પાંચ હજારથી વધુ રત્નકલાકારોને હીરા શીખવનારા શેઠનું કર્મચારીઓએ કર્યુ સન્માન

સુરતઃ- નિવૃતિની સંધ્યાકાળે પણ પ્રવૃતિ કરીને જ્ઞાનની સરવાણી વહાવતાં એક વયસ્ક કર્મશીલનું કર્મચારીઓએ સન્માન કરતાં હરખનો માહોલ છવાયો હતો. હસવા રમવાની ઉંમરે હીરાના કારખાનામાં પેટીયું રળવા બેસેલા અને હાલ 60માં વર્ષે પોતાનું કારખાનું ધરાવતાં મુકેશભાઈ ભલાણીએ અત્યાર સુધીમાં પાંચેક હજાર જેટલા રત્નકલાકારોને શીખવવાની સાથે હીરાનું બારીકાઈપૂર્વકનું નોલેજ આપી રહ્યાં છે. ત્યારે તેમના જન્મદિવસે કારખાનાના કારીગરો દ્વારા તેમનું અદકેરૂં સન્માન કરવામાં આવતાં સૌ કોઈના ચહેરા પર હરખની લાલિમા છવાઈ ગઈ હતી.

44 વર્ષમાં પાંચ હજારથી વધુને આપ્યું હીરાનું જ્ઞાન

સન્માનિત થયેલા વયસ્ક મુકેશભાઈ ભલાણીએ જણાવ્યું હતું કે, કારીગરો એ સંતાનો સમાન હોય છે. અને પોતાના જ સન્માન કરે તેનો હરખ અવર્ણનિય હોય છે. ખરેખર મારા માટે કારીગરોએ સન્માન કર્યુ એ ધન્યતાની ઘડી હતી. બધા જ રત્નકલાકારો મને ખૂબ પ્રેમ કરે છે. હું હીરામાં મેનેજર હતો કે મેઈન મેનેજર પહેલેથી નોલેજ આપવું ખૂબ ગમે છે. લગભગ પાંચેક હજારથી વધુ રત્નકલાકારોને હીરાનું જ્ઞાન આપ્યું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

14 વર્ષની ઉંમરથી હીરાના વ્યવસાયમાં સંકળાયેલા અનેનિવૃતિના સમયે પ્રવૃતિ કરતાં મુકેશભાઈનું કરાયું સન્માન

રોજનું 12 કલાક કરે છે કામ

મુકેશભાઈના કારખાનાના મેઈન મેનેજર વિપુલભાઈ મિયાણીએ જણાવ્યું હતું કે, એક યુવકને શરમાવે તેવા જોશ અને જુસ્સાથી હજુ પણ કામ કરે છે. રોજના 12 કલાક કામ સિવાય ઉભા પણ ન થવું તેમના સ્વભાવમાં છે. અમને બધાને સતત તેઓ માર્ગદર્શન આપતાં રહે છે. તેમની પાસે હીરાનું પુરૂપુરૂં જ્ઞાન છે. તેઓએ સૌને હીરાનું જ્ઞાન આપ્યું હોય અમે તેમનું સન્માન કરીને ઋણમુક્ત થયા હોઈએ તેમ તો ન કહી શકાય પણ અમે સન્માનિત થયા હોઈએ એવું લાગે છે.

કારીગરો સાથે જ જમે છે ભોજન

કારખાનામાં કામ કરતાં કાંતિલાલ બલરે જણાવ્યું હતું કે, મુકેશભાઈ ખૂબ જ સાલસ સ્વભાવના છે. શેઠ હોવા છતાં પણ તેમના કોઈ મોટપ જોવા મળતી નથી. દરરોજ કારીગરોની સાથે જ ભોજન લેવું તેમનો નિત્યક્રમ છે. અને કોઈપણ કારીગરને ન સમજાય ત્યાં સુધી તેઓ માર્ગદર્શન આપતાં રહે છે. અમે ટ્રોફિ, શાલ અને મોરારિબાપુના પુસ્તકો આપીને ખરેખર ધન્યતાની લાગણી અનુભવી છે.

44 વર્ષમાં પાંચ હજારથી વધુને આપ્યું હીરાનું જ્ઞાન

પાંચ ધોરણ ભણીને પકડ્યું હીરાનું અંગુર

મૂળ સૌરાષ્ટ્રના જીથરી (અમરગઢ)ના વતની મુકેશભાઈ ભલાણી વરાછામાં બંબાગેટ પાસે હીરાનું કારખાનું ચલાવે છે.પરંતુ હીરાના વ્યવસાયમાં પ્રવેશવાની વાત કરતાં તેઓએ જણાવ્યું હતુંકે,ત્રણ ભાઈઓમાં સૌથી મોટો હતો અને પિતાની ટૂંકી ખેતીમાંથી બહાર નીકળવું પડે એમ હતું એટલે પાંચમુ ધોરણ ભણીને ગામમાં જ ચાલતા હીરાના યુનિટમાં વર્ષ 1974માં 16 પેલ કાપવા બેસી ગયો હતો. 1980માં સુરતમાં રત્નકલાકાર તરીકે જોડાયા અને 1984થી મેનેજર અને મેઈન મેનેજર સુધીના પદ પર બેઠાં હતાં. અને છેલ્લે 2013થી પોતાનું કારખાનું શરૂ કર્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો