વરસવું એ માત્ર મેઘરાજાનો જ ઈજારો નથી માણસ પણ વરસી શકે અને સમાજ પર એટલો વરસે કે એ સંતની છબી હ્રદય મંદિરમાં અંકિત થઈ જાય. શિક્ષણ, સંસ્કાર અને સેવાની સાથે શ્રધ્ધાના કામ કરતાં પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામિ ગુરૂકુળની પરંપરાને વહન કરી રહ્યાં છે. જે ગુરૂકુળ(રાજકોટ)માં ભણ્યા ત્યાંથી જ દીક્ષાગ્રહણ કરીને ભણવાન સ્વામિનારાયણની પરંપરાના વાહક બન્યા. ગુરૂકુળમાં જ જ્ઞાન,વિજ્ઞાનની સાથે ભાતિગળ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં પ્રદર્શન શરૂ કરાવ્યાં, સાથે જ સંપ્રદાયમાં બાળકો અને યુવકો માટે કેન્દ્રો શરૂ કરવાના પથદર્શક બન્યા. સાથે પોતાના ગુરૂના લીધેલા સંકલ્પને જીવન મંત્ર બનાવી પોઈચામાં નર્મદા કાંઠે નિલંકઠધામ ખડું કર્યુ. જેના માટે અન્ન ન જમતાં માત્ર ફળાહાર કરવાનું શરૂ કર્યું હતું.
ખેડૂત પરિવારને ત્યાં થયો જન્મ
સુરત સહિત નિલકંઠધામ, વડોદરા, ઉના, કેશોદ, નવસારી અને નવી મુંબઈ સહિતના ગુરૂકુળની જવાબદારીનું વહન કરતાં પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામિ વિષે પ્રભુ સ્વામિએ જણાવ્યું હતું કે, તેમનો જન્મ નવમી ઓગસ્ટ 1956, સંવંત 2012ની શ્રાવણ સુદ 3ના રોજ થયો હતો. સૌરાષ્ટ્રના રાજકોટ નજીક આવેલા મોટી કુકાવાવ ગામે ખેડૂત પિતા ગોવિંદભાઈ વઘાસિયાના ઘરે તેમનો જન્મ થયો હતો. અને પૂર્વાશ્રમનું નામ ધીરૂભાઈ હતું.જે પાંચ ભાઈઓમાં ચોથા નંબરના હતાં. તેમનો પ્રાથમિક સુધીનો અભ્યાસ ગામમાં જ થયો હતો.
ગુરૂકુળમાં રોપાયા વૈરાગ્યના બીજ
ગોવિંદભાઈ વઘાસિયાનો પરિવાર પેઢીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયના રંગે રંગાયેલો હતો. જેના કારણે ધીરૂભાઈથી મોટા ભાઈઓએ પણ ગુરૂકુળમાં જ અભ્યાસ કર્યો હતો. જ્યારે ધીરૂભાઈ આઠમાં ધોરણથી રાજકોટ ગુરૂકુળમાં અભ્યાસ અર્થે આવ્યાં ત્યારે મારી સાથે જ હોવાનું પ્રભુસ્વામિએ જણાવ્યતાં કહ્યું કે, ત્યારથી અમે સાથે જ છીએ. ભણવામાં તેઓ પહેલેથી જ હોશિયાર હતાં. અમે વેકેશનમાં ઘરે જવાની જગ્યાએ ગુરૂકુળમાં જ સંતોની સાથે કથા વાર્તા સાંભળતા હતાં. અને ધોરણ 10માં સારી ટકાવારી આવી એટલે 11 સાયન્સ રાખ્યું હતું. મેથ્સમાં તેઓ માસ્ટર હતાં. પરંતુ વૈરાગ્ય લાગી જતાં અભ્યાસ છોડી દઈને દીક્ષા ગ્રહણ કરવાનું નક્કી કર્યું હતું.
-સંતોના જીવન જોઈને લીધી દીક્ષા
શાસ્ત્રીજી ધર્મજીવનદાસ સ્વામિ, જોગી સ્વામિ સહિતના સ્વામિઓના પવિત્ર જીવન અને સમાજ માટે તેઓના દીલમાં રહેલી પીડા તેઓ દ્વારા થતાં કાર્યો વગેરે જોઈને દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. તે વર્ષ હતું 1974નું પાર્ષદ તરીકે છ મહિના રહ્યાં બાદ વડતાલમાં દીક્ષા લીધી હતી. ત્યારબાદ રાજકોટ ગુરૂકુળમાં આવી જઈને આગળ સંસ્કૃતનો અભ્યાસ કર્યો વેદાંતાચાર્ય સુધીનો અભ્યાસ કર્યો હતો.
-શરૂઆતમાં ગુરૂકુળમાં રસોઈ બનાવતાં
સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક સંતોને રસોઈ બનાવતાં આવડતી જ હોય છે. પરંતુ ધીરૂભાઈમાંથી દીક્ષા લઈને બનેલા ધર્મવલ્લભદાસજીને ગુરૂકુળમાં રસોઈ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જે એકાદ દાયકો એટલે 1974થી 1984 સુધી જવાબદારી હતી. ત્યારે પ્રભુસ્વામિને પુછ્યું કે તેઓ કંઈ વસ્તુ સારી બનાવતાં ત્યારે તેમણે કહ્યું કે, તેમના હાથની દરેક વસ્તુ સારી બને. કઢી ખીચડી જમો તો એમ લાગે મોહનથાળ સારો અને રોટલી એમ એકથી એક ચડીયાતી રસોઈ તેઓ બનાવતાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.
-ગામડાઓમાં બાળમંડળ શરૂ કર્યા
પ્રભુસ્વામિ ઉમેરે છે કે, 1984 બાદ ગામડાઓની જવાબદારી મળી હતી. જેથી તેઓ ગામડાઓમાં જતાં હતાં. જ્યાં પ્રભાતફેરીથી લઈને વિવિધ ધાર્મિક સંદેશાઓ ફેલાવતાં હતાં. ગામડાઓમાં સૌ પ્રથમ ઘનશ્યામ બાળમંડળ શરૂ કરાવ્યાં હતાં. પત્રો લખતા સાથે ભગવાન નામનું મહત્વ સમજાવતાં હતાં. સાથે જ ધાર્મિક કાર્યક્રમોથી લોકોને ધર્માનુરાગી બનાવવાનું કામ કરતાં હતાં.1986થી સભાઓની શરૂઆત થઈ અને 1990 સુધી આ પ્રવૃતિ સાથે જોડાયેલા રહ્યાં હતાં. આ દરમિયાન 1987માં રાજકોટ ગુરૂકુળ ખાતે ઉજવાયેલા ઉત્સવમાં પ્રદર્શનનું સૌ પ્રથમ આયોજન કર્યું હતું. જે આગળ જતાં સંપ્રદાયની પરંપરાનો એક ભાગ બની ગયું છે.
-સુરતમાં કરી ગુરૂકુળની સ્થાપના
સુરતમાં સત્સંગ માટે અવારનવાર આવવાનું થતું હતું. પરંતુ સુરતમાં સંતોને ઉતરવા માટે કાયમી રહેઠાણ નહોતું. વળી સંત્સંગ, ભજન કિર્તન કરવા માટે મોટાભાગે રાત્રે હીરાના કારખાના બંધ થાય ત્યારે તેમાં કે કારખાનાની છત પર કથા વાર્તા કરતાં હતાં. પરંતુ 1990માં જગ્યા લેવાનો વિચાર કર્યો અને તેમાં સંતોના રૂડા આશિર્વાદ મળતાં વેડરોડ ખાતે આજે જ્યાં ભવ્ય ગુરૂકુળ છે ત્યાં 108 કલાકની રામધૂન કરીને ખાતમૂહૂર્ત કર્યું હતું.
-સંપ્રદાયનો સૌથી મોટા પહેલો ફાળો એકઠો થયો
પ્રભુસ્વામિએ ગુરૂકુળની સ્થાપના વખતનો રસપ્રદ પ્રસંગ વાગોળતાં કહ્યું કે, ગુરૂકુળ માટે જગ્યા રખાઈ ગઈ હતી. જેમાં એકઠા થયેલા રૂપિયા અપાઈ ગયા હતાં. ખાતમૂહૂર્તના અગાઉ જોગી સ્વામિએ કહ્યું કે, બધા હરિભક્તોને નાસ્તા પાણી કરાવજો. એટલે મૂંજવણમાં મુકાયા હતાં કે, ભોજન પાણી માટે અંદાજે 35 હજારનો ખર્ચ થશે. જે નહોતાં. પરંતુ ગુરૂઆજ્ઞા મુજબ બધુ આયોજન કર્યુ. અને ખાતમૂહૂર્તમાં 48 લાખ રૂપિયાનું હરિભક્તોએ દાન કર્યું જે સંપ્રદાયમાં સૌથી મોટો પહેલો ફાળો હતો. અને આમ સુરતમાં ગુરૂકુળના પાયા નંખાયા હતાં. જેમાંથી આજે અનેકો અનેક વિદ્યાર્થીઓ ભણીને સમાજમાં સેવા આપી રહ્યાં છે.
-ગુરૂકુળનો છોડ આજે વટવૃક્ષ
પ્રભુસ્વામિએ કહ્યું કે, શરૂઆતમાં એટલે 1992માં ગુરૂકુળની શરૂઆત થઈ હતી. જેમાં તત્કાલીન બીજેપીના રાષ્ટ્રીય પ્રમુખ મુરલી મનોહર જોષી પણ આવ્યાં હતાં. શરૂઆતમાં ગુરૂકુળમાં 125 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં જ્યાં આજે 6600 જેટલા વિદ્યાર્થીઓએ ભણતરની સાથે જીવન ઘડતરના પાઠ ભણી રહ્યાં છે. તો 700 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યાં છે. સાથે જ 28થી વધુ સંતો પાર્ષદો જીવન ઘડતર કરી રહ્યાં છે. સાથે વ્યસન મુક્તિ, અંધશ્રધ્ધા ખંડન અને જ્ઞાન, ભક્તિ અને વિજ્ઞાનના પ્રયોગોથી સભર પ્રદર્શન જોવા માટે દેશભરમાંથી લોકો આવે છે.
-સાડા ચાર વાગ્યેથી જાગી જવાનો નિત્યક્રમ
સુવાનું ગમે એટલા વાગ્યે હોય પણ સવારે સાડા ચાર વાગ્યા આસપાસ જાગી જવાનો સંતો માટે નિત્યક્રમ હોવાનું કહેતા પ્રભુ સ્વામિ ઉમેરે છે કે, પથારીમાં જ તેઓ હળવી કસરત કરે છે. શારિરીક કસરત બાદ ધ્યાન મંદિરમાં ત્યાંથી પાંચેક વાગ્યે આવીને સ્નાનાદિ કાર્યો કરીને સવા પાંચ વાગ્યાથી પૂજા કરે છે. ત્યારબાદ પોણા સાત વાગ્યાથી નીચે મંદિરમાં આવી પૂજન આરતી કરે. સવા સાત વાગ્યે મંદિરમાં આરતી, સાડા આઠથી હરિ સ્મૃતિ પદનું ગાન, પોણા નવ વાગ્યા આસપાસ દૂધનું સેવન કરે,ત્યારબાદ વાંચન અને હરિભક્તોના ઘરે પધરામણીથી લઈને મુલાકાત, સાડા અગિયાર વાગ્યે યજ્ઞમાં આરતી કરે, પોણાબાર વાગ્યા આસપાસ ફળાહાર, 1 વાગ્યે કથા બાદ બે વાગ્યા સુધી આરામ, ત્યારબાદ વાંચન અને 3 વાગ્યાથી ભગવાનની પૂજા, ત્યારબાદ એકાદ કલાક સંતો-પાર્ષદો સાથે સત્સંગ, સાડા ચાર પછી પ્રદક્ષિણા, પાંચ વાગ્યે ઓફિસમાં ભક્તો સાથે મુલાકાત, સાત વાગ્યે આરતી, બે કલાક કથા વાર્તા બાદ ભગવાનને પોઢાવીને પોણા અગીયાર વાગ્યા આસપાસ જો બહાર ગયા હોય તો નક્કી ન હોય સૂવાનું.
-ગુરૂએ નર્મદાકાંઠે મંદિરનો કર્યો સંકલ્પ
નિલકંઠ ધામ વિષે પ્રભુ સ્વામિએ જણાવ્યું હતું કે, ધર્મજીવનદાસ સ્વામિએ તેમના ગુરૂભાઈને નર્મદાની પરિક્રમા કરાવી હતી. આ દરમિયાન ચાણોદ કરનાળી પાસે નર્મદાના પટમાં થતાં એક યજ્ઞમાંથી પ્રેરણા લઈને અહીં એકાદ મંદિર જ્યાં રોજ યજ્ઞો થાય તેવો સંકલ્પ કર્યો હતો. જેના વર્ષો બાદ 2003માં જમીન લીધી, 2008માં બાંધકામ શરૂ કર્યુ અને થોડો સમય બંધ રહ્યા બાદ 10માં ફરી કામ આગળ વધ્યું અને 2013માં પૂર્ણ થયું હતું. ધર્મવલ્લભદાસજીએ નર્મદાકાંઠે નિલકંઠ ધામ બનાવવા માટે ગુરૂના સંકલ્પને પૂર્ણ કરવા માટે છેલ્લા 14 વર્ષથી અન્ન નથી ગ્રહણ કર્યું. ફળાહારમાં માત્ર ટીંડોરા અને ગલકા સાથે સાંબાનો રોટલો લેવાનું શરૂ કર્યું હતું. નિલકંઠ ધામમાં ભગવાનની સ્થાપ્ના થઈ ગઈ તેમ છતાં આજે પણ તેઓના ઉપવાસ ચાલું જ છે. નિલકંઠ ધામની જેમ સુરેન્દ્રનગર નજીક પાટડીમાં આવેલા રણવિસ્તારમાં વર્ણીધામ બનતું હોવાનું પ્રભુ સ્વામિએ વધુમાં જણાવ્યું હતું.
-સૌથી વધુ ખુશીનો પ્રસંગ
સુખ-દુઃખને સમાન નજરે જોતા સ્વામિની સૌથી વધુ ભાવુક ક્ષણ વિષે પ્રભુસ્વામિએ કહ્યું કે, 2005માં મે મહિનામાં 1008 કુંડી યજ્ઞનું આયોજન થયું હતું. આ યજ્ઞ રંગેચંગે પૂર્ણ થયો હતો. હરિભક્તોએ પણ ખૂબ ઉત્સાહ અને આનંદભેર ભાગ લીધો હતો. જેથી સૌ કોઈના હ્રદયમાં રાજીપો વ્યાપી ગયો હતો. ત્યારે સાંજે યજ્ઞ બાદ અવભ્રુથ સ્નાન માટે સાંજે સાત વાગ્યા આસપાસ ગુરૂકુળથી તાપી નદી તરફ ચાલીને જતાં હતાં. ત્યારે તેઓ ખુબ ખુશ હતાં.
– વિશિષ્ટ કાર્યો
અધ્યાત્મ, સાંખ્ય, ભાગવતાદિક શાસ્ત્રોના ચિંતન, પ્રવચન, કથા પારાયણ, વિવિધ મોટા ભગવદમય ઉત્સવોમાં અભિરૂષી ધરાવતા પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામીએ દીક્ષા લીધા બાદ સુરતમાં 117 બાળમંડળો, 58 યુવક મંડળો, 43 મહિલા સંસ્કાર કેન્દ્રો શરૂ કરાવ્યાં. 1997થી અંખડ ધૂન શરૂ કરાવી, દૈનિક મહાવિષ્ણુયાગ, સ્વામિનારાયણ મહામંત્ર લેખન ચોવીસ કલાક શરૂ કરાવ્યા જેની લીમ્કાબુકે નોંધ લીધી, 28 સંતો-પાર્ષદોનું જીવન ઘડતર, કુદરતી આપતીઓ ભૂકંપ, પૂર વખતે સેવાઓ, ગુરૂકુળમાં ઈન્ફોસિટી સાથે વિવિધ એવોર્ડ પણ તેમને મળ્યા જેના કરતાં વ્યસન મુક્તિના થતાં કાર્યો તેમને વધારે આનંદ આપે છે.
સુખી થવાનો જીવન મંત્ર
સ્વામિજીના સંસર્ગમાં રહેતા તમામના જીવનમાં ન ખબર પડતાં પરિવર્તન આવતાં હોવાનું હરિભક્તો માને છે. ત્યારે સ્વામિજીએ દરેક માટે બે જીવનમંત્રો આપ્યા છે. જેમાં ભગવાન પાસે કંઈ માંગવા કરતાં એટલી જ પ્રાર્થના કરવાની કે, ઓહ માટે ગોડ યુઝ મી, અને સુખી રહેવા માટે સ્વામિજીનો મંત્ર છે કે, એ એમ જ હોય. એટલે કોઈપણ પરિસ્થિતીમાં દુઃખી થવાનું ન આવે.