ટવોચ કે બ્લુટૂથ સ્પીકર જેવું ગેજેટ આપ્યા ઉપરાંત તેમને ટેક ફ્રેન્ડલી પણ બનાવી શકો છો. અત્યારની લેટેસ્ટ ટેક્નોલોજી વિશે જો તમે તમારા પિતાને શીખવાડશો તો, તે આજની પેઢીમાં ભળી શકશે.
જો તમે તમારા પપ્પાને સ્માર્ટફોન આપવાનું વિચારતા હોવ, તો તે પહેલાં તેમને ફોન કેવી રીતે વાપરવો તે શીખવાડો.
સંબંધીઓ અને મિત્રો સાથે કનેક્ટ રહેવા માટે આજે સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. તેવામાં પ્રોફાઈલને સેવ રાખવું, મિત્રો કે સંબધીઓને રિક્વેસ્ટ મોકલવી, સંબંધીઓને ફોટા કે મેસેજ મોકલવો, અજાણ્યા વ્યક્તિને બ્લોક કરવું તે બધું શીખવાડવું જોઈએ. જો તેમની પાસે ઈ-મેઈલ આઈડી નથી, તો શરૂઆત તેનાથી કરવી જોઈએ.
સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરતા શીખવાડો
ફેસબુક
તમારા પિતાને ફેસબુક પર એકાઉન્ટ ક્રિએટ કરતા શીખવાડો. પ્રોફાઈલ ફોટો અને પ્રોફાઈલમાં જરૂરી વિગતો ભરતા શીખવાડો. ત્યારબાદ બતાવો કે, ફેસબુક પર નામ લખીને વ્યક્તિને સર્ચ કેવી રીતે કરી શકાય. ફેસબુક પર ફોટો અને વીડિયો શેર કરતા પણ શીખવાડો. તમે પણ ફેસબુક પર તેમના મિત્ર બનો. ફેસબુક એપ તેમના ફોનમાં ઇન્સ્ટોલ કરો અને ઓપરેટ કરતા શીખવાડો.
વોટ્સએપનો ઉપયોગ
સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વોટ્સએપનો ઉપયોગ કરવો સૌથી સરળ છે. આ એપની મદદથી કોઈને પણ ફોટો, વીડિયો કે અન્ય કોઈ ફાઈલ મોકલી શકાય છે. તમારા પિતાના સ્માર્ટફોનમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરો. ફોટો, વીડિયો અને લોકેશનને સેન્ડ કરતા શીખવાડો. જો બની શકે તો, તમારી સામે જ પિતાને વોટ્સએપ વાપરતા શીખવાડો. તેમના ફોનમાં મિત્રોનું ગ્રુપ બનાવી આપો.
લોકેશન શેર કરતા શીખવાડો
વોટ્સએપ પર લોકેશન શેર કરવાનું ફીચર પણ હોય છે. તમારા પિતાને લોકેશન શેર કરતા ચોક્કસથી શીખવાડો. ક્યારેક જો તેઓ મુશ્કેલીમાં હોય તો તેના મિત્રો કે સંબંધીઓને લોકેશન મોકલીને પોતાની જાણકારી આપી શકે છે. બીજું કંઈ શીખવાડો કે નહીં, પણ લોકેશન શેર કરતા તો અવશ્ય શીખવાડો.
ડિજિટલ ટ્રાન્જેક્શન
અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર રૂપિયા ટ્રાન્સફર કરવું શક્ય બન્યું છે. તમારા પપ્પાને ઈ-પેમેન્ટ કરતા શીખવાડો. ગૂગલ પે, પેટીએમની સાથે બેન્કની એપ દ્વારા પણ ડિજિટલ ટ્રાન્જેક્શન કરી શકાય છે. આ પેમેન્ટ કરવા બેન્કનાં એકાઉન્ટને કોઈ પણ વોલેટ એપ સાથે લિન્ક કરવાનું રહેશે. એક વખત તમારા પિતાને આ પેમેન્ટ શીખવાડ્યા પછી તેઓ નાનાથી લઈને મોટું પેમેન્ટ કરી શકશે. ઈ-પેમેન્ટ એપને લોક કરવાનું પણ શીખવાડો.
ઓનલાઇન શોપિંગ
જો તમારા પપ્પાને ઓનલાઇન શોપિંગ કરવું પસંદ છે, તો તેમના ઓછામાં ઓછી બે ઈ-કોમર્સ એપ ઇન્સ્ટોલ કરો. ઘરે બેઠાં જ વસ્તુ ખરીદવા વિશે તમારા પિતાને જણાવો. ઘણી ઈ-કોમર્સ કંપની ઓફર આપતી હોય છે, તે ઓફરનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો ઉપયોગ તમારા પિતાને શીખવાડો.
ટિકિટ, હોટેલ અને કેબ બુકિંગ શીખવાડો
તમારા પિતાના સ્માર્ટફોનમાં આઈઆરસીટીસી, મેક માય ટ્રિપ, બુકિંગ ડોટ કોમ, ઓયો રૂમ, ઉબર અને ઓલા જેવી એપ ઇન્સ્ટોલ કરો. તેમને ફોનથી જ બસ, ટ્રેન અને પ્લેનની ટિકિટ બુક કરતા શીખવાડો. આ ઉપરાંત હોટલનું બુકિંગ અને કેબ બુકિંગ પણ શીખવાડો. તમારી ગેહાજરીમાં પણ તે બુકિંગ કરી શકે તેવું શીખવાડી દો.
ઇમર્જન્સી કોન્ટેક્ટ
ઇમર્જન્સી કોન્ટેક્ટ દરેક સ્માર્ટફોનમાં હોવા જોઈએ. જો તમારા પપ્પા કોઈ મુશ્કેલીમાં હોય અને તેમનો ફોન લોક થઈ ગયો હોય તો તેઓ ઇમર્જન્સી કોન્ટેક્ટ પર કોલ કરીને તમને જાણ કરી શકે છે. આ માટે એન્ડ્રોઇડ ફોનમાં સેટિંગ્સમાં જઈને યુઝર્સ ઓપ્શનમાં જાઓ. અહીં તમે ઇમર્જન્સી ઇન્ફોર્મેશનમાં તમારો નંબર સેવ કરી દો. તમારા પિતાનો ફોન ભૂલથી લોક થઈ ગયો હશે, તો પણ ઇમર્જન્સીમાં કોન્ટેક્ટમાં સેવ કરેલા નંબર પર કોલ કરી શકશે.
એપ અને ડેટા પ્રાઇવસીની ટિપ્સ આપો
ફોનમાં સોશિયલ એકાઉન્ટ, બેન્ક એપ અને વોલેટ એપ હોય છે. તેમાં ઘણી એપ ઓટો લોગઈન મોડમાં હોય છે. આ કારણે ફોન જો કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં આવી જાય તો તમારી એપ તે વાપરી શકે છે. આ બધી વાતને ધ્યાનમાં રાખીને તમારે પપ્પાને પ્રાઇવસી સાથે જોડાયેલી તમામ વાત શીખવડાવી જોઈએ. ફોનને એપને લોક કરતા શીખવાડો. જો તેમની ફોન ખોવાઈ જાય તો ‘find my phone’માં ઈમેઈલ આઈડીથી લોગઈન કરીને તેને શોધી શકાય છે. આ એપ પર ફોનનું લોકેશન જોઈ શકાય છે.
ફોટો અને કોન્ટેક્ટનું બેકઅપ
તમારા પિતાને ફોનના ફોટો, વીડિયોને ગૂગલ ડ્રાઈવ પર સ્ટોર કરતા શીખવાડો. ક્યારેક ફોન ખોવાઈ જાય અથવા ભૂલથી ફોટા ડિલિટ થઈ જાય તો તેને બેકઅપ કઈ રીતે લેવા તેની માહિતી આપો. આ સિવાય ગૂગલ પર કોન્ટેક્ટ પણ બેકઅપ લઈ શકાય છે. કોઈ અન્ય ડિવાઇસ પર પિતાનું ઈમેઈલ નાખવાથી કોન્ટેક્ટ પરત આવી જશે.
કોઈ પગાર વગર મફતમાં અસિસ્ટન્ટ
તમારા પિતાને મફતમાં સેવા આપતી ગૂગલ આસિસ્ટન્ટથી માહિતગાર કરાવી દો. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ અસિસ્ટન્ટથી એલાર્મ, ફોન કોલ, મેસેજ અને નેવિગેશન માત્ર બોલીને કરી શકાય છે. એવામાં તમારા પપ્પા વોઇસ કમાન્ડ આપીને પણ ફોનથી ઘણા કામ કરી શકે છે.