અફઘાનિસ્તાનમાં તાલિબાની ત્રાસથી જે ભારતીયો બચીને આવ્યા તે આ ઘટનાક્રમ જિંદગીભર નહીં ભૂલી શકે. નસીબ સારા હોય તો જ તાલિબાનની ચુંગાલમાંથી બચીને આવી શકાય. ભારતીય વાયુસેનાનું વિમાન 150 જેટલા ભારતીયોને લઈને ગાઝિયાબાદ પહોંચ્યું, તેમાં એક હતા પુણેના ડૉ. પરાગ રબડે. કાબુલમાંથી નાસવા જતા એમને રસ્તામાં તાલિબાનનો ભેટો થઇ ગયો. એમને એવું જ હતું કે બચીને ભારત નહીં જઈ શકાય પણ એમને બે સાથ મળ્યા. એક નસીબનો સાથ અને બીજો સાથ મળ્યો અફઘાન ડ્રાઈવરનો. ડૉ. પરાગ રબડે વર્ણવે છે આપવિતી…
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દસ વર્ષથી છે અફઘાનિસ્તાનમાં
મહારાષ્ટ્રના પુણેના રહેવાસી ડૉ. રબડે દસ વર્ષથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની યુનિવર્સિટીમાં અને બીજી છ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરાવતા. તેમનો પરિવાર પુણે જ હતો. અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓમાં એ ખાસ્સા લોકપ્રિય હતા. જયારે તાલિબાનનો આતંક વધતો ગયો અને કાબુલ સુધી તાલિબાનો પહોંચી ગયા ત્યારે ડૉ. રબડને થયું કે, કાબુલથી જેટલા વહેલા ભારત જઈ શકાય તેટલું સારું.
એર ઇન્ડિયાની ટિકિટ બુક કરાવી પણ ફ્લાઇટ કેન્સલ થઇ
ડૉ. રબડેએ એક ન્યૂઝ ચેનલને મુલાકાત આપતાં કહ્યું કે, 15 ઓગસ્ટનો રવિવાર એક વિચિત્ર દિવસ હતો. સવારે દુકાનો, શેરીઓ ધીમે ધીમે બંધ થઈ ગઈ. અમને ખબર ન હતી કે શું કરવું? કાબુલ રવિવારે બપોરથી તાલિબાનના નિયંત્રણમાં હતું. જેના કારણે ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. મેં સોમવારે એર ઇન્ડિયાની ટિકિટ બુક કરાવી હતી.
અફઘાની ટેક્સી ડ્રાઈવરે હિંમત બતાવી
ડૉ.રબડે કહે છે, મારી એરઇન્ડિયાની ફલાઇટ હતી. ચારેય તરફ અંધાધૂંધીનો માહોલ હતો. મોટી સંખ્યામાં લોકો કાબુલ એરપોર્ટ તરફ દોટ મૂકી રહ્યા હતા. સોમવારે સવારે અમે એરપોર્ટ પર પહોંચ્યા. ત્યાં પહેલેથી જ બે થી ત્રણ હજાર નાગરિકો ભેગા થઈ ગયા હતા. તે સમયે મને ભારતીય દૂતાવાસમાં જવાનું કહેવામાં આવ્યું. હવે એરપોર્ટથી દૂતાવાસ પહોંચવું કેવી રીતે? કાબુલના રસ્તાઓ પર ભીડ દોડી રહી હતી. સાત ફુટ ઊંચા તાલિબાન આતંકીઓ એ.કે.47 લઈને રસ્તામાં ઉભા હતા. હું જે ટેક્સીમાં હતો તેના અફઘાની ડ્રાઈવરે મને કહ્યું, ચિંતા ના કરો. હું તમને કોઈપણ રીતે સહી સલામત રીતે ભારતીય દૂતાવાસ પહોંચાડી દઈશ.
તાલીબાનોએ રસ્તામાં કાર રોકીને પૂછતાછ કરી
અમે સોમવાર 16 ઓગસ્ટની સવારે ભારતીય દૂતાવાસ તરફ જઈ રહ્યા હતા. લોકોમાં દહેશતનો માહોલ હતો. બીજી તરફ સમાચાર એવા આવ્યા કે મોસુલના પશ્ચિમમાં કિસાક ખાતે ઇરાકી પોલીસ ભરતી કેન્દ્ર પર કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. શું થઇ રહ્યું છે તે કઈ સમજાતું નહોતું. મારું લક્ષ્ય એક જ હતું કે ભારતીય દૂતાવાસ પહોંચવું, પણ રસ્તામાં એ.કે.47 અને રોકેટ લોન્ચર લઇને ઉભેલા તાલિબાનો શું કરશે, તેનો સતત ભય હતો. હૃદયના ધબકારા તેજ બની ગયા હતા. ટેક્સી ચાલક અફઘાની સતત શાંત્વના આપી રહ્યો હતો. પણ જેનો ડર હતો, એ જ થયું. રસ્તામાં તાલિબાન આતંકીઓએ અમારી કારને રોકી.
તાલિબાનોને સૂચના હતી કે વિદેશીઓને જવા દેવામાં આવે
ડૉ. પરાગ રબડે આપવિતી વર્ણવતાં કહે છે કે, તાલિબાનીઓએ ટેક્સી રોકતા જ મગજ સુન્ન બની ગયું. હવે શું કરવું? ટેક્સીના વિન્ડો કાચ ખોલાવીને તાલિબાનોએ પૂછતાછ કરી કે ક્યાં જવું છે? મેં કહ્યું, હું ભારતીય છું અને મારે ભારતના દૂતાવાસ પહોંચવું છે. માત્ર હા માં માથું હલાવીને તેમણે અમને જવા દીધા, પછી જીવમાં જીવ આવ્યો. ભારતીય દૂતાવાસ પહોંચ્યા પછી મને જાણ થઇ કે ભારતના રાજદૂત અને તેના નાગરિકોને લેવા માટે વાયુસેનાનું ખાસ વિમાન આવવાનું છે.
તક મળશે તો ફરી અફઘાનિસ્તાન જઈશ
હું કેન્દ્ર સરકારની મદદથી અફઘાનિસ્તાનથી સુરક્ષિત રીતે પુણે પરત ફર્યો. ત્યાંની પરિસ્થિતિ જોઈને પરિવારના સભ્યોનું કહેવું છે કે તેઓ હવે ત્યાં પાછા ફરવા માંગતા નથી. જોકે, તે દેશ સાથે મારો સંબંધ વિકસ્યો છે. ત્યાંના વિદ્યાર્થીઓ મને પૂછે છે કે આગળ શું થશે, સાહેબ. જો મને તક મળશે તો હું ચોક્કસપણે ફરી અફઘાનિસ્તાન જઈશ, ‘ડો. પરાગ રબાડે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. કમ્પ્યુટર સાયન્સ અને મેનેજમેન્ટમાં ડૉ. રબાડે પીએચડી કર્યું છે. તેમનું કહેવું છે કે હું તેમની ફારસી ભાષાને સારી રીતે જાણું છું. તેથી સંદેશાવ્યવહારમાં કોઈ સમસ્યા ન હતી. હું ત્યાં સાત ખાનગી યુનિવર્સિટીઓમાં ભણાવું છું. વર્ગમાં છોકરીઓનું પ્રમાણ 49%છે. ઘણા વિદ્યાર્થીઓએ ઉદ્યોગ સાહસિક બનવાનો પ્રયત્ન કર્યો.હું મારા વિદ્યાર્થીઓને મિસ કરીશ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..