સુરત: મૃતક હેપ્પીના પપ્પાએ કહ્યું 4 લાખ નથી જોઇતા, હું 4 લાખ આપું, ફાયરના સાધનો વસાવો

આશા, આકાંક્ષા અને ઉત્સાહથી છલકાતા અને યુવાનીને ઉંબરે પગરણ માંડી રહેલાં સંતાનો ક્ષણમાત્રમાં આગનો કોળિયો બની ગયા એ પહેલાં જીવનની અંતિમ પળોમાં માં-બાપ સાથે કરેલી વાત યાદ આવતા જ કમભાગી માતા-પિતાના આંસૂ રોકાતા નથી. છેલ્લી ઘડીએ માસૂમ બાળકોએ એવી આશા સાથે કોલ કર્યો હતો કે મારા પપ્પા મને ગમે કે રીતે બચાવી જ લેશે, પરંતુ કાકલૂદી કરી રહેલાં બાળકોને બચાવી નહીં શકવાનો વસવસો આ મા-બાપને આખી જિંદગી રહેશે.

…અને પપ્પાનો ગુસ્સો, હેપ્પીના પિતાએ કહ્યું 4 લાખ નથી જોઇતા, હું 4 લાખ આપું, સાધનો વસાવો

આગમાં હોમાઈ ગયેલા બાળકોના પરિવારજનોને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાયા બાદ સરથાણાની આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી હેપ્પીના પિતા દીપકભાઇ દેવચંદભાઇ પાંચાણી વંડાવાળાએ ભારે હૈયે તંત્ર સામે આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે મારે ચાર લાખ રૂપિયા જોઇતા નથી, કદાચ જરૂર હોય તો હું બીજા ચાર લાખ રૂપિયા ઉમેરીને આપવા તૈયાર છું પરંતુ, પાલિકાની ફાયર બ્રિગેડને જરૂરી તમામ સાધનો અપાવો.

જેથી સાધનો નહીં હોવાને કારણે કોઇને જીવ ગુમાવવાનો વારો ન આવે. સરથાણામાં તક્ષશિલા બિલ્ડીંગમાં બનેલી આગની દુર્ઘટના બાદ સમગ્ર શહેર તો ઠીક રાજ્ય નહીં પરંતુ દેશભરમાં જ્વાળામુખઈ જેવો રોષનો લાવા ભભુકતો જોવા મળી રહ્યો છે. અશ્વીનીકુમાર સ્મશાન ગૃહ ખાતે શનિવારે સવારે એક પછી એક મૃતદેહોની અંતિમવિધિ માટેની કતાર આવતી હતી. દરેક પરિવારો અને તેમના સ્વજનોમાં અનેક ચર્ચાઓ સાંભળવા મળતી હતી. જોકે દરેકના મોં પર તંત્ર સામે ફિટકાર વધારે સાંભળવા મળતો હતો. પ્રથમ વાઇરલ થયેલા વિડીયો અને ઘટના સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ ચોથા માળ સુધી પહોંચે તેવી સીડી ફાયર બ્રિગેડ પાસે નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ચોથા માળેથી કૂદવાનો વારો આવ્યો હતો.

બધાની ચર્ચાનો મુખ્ય વિષયપાલિકાના ફાયર બ્રિગેડ પાસે પુરતા સાધનો નથી અથવા તો સમયસર પહોચી શક્યા નહતા. કદાચ બેદરકારીને ધ્યાનમાં લઇને જવાબદાર વ્યક્તિઓને સજાના ભાગરૂપે સસ્પેન્ડ કરવામાં આવે પરંતુ જે પરિવારોએ પોતાના લાડકવાયા કે દિલના ટૂકડાને ગુમાવ્યા છે તે શું પાછા મળી શકશે ? આ બાબત પર ગંભીરતાથી વિચારી પરિવારજનોનો રોષ વધારે જોવો મળતો હતો. અશ્વિનીકુમાર સ્મશાનભુમિમાં હેપ્પીના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા આવેલા પાંચાણી પરિવારે દુ:ખ સાથે કહ્યું હતું કે હવે કરોડો રૂપિયા આપવાથી પણ કોનું પરિવારજન પાછું મળવાનું નથી. માટે ભવિષ્યમાં કોઇપણ ઘટના કે દુર્ઘટનામાં સાધનોના અભાવે કોઇને જીવ ગુમવવાનો સમય ન આવે. આ પ્રકારની અગમચેતીના પગલા ભરવાની અત્યારથી શરૂઆત કરી દેવી જોઇએ.

મમ્મા, કોચિંગમાં આગ લાગી છે તમે જલદીથી પપ્પાને મોકલો, મને બચાવો

સરથાણા જકાતનાકા પાસે સંસ્કારવીલા સોસાયટી પાસે નીલકંઠ હાઇટ્સમાં 8 માં માળે રહેતી વિનુભાઈ ખુટની દીકરી દૃષ્ટિબેન( 17 વર્ષ) હાલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. આજે જ પરિણામ આવ્યું તેમાં તે પાસ થઈ છે. તેને સીએ બનવું હતું. તે નાટાના ક્લાસમાં જતી હતી. ઘટના સ્થળે નીલકંઠ હાઇટ્સથી દોઢેક કિલોમીટરના અંતરે છે. તક્ષશિલા હાઇટ્સમાં આગના ધુમાડા દૃષ્ટિની માતા ભાવનાબેનને ઘરે દેખાતા ભાવનાબેને સામેથી ફોન કર્યો હતો. ત્યારે દૃષ્ટિએ સામેથી કહ્યું હતું કે અહીં આગ લાગી છે પપ્પાને તત્કાલિક મોકલો. જોકે દૃષ્ટિબેનનો જીવ બચી શક્યો નહતો.

પપ્પા આગ લાગી છે… પપ્પા દોડીને ઘટનાસ્થળે પહોંચ્યાં પણ દીકરી હમેશાં માટે જતી રહી હતી

આગમાં જીવ ગુમાવનાર લાડકી દીકરી માનસીને યાદ કરતા તેના પિતા પ્રવીણભાઈ કહે છે, માનસી ભણવામાં ખૂબ હોંશિયાર હતી. તેનો કોલ આવ્યો કે , આગ લાગી છે. અમે ત્યાં પહોંચીએ તે પહેલા તો તે દુનિયા છોડી ચૂકી હતી. 45 મિનિટ વિલંબથી અને સાધનો વિના પહોંચેલું ફાયર બ્રિગેડ માનસીના મોત માટે જવાબદાર છે. તો દીકરી યશ્વીને ગુમાવનાર ભરતભાઈએ જીઇબીને જવાબદાર ગણાવતા કહ્યું કે જીવતા બોંબ જેવા ડીપી આવી દુર્ઘટના માટે જવાબદાર છે. પાલિકા અને ફાયર સામે અમે કેસ કરીશું.

પપ્પા, હું બારીમાંથી કૂદી જાઉં છું… કહેતા જ ફોન કટ થયો અને ભડથું થયેલો મૃતદેહ મળ્યો

પપ્પા અમારા કલાસના બિલ્ડિંંગમાં આગ લાગી છે, અમે નીચે ઉતરવા ગયા તો જોયું કે અમારો લાકડાંનો દાદરો જ બળીને ખાક થઈ ગયો છે. પપ્પા..બધા છોકરાઓ બારીમાંથી કૂદવાની કોશિશ કરી રહ્યાં છે. હું પણ બારીમાંથી કૂદી બચવાની કોશિશ કરીશ…16 વર્ષની ક્રિષ્ના અને તેના પિતા વચ્ચેની ફોન પર જિંદગીની આ છેલ્લી વાત હતી. ફોન કટ થયો તે તરત જ રઘવાયા થઈ ગયેલા પિતા તેમના ઘરની નજીક જ આવેલા તક્ષિશલા બિલ્ડિંગમાં પાસે દીકરીને શોધતા પહોંચ્યા. ત્યાં જાણવા મળ્યું કે આગમાં દાઝેલા અને કૂદવાથી ઘાયલ થયેલા બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા છે.

પિતા સુરેશભાઈને સમજાયું નહીં કે કઇ હોસ્પિટલમાં જવું. તેથી તેમણે દીકરીના નંબર પર કોલ જોડ્યો. ફોન દીકરીના બદલે કોઈ બીજાએ ઉપાડ્યો. પિતાએ ભારે હૈયૈ કહ્યુ કે મારી દીકરી ક્રિષ્ના ક્યાં છે? ફોન ઉપાડનારે જે કહ્યું તે સાંભળી પિતા સુરેશભાઈની આંખે અંધારા આવી ગયા. ફોનમાં કહેવાઈ રહ્યું હતું કે આગમાં સળગી ગયેલા તમામ બાળકોના મૃતદેહ સ્મીમેરમાં લવાયા છે અને આ ફોન મને બળી ગયેલા એક મૃતદેહ પાસેથી જ મળ્યો છે..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો