સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ગામ નજીક એક તરફી પ્રેમમાં અંધ બનેલા યુવકે પોતાની સાથે કૉલેજમાં અભ્યાસ કરતી યુવતીનું જાહેરમાં ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. હદ તો ત્યારે થઈ, જ્યારે યુવતીને બચાવવા માટે તેના પરિવારના બે સભ્યો વચ્ચે પડ્યા, તો પાગલ યુવકે તેમને પણ ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. આટલું જ નહીં, યુવતીને રહેંસી નાંખ્યા બાદ યુવકે પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. હાલ પોલીસે યુવકને ઝડપીને કામરેજની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના કાપોદ્વા વિસ્તારમાં રહેતા ફેનિલ નામનો યુવક કામરેજના પાસોદરા ખાતે રહેતી ગ્રીષ્મા નામની યુવતી સાથે એકતરફી પ્રેમમાં હતો. જો કે ગ્રીષ્મા તેને પસંદ કરતી નહતી. ફેનિલ વારંવાર સુરતથી પોતાને મળવા આવતા ગ્રીષ્મા કંટાળી ગઈ હતી અને તેણે પોતાના કાકાને જાણ કરી હતી. શનિવારે સાંજે પણ ફેનિલ ગ્રીષ્માને મળવા માટે પાસોદરા આવ્યો હતો, જ્યાં ગ્રીષ્માના કાકાએ તેને ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાયેલા ફેનિલે ગ્રીષ્માના કાકા પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ સમયે ગ્રીષ્માનો ભાઈ પણ બચાવવા માટે વચ્ચે પડ્યો હતો, તો ફેનિલે તેના પર પણ ચાકુથી વાર કરીને ઈજા પહોંચાડી હતી.
આ દરમિયાન પોતાની નજર સામે જ કાકા અને ભાઈ પર હુમલો થતો જોઈને ગ્રીષ્માએ પણ ફેનિલનો વિરોધ કર્યો હતો. આથી અકળાયેલા ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપીને જાહેરમાં હત્યા કરી નાંખી હતી. જાહેરમાં થયેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી.
આ બનાવની જાણ થતાં કામરેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે પોલીસ આવે તે પૂર્વે ભયના માર્યા ફેનિલે ઝેરી દવા ગટગટાવી દીધી હતી. જે બાદ ઘટના સ્થળે પોલીસને આવેલી જોઈને ફેનિલે પોતાના હાથની નસ કાપી નાંખીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આખરે પોલીસે ખૂની ખેલ ખેલનારા પ્રેમાંધ યુવક ઉપરાંત મૃતક ગ્રીષ્માના ભાઈ અને કાકાને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કંપારી છૂટી જાય તેવો વીડિયો વાયરલ
પાસોદરામાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ખેલેલા ખૂની ખેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફિલ્મી સ્ટાઈલમાં યુવક જાહેરમાં યુવતીના ગળા પર ચપ્પુ મૂકીને ધાક-ધમકી આપતો અને બાદમાં ગળુ કાપતો નજરે પડે છે. આ વીડિયો જોઈને સૌ કોઈની કંપારી છૂટી ગઈ હતી.
પુત્રીની હત્યા બાદ માતા બેહોશ
પોતાની નજર સામે જ યુવતીની હત્યાની ઘટનાથી માતા બેહોશ થઈ ગઈ હતી. હાલ કામરેજ પોલીસે ગંભીર હાલતમાં ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડીને કાયદેસરકની કાર્યવાહી હાથ ધરી છે.
રેન્જ IG પીડિતાના પરિવારને મળવા પહોંચ્યા
કામરેજના પાસોદરા પાટિયા પાસે જાહેરમાં યુવતીની હત્યાના મામલાએ ચકચાર મચાવી મૂકી છે, ત્યારે આજે રેન્જ આઈજી રાજકુમાર પંડિયન ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેન્જ આઈજીએ પીડિતાના પરિવારની મૂલાકાત લીધી હતી. આ દરમિયાન પીડિતાના પરિવારજનોએ આરોપીને કડકમાં કડક સજા થાય અને નિષ્પક્ષ ન્યાય મળે તેવી માંગ કરી હતી. જે બાદ રેન્જ આઈજીએ નિષ્પક્ષ તપાસ અને આરોપીને સખ્ત સજાની ખાતરી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..