જ્યારે કોઇ મોટી ઘટના બને અને જવાનો શહીદ થાય ત્યારે દેશની જનતામાં દેશ ભક્તિનો વંટોળ આવે છે. ચાના ઉભરાની માફક સમયાંતરે તે શમી ગયા બાદ કોઇ કોઇની ખબર પુછનાર હોતું નથી. પરંતુ સુરતની જનતાએ કર્યુ છે તેવુ હજુ સુધીમાં અમે સાભળ્યું નથી કે જોયું નથી. આ શબ્દો સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓએ ત્યારે ઉચ્ચાર્યા હતા જ્યારે પુલવામા ખાતે શહીદ થયેલા દરેક જવાનના ઘરે જઇ સુરતની જય જવાન નાગરીક સમિતીના સભ્યોએ એક એક લાખ રૂપિયાની રોકડ સહાય પહોંચાડી હતી.
8 પરિવારોને સન્માનીત કરાયા
ઉત્તરપ્રદેશ ગયેલા કન્વીનર ભીખુભાઇ ટીંબડિયાએ જણાવ્યું હતું કે લખનૌમાં સીઆરપીએફ કેમ્પમાં એક સાથે ઉત્તરપ્રદેશના 8 જવાનોના પરિવારોને સન્માનીત કરી સહાયતા રાશિ એનાયત કરાઇ હતી.
લગ્ન સમારંભમાં રાષ્ટ્રગીતની વાતથી ખુશ
ભોજન દરમિયાન થયેલી ચર્ચામાં જણાવાયું કે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં લગ્ન સમાંરંભોના પ્રારંભે રાષ્ટ્રગીત ગાવાની પ્રણાલી શરૂ થઇ છે તોઆ વાત સાંભળી ઉચ્ચ અધિકારીઓ ખુશ થયા હતા. કન્વીનર દેવશીભાઇ ભડિયાદરાએ કહ્યું હતું કે અમને ત્યાંના લોકો સરકાર અને શહીદ પરિવારો તરફથી ખુબજ આદર મળ્યો. શહીદ પરીવારોને કંઇક આપવા ગુજરાતથી આવ્યા છો તેવું કહી આદર સાથે કહ્યું હતું કે આવું એક માત્ર ગુજરાતમાં જ બને છે, તેમ કહીને ગુજરાતીની પ્રજાને અભિનંદન આપ્યા હતા. પુલવામાના હુમલામાં શહીદ થયેલા 44 શહીદોના પરિવારોને સહાય અર્થે સુરતથી જય જવાન નાગરીક સમિતિની 10 ટીમો સ્વખર્ચે દેશના જુદાજુદા 17 રાજ્યોના જવાનોના પરિવારોને સહાય પહોંચાડવા રવાના થઇ હતી.
કયા રાજ્યોના કેટલા શહીદો?
ઉત્તરપ્રદેશ-13, ઉત્તરાખંડ-3, રાજસ્થાન-5, મહારાષ્ટ્ર-2, મધ્યપ્રદેશ-1, હિમાચલ પ્રદેશ-1, હરિયાણા , જમ્મુકાશ્મીર-1, બિહાર-2, આસામ-1, તામિલનાડુ-2, કેરળ-1, પંજાબ-4, ઝારખંડ-1, પશ્ચિમ બંગાળ-2, કર્ણાટક-1, ઓરિસ્સા-2.