ભારત સરકારના રક્ષા મંત્રાલયના નેજા હેઠળ કામ કરી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં માધાપરની 25 વર્ષીય યુવતી સ્વાતિ ખોખાણીની સંશોધક તરીકે પસંદગી કરાઈ છે,ગુજરાતભરમાંથી તે એક માત્ર પસંદગી પામી છે.
ડો.અબ્દુલ કલામ જ્યાં મિસાઈલ પરીક્ષણ કરતા ત્યાં સ્વાતિ કરે છે સિમ્યુલેશન
ભુજના જોડિયા ગામ માધાપરમાં મજૂરી કામ કરી પેટિયું રડતા પિતાની દીકરીએ આ સફળતા હાંસલ કરતા આજે સૌ તેના પર ગર્વ અનુભવી રહ્યા છે.પ્રાથમિક શિક્ષણ ધાપરની સરસ્વતી વિદ્યાલયમાં મેળવ્યા બાદ માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ ખાતે હાઈસ્કૂલ પૂર્ણ કરનાર સ્વાતિએ ગણેશ ઇન્સ્ટિટ્યૂટ ચેન્નાઈમાં એરોનોટિકલ એન્જીનીયરીંગમાં બેચલર ઈન ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે.
સાથો સાથ અલગપ્પા યુનિવર્સીટી ચેન્નાઇ ખાતે બેચલર ઈન સાયન્સમાં ગણિતશાસ્ત્ર વિષયમાં તે સ્નાતક થઇ છે. સ્નાતક બન્યા બાદ સતત તેને આ ફિલ્ડમાં જવા પ્રયત્નો ચાલુ જ રાખ્યા હતા. ભણતર પૂર્ણતા બાદ એક વર્ષ બેંગ્લોરમાં ટ્યુશન ક્લાસીસ મેળવ્યા અને અંતે DRDO હૈદરાબાદમાં સંશોધક તરીકે ભરતી આવી તેમાં તે પસંદગી પામી છે.
આકાશમાં ઉડતા વિમાન જોઈ સંશોધનની ઈચ્છા થઇ હતી,આજે રિસર્ચ કરું છું : સ્વાતિ
માધાપરની સરસ્વતી વિદ્યાલયમાં ભણનારી 25 વર્ષીય સ્વાતિએ ‘ભાસ્કર’ સાથે વાત કરતા જણાવ્યું કે,મને નાનપણથી આકાશમાં વિમાન ઉડતા અને રાત્રે તારા જોઈ સંશોધનની ઈચ્છા થઇ હતી.આજે મેં સતત મહેનતથી મારુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું,અને ધ્યેય હાંસલ કર્યું છે.હાલમાં રિસર્ચ અને એનાલિસિસ વિંગમાં વૈજ્ઞાનિકોના માર્ગદર્શન નીચે મિસાઈલ્સ સિમ્યુલેશન,રિસર્ચ અને ડેવલપમેન્ટ,ફાઈટર પ્લેન,રોકેટ સહિતનું સિમ્યુલેશન અને સંશોધનમાં ભાગ લઇ રહી છું
અમે 10 વર્ષ સુધી 18 કલાક મજૂરી કામ કર્યું તે સફળ થયું : ભાઈ-પિતા
સ્વાતિના અભ્યાસથી લઇ સફળતાનાં સંઘર્ષની વાત કરતા પિતા ખોખાણી હરીશ દેવરાજએ જણાવ્યું કે,આ સફળતા પાછળ મેં અને દિકરા હાર્મિકએ મજૂરી કામ કરીને સતત 10 વર્ષ સુધી રાત દિવસ જોયા વગર 18 કલાક કામ કર્યું છે. અમારા શોખ અને ખર્ચ પર કાબૂ રાખી તેને ભણાવી છે. અને આજે હું અત્યંત ગર્વ અનુભવું છું કે અમારી મહેનત સફળ થઇ.
સમાજે નર્સ બનવા કહ્યું,દીકરી એ કહ્યું કરિયાવરમાં મને ડિગ્રી આપજો : માતા
‘મારી દીકરી ભણવામાં પ્રાથમિકથી લઇને હાયર સેકન્ડરી સુધી અવ્વ્લ સ્થાને જ રહી છે.સ્વાતિને એરોનોટિકલ એન્જીનીયરીંગ ભણવું હતું,પણ સમાજના પ્રમુખ પાસે પરિસ્થિતિ નબળી હોતા અમે સહાયતા માંગવા ગયા તો સ્પષ્ટ ના પડી અને કહ્યું કે,દીકરીને નર્સ બનાવો આ એનું ફિલ્ડ નથી. ત્યારબાદ સમાજે કોઈ સહાયતા ન કરી અને આજે દીકરીને અમે મજૂરી કરી સ્વબળે ભણાવી અને જયારે તે પાસ થઇ ત્યારે એ જ સમાજે એને ગોલ્ડ મેડલ આપ્યું હતું.’ મારી દીકરીએ કરિયાવરમાં અમારા પાસે ડિગ્રી માંગી હતી તેમ માતા હંસાબેન ખોખાણીએ ઉમેર્યું હતું