સુરતની ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધી 24 ભુલકાઓના મોત થયા છે. જેમાંથી આજે 19 બાળકોના એક પછી એક અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યું છે. આ ભીષણ અગ્નિકાંડમાં 16 ભુલકાઓ જીવતા ભૂંજાયા હતા. જ્યારે 26થી વધુ બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળથી કુદકો માર્યો હતો. જેમાંથી 3નું જમીન પર પટકાતા cal નીપજ્યું હતું. મૃત બાળકોમાંથી 3નું આજે ધોરણ-12નું રિઝલ્ટ આવ્યું છે. ઘટનામાં મૃત્યુ પામનાર 24 બાળકોમાં 17 દીકરીઓનો પણ સમાવેશ થાય છે. અગ્નિકાંડનો ભોગ બનેલા બાળકોમાં કોઈને પેઈન્ટર બનવું હતું તો કોઈને આર્ટિસ્ટ બનવું હતું. હવે આ ભુલકાઓના તમામ સપનાં અધુરા રહી ગયા.
કોઈએ ફ્રેન્ડશિપ બેલ્ટ પરથી તો કોઈએ કાંડે બાંધેલા ધાગા પરથી વ્હાલસોયાઓને શોધ્યા
ઘટનાને સાંભળીને પરિવારજનોને ચક્કર આવી ગયા છતાં હિંમત એકઠી કરીને સ્મિમેર દોડ્યા પણ ત્યાં ભડથું થયેલા બાળકોના દેહનાં ઢગલામાંથી પોતાની વ્હાલસોયી દિકરી-દિકરાને કેમ શોધવી? બાળકોના શરીર પર જે થોડા ઘણા કપડાં દેખાતા હતા એના પરથી જ અન્ય મા-બાપની આંખો પણ પોતાના બાળકોને જ શોધી રહી હતી. જેમાંથી કોઈ હાથ પરની ઘડિયાળ જોઈને ઓળખવાનો પ્રયાસ કરતું હતું તો કોઈ હાથ પર બાંધેલા ધાગા કે ફ્રેન્ડશિપ બેલ્ટ જોઈને પોતાના લાડકવાયાઓને શોધી રહ્યા હતા. આ દ્રશ્ય એટલું કંપાવનારું હતું કે, પિતા સુરેશભાઈએ એક ખૂણામાં ગમગીન બનીને પોક મૂકીને રડી પડ્યા હતા. તેમાંના ઘણા માતા-પિતાએ તો ભારે હૈયે કોલસો થયેલા મૃતદેદેહ પોતાના માનીને સ્વીકારી લીધા હશે…કારણ કે ઓળખ શક્ય જ ન હતી.