એક અગન તાંડવની દુ:ખદાયક ઘટના બનતાં સફાળા બેઠા થયેલા તંત્રએ એક પછી એક મિલ્કતોને નોટિસ આપવાનું અને સીલ મારવાનું શરૂ કરતા નાના નાના વેપારીઓ પોતાને ત્યાં સીલ મારી જવાની અને પોતાનો ધંધો બંધ રહેવાના ડરથી તાત્કાલિક ફાયર સેફ્ટીની બોટલો વસાવવા લાગ્યા છે.પરંતુ વેપારીઓ જાતે કરેલા ડેમોમાં આ બોટલ સેફ ન હોવાનું સામે આવ્યું છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
વરાછાના પોદ્દાર આર્કેડમાં કેટલાક વેપારીઓએ અઠવાલાઇન્સની એક એજન્સી પાસેથી આ પ્રાકની ફાયર સેફ્ટી માટેની બોટલ મંગાવી હતી, સોસાયટીની સેફ્ટી માટે વસાવવામાં આવેલી આ વસ્તુ કેવી કામ આપે છે તે ચેક કરવા પરિસરમાં લાકડા વગેરે મુકીને આગ લગાડી આ ફાયર સેફ્ટીની બોટલોથી આગ બુઝાવવા ડેમો કરાયો હતો. નવી લવાયેલી ફાયર સેફ્ટીની જુદીજુદી ત્રણ બોટલોનો ઉપયોગ કરાયો પરંતુ ત્રણમાંથી એક પણ બોટલ નાની અમથી આગ બુઝાવવામાં સફળ ન થતાં જે તે કંપનીને પરત કરવામાં આવી હતી. વેપારીઓએ તે ડેમોનો વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં શેર કરતા અસંખ્ય લોકોએ જોયા પછી અનેક પ્રકારની કોમેન્ટો કરી હતી.
નબળો માલ પધરાવાતો હોવાનું સામે આવ્યું
કદાચ પોદ્દાર આર્કેડના વેપારીઓએ પરિક્ષણ ન કર્યુ હોત તો આ અંગે કોઇને પણ ખબર પડવાની ન હતી. ઘટના બન્યા પછી બોટલ ઉપયોગી નહીં થાય તો કોણ જવાબદાર ગણાય? શું માત્ર બોટલ વસાવી લેવાથી સુરક્ષિત ગણાય ? કેવી બોટલ સરકાર માન્ય હોય ? તેનું પ્રમાણ શું ? વગેરે બાબતોથી લોકોને જાગૃત કરવાની જવાબદારી કોની છે ? આ વિષયમાં સામાન્ય વેપારીઓ બિલકુલ અજાણ હોવાથી માત્ર નિયમોનું પાલન કરવા ખાતર અથવા ઓચિંતું ચેકિંગ કરવામાં આવે તો અધિકારીઓને માત્ર દેખાડવા અને દંડથી બચવા માટે રાખતા હોય છે. નબળી ગુણવત્તાવાળો કોઇપણ પ્રકારનો માલ વેચી દેવાની ફિરાકમાં બેઠેલા વેપારીઓ સામે પણ પગલા કેમ ન લેવાય ? તેવી ચર્ચા સાંભળવા મળી હતી.