મૃતકના પિતાનું અલ્ટીમેટમ: ઉત્તરક્રિયા સુધીમાં પરિણામ આપો નહીંતર ફળ ભોગવવા તંત્ર તૈયાર રહે

‘અમે હાલ બાળકો ગુમાવવાના દુખમાં છીએ. ઉત્તરક્રિયા સુધી રાહ જોશું કે આ ઘટનાના બેજવાબદારને કડક સજા મળે છે કે નહીં.? જો આ માનવસર્જિત અપરાધમાં બદલીઓ અને શો-કોઝ નોટિસનો જ ખેલ ચાલ્યા કરશે અને પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ સામે એફ. આર. આઇ. નહીં થાય અને ડીજીવીસીએલની બેદરકારીને ઉજાગર નહીં કરવામાં આવે તો અમે જ એક્શન લઇશું.’ વાતચીતમાં ગિષ્મા ગજેરાના પિતા જયસુખ ગજેરાએ આ વાત કહી હતી. એમણે ઘટના માટે ડીજીવીસીએલ અને જવાબદાર અધિકારીઓની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સાંસદ દિલાસો આપવા આવ્યા હોત તો પણ સારું લાગત.

મૃતકના પરિવારજનોએ કહ્યુ હતું કે ‘જનતાએ સુરતના સાંસદને ખોબા ભરીને મત આપ્યા. સુરતમાં આટલી મોટી ઘટના બની તેઓ જવાબદાર અધિકારીઓને કડક સજા મળે એ માટે કંઇ પ્રયત્નો કર્યાં હોય એવું મારા ધ્યાન પર નથી આવ્યું. ઘટનાને આટલા બધા દિવસો થઇ ગયાં છતાં કોઇ મૃતકના ઘરે જઇને દિલાસો પણ આપ્યો હોય એવું ધ્યાન પર નથી આવ્યું. લાગે છે કે તેઓ હજી જીતના ઉત્સવમાં જ મસ્ત છો.?’

ઇજાગ્રસ્તોનો આક્રોશ: પાલિકા, ફાયર અને DGVCL પણ બિલ્ડર જેટલા જ દોષી, હત્યાનો ગુનો દાખલ કરો

બેદરકારી નહીં હત્યાનો ગુનો નોંધવો જોઇએ

મયંક રંગાણી, સ્પાર્કલ હોસ્પિટલમાં છે,તેને કરોડરજ્જુમાં ઇજા છે

ક્લાસ સંચાલક કે બિલ્ડર કરતા વધુ જવાબદાર પાલિકાના અધિકારીઓ છે. જેમને ગેરકાયદે બાંધકામ થવા દીધું તેઓને અને ડીજીવીસીએલના કર્મચારીઓ જવાબદાર છે. તેઓને સખ્ત સજા થવી જોઈએ. માત્ર બેદરકારીનો ગુનો દાખલ કરવાથી કંઈ નહીં ચાલે અધિકારીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થવો જ જોઈએ.

પાલિકા, DGVCL એટલા જ જવાબદાર

સુનિલ ખોડીફાડ, પી.પી.સવાણી હોસ્પિટલમાં હતો, પગમાં ઇજા છે.

કોર્પોરેશન અને ડીજીવીસીએલની પણ એટલી જ જવાબદારી બને છે જેટલી અન્ય આરોપીઓની છે. તેથી તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ થવી જોઈએ. હું કાંઈ ક્લાસમાં જતો નથી. ત્યાં નીચે બેકરી પાસે સુતેલો હતો. આગ લાગી ગઈ પણ ખ્યાલ નહતો. જેથી દાઝી ગયો હતો.

ગેરકાયદે બાંધકામ થવા દીધું એ મોટો ગુનો

હર્ષ પરમાર, સ્પાર્કલ હોસ્પિટલમાં છે, તેને પગમાં ઇજા છે

આ પ્રકરણમાં કોર્પોરેશનના જે અધિકારીઓએ ગેરકાયદેં બાંધકામ થવા દીધું તેઓ તો બિલ્ડર કે શિક્ષકથી વધુ જવાબદાર છે.ઉપરાંત ડીજીવીસીએલની પણ ગંભીર બેદરકારી છે. એસએમસી અને ડીજીવીસીએલના જવાબદારો સામે પણ હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ.

તક્ષશિલા કાંડ ફરી ન બને એ માટે સજા જરૂરી

આરજુબેન ખુંટે, પી.પી.સવાણી હોસ્પિટલમાં હતી, પગમાં ઇજા છે.

આ કેસમાં પાલિકાના અને ડીજીવીસીએલના કર્મચારીઓની પણ એટલી જ બેદરકારી છે. તેથી તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ થવો જોઈએ.તેમની પણ ધરપકડ થવી જોઈ અને સજા થવી જોઈએ જેથી બીજી વખત આવી ઘટના નિવારી શકાય છે અને તક્ષશિલા જેવી ઘટના બીજી વખત ન બને.

કડક સજાએ જ મૃત બાળકોની શ્રદ્ધાંજલિ

ભગવતી આસોદરીયા, આયુષ હોસ્પિટલમાં છે, તેને હેડ ઇન્જરી છે

કોર્પોરેશનના જવાબદાર કર્મચારી-અધિકારી અને ડીજીવીસીએલના કર્મચારીઓને આરોપી બનાવીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એજ મૃત બાળકોને ખરી શ્રદ્ધાંજલિ આપી હોવાનું કહેવાશે. નહીંતર આવી ઘટના લોકો ભૂલી જશે અને ફરી આવી ઘટનાઓ શરું જ રહેશે.

જવાબદારોને કડક સજા થવી જોઇએ

રેન્સી રોય, પી.પી.સવાણી હોસ્પિટલમાં હતી, હાથ-પગમાં ઇજા

આ ઘટનામાં જે પણ જવાબદાર હોય એ તમામને સજા થવી જોઈએ પછી એ કોર્પોરેશનના અધિકારી હોય કે ડીજીવીસીએલના કર્મચારી. બનાવ બન્યો ત્યારે ધુમાળો ફેલાઈ ગયો હતો. બધા વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા.

ફરજ નથી બજાવી એને સજા કરો

આઝાદ ગોલકિયા પી.પી.સવાણી હોસ્પિટલમાં, શરીરે ઇજા

આ બનાવમાં કોર્પોરેશન અને ડીજીવીસીએલના કર્મચારીઓની પણ એટલા જ જવાબદાર છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવી જોઈએ. જેમણે ફરજ નથી બજાવી એ તમામને સજા થવી જોઇએ.

મૃતકના પિતાનો કમિશનરને સવાલ

ખુલાસો કરો. FRI કરશો કે નહીં.? કેટલા દિવસમાં.?
બે જવાબદાર પાલિકાના અને DGVCLના અધિકારીઓ સામે 5 દિવસ બાદ પણ ફરિયાદ કેમ નહીં.?

તમે ઇચ્છો છો કે અમે કાયદો હાથમાં લઇએ.?
બાળકોના બારમું એટલે કે 4 તારીખ સુધીમાં જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો અમે જ એક્શન લઇશું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો