સુરત શહેરમાં અનેક સર્કલો પર રાજપુરૂષોના સ્ટેચ્યુ મુકાયેલા છે. તેમાંથી કોઇ એક સ્ટેચ્યુને દરરોજ ફુલહાર થતાં હોય તો તે વરાછામાં મીનીબજાર ખાતેનું સરદાર પટેલનું સ્ટેચ્યું છે. દરેક પ્રતિમાઓને જે તે મહાપુરૂષોની જન્મજંયતિ અને પૂણ્યતિથિએ જ ફુલહાર થતાં હોય છે. ખાદીના ઝભ્ભા પહેરીને તેમના નામની જય બોલાવી ફોટા પડાવી પોતાનું કર્તવ્ય પુરૂ થયું સમજી નેતાઓ જતાં રહેતા હોય છે. જન્મ જયંતિએ કરેલા હારતોરાનો જથ્થો આગળની પુણ્યતિથિ સુધી સુકાતો હોય છે.
ત્રણ વર્ષથી શરૂ થયું છે અનોખું કાર્ય
ચૂંટણીના સમયે ક્યારેક એક જ દિવસમાં બેથી ત્રણ વખત હારતોરા થતાં હોય છે પરંતુ, ચૂંટણી પતી જાય પછી કોઇ રાજનેતા કોઇ મહાપુરૂષોના સ્ટેચ્યું પર હારતોરાતો દુરની વાત રહી ત્યાંથી પસાર થાય ત્યારે દૂરથી નમન કરવાની તસ્દી લેતા પણ જોવા મળતાં નથી. આ સંજોગોમાં વરાછામાં મીનીબજાર ખાતે સરદાર પટેલની પ્રતિમાને દરરોજ તાજા ફુલનો હાર ચડે છે. તે હાર મહાનગરપાલિકા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે કોઇ સરકારી એજન્સી કે રાજકીય રોટલા શેકતા પક્ષ દ્વારા નહી પરંતુ એક સેવાભાવી વ્યક્તિ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સરદાર સાહેબને દરરોજ ફુલહાર ચડાવવામાં આવે છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અને લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરીભાઇ કથીરિયાએ દરરોજ ફુલહાર કરવાની વ્યવસ્થા કરી છે. લોકસમર્પણ રક્તદાન કેન્દ્રમાં સેવા આપતા દયાનંદ પાંડે નામના સેવકને આ કામ માટે હરીભાઇ કથીરિયા તરફથી ફુલહારનો ખર્ચ અને તેમનું મહેનતાણું આપવામાં આવે છે. ભલે રકમ કદાચ નાની હશે પરંતુ વર્ષના 365 દિવસ નિત્ય ક્રમ જાળવી રાખવો તે મોટી વાત છે.
પ્રતિમાને ફુલહાર કરવાથી ઊર્જા મળે છે
દયાનંદ પાંડેએ જણાવ્યું કે, મારૂ મુળ વતન ઉતર પ્રદેશ છે. ત્રણ વર્ષથી સરદાર પટેલના સ્ટેચ્યુને નિયમિત હારતોરા કરૂ છું. તેનાથી મને અનોખી શક્તિ મળે છે, ઊર્જા મળે છે. સરદાર પટેલ વિશે વધારે જાણતો નથી પરંતુ એટલું જરૂર કહી શકું કે સ્ટેચ્યુની સેવા કરવાથી આટલી ઊર્જા મળતી હોય તો તેમનું પ્રત્યક્ષ વ્યક્તિત્વ કેવું હશે ω ત્રણ વર્ષથી આ કામની જવાબદારી લીધી ત્યારથી એક પણ દિવસ પડ્યો નથી મને પણ ક્યારેય તાવ શરદી પણ થયા નથી.
365 દિવસ ફુલહાર થાય તે જરૂરી છે
હરીભાઇ કથીરિયાએ જણાવ્યું હતું કે, વર્ષમાં માત્ર એક વખત સરદાર જયંતીના દિવસે સમાજના આગેવાનોએ ફુલહાર કર્યા પછી મને વિચાર આવ્યો એક જ દિવસમાં આટલા બધા હાર ચડાવી દીધા પછી વર્ષના બાકીના દિવસોમાં કોઇ સરદાર પટેલના સ્ટેચ્યુને ફૂલહાર કરવા જતું નથી, ત્યારથી નક્કી કર્યુ કે દરરોજ હાર ચડાવવો જોઇએ. આવો સંકલ્પ કરી કામની જવાબદારી અમારા પટાવાળા પાંડેને સોંપી ત્યારથી તે રોજ નિષ્ઠાપૂર્વક આ કામ કરે છે.